જામનગર મહાનગરપાલિકાએ થોડા સમય પહેલા લાખોટા તળાવ પર વોકીગમાં આવતા લોકોને ચડ્ડી પહેરવા પર મનાઇ ફરમાવી દેતા ભારે હોબાળો મચ્યો હતો. સુરૂચીનો ભંગ થતો હોય અમુક લોકો ખુબ જ ટુંકા વસ્ત્રો પહેરે છે તેવું જણાવ્યું હતું. દરમિયાન આ જ મહાપાલિકાએ પોતાના સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં પુરૂષ અને મહિલાઓ બન્નેનો સાથે સ્પેશિયલ બેચ ચાલુ કરતા લોકોની આંખો પહોળી થઇ છે.
જામ્યુકોએ સંસ્કૃતિનો ઠેકો રાખ્યો હોય તેમ થોડા સમય પહેલા તળાવની પાળે ટુંકા વસ્ત્રો જેવી કે, ચડ્ડી વગેરે પહેરીને આવવાની મનાઇ ફરમાવી દીધી હતી. જે મામલે હોબાળો થતા આદેશ પાછો ખેંચવો પડયો હતો અને ક્ષોભભરી સ્થિતિમાં મુકાઇ ગયા હતાં. દરમિયાન સંસ્કૃતિનો વારસો રાખનાર મહાપાલિકાએ સ્પોર્ટસ સંકુલમાં આવેલા સ્વીમીંગ પુલમાં રાત્રીના ૮ થી ૯માં સ્પેશ્યલ બેંચના નામે પુરૂષ અને મહિલાઓ બન્નેને સાથે ન્હાવાની સુવિધા કરી આપતા વિવાદ જાગ્યો છે. આ સ્પેશ્યલ બેચ ચાલુ કરવાનું કારણ કોઇ કહી શકતું નથી પરંતુ મહાપાલિકા જ પૈસા માટે મહિલા અને પુરૂષોને એક જ સ્વીમીંગ પુલમાં તરણ કરાવે તે યોગ્ય છે?
સામાન્ય રીતે સ્વીમીંગ માટે આવનાર મહિલા કે પુરૂષને ૧૦૦૦ ડિપોઝીટ અને મહિને રૂા. ૪૫૦ ફી ભરવાની હોય છે. પરંતુ આ સ્પેશ્યલ બેંચમાં ૧ હજાર ડિપોઝીટ અને રૂા. ૯૦૦ મહિને ફી ભરવાની હોય છે. સ્પેશ્યલ બેંચમાં લાઇટ અને લાઇફ ગાર્ડ રાખવામાં આવ્યા છે. જેનો ખર્ચ થયા છે એટલે આ બેંચનો ચાર્જ ડબલ એટલે કે રૂા. ૯૦૦ રાખવામાં આવ્યો છે.કે.સી. મહેતા, સ્પોર્ટસ મેનેજર