અમદાવાદમાં જર્જરીત બિલ્ડીંગ ધરાશાયી થયા બાદ કોર્પોરેશનના તકેદારીના પગલા
રાજયની આર્થિક રાજધાની અમદાવાદના ઓધવ વિસ્તારમાં ગઈકાલે એક જર્જરીત ઈમારત ધરાશાયી થવાના કારણે એક વ્યકિતનું મૃત્યુ થયું છે. જયારે અનેક વ્યકિતઓ હજી બિલ્ડીંગ નીચે દબાયેલા છે ત્યારે શહેરમાં જુના-નવા તમામ ૨૦ હજાર આવાસ યોજનાના કવાર્ટરનું ચેકિંગ કરવા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા આવાસ યોજના વિભાગને સુચના આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
અમદાવાદમાં ગઈકાલે ઓધવ વિસ્તારમાં એક જર્જરીત બિલ્ડીંગ ધરાશાયી થયાની ઘટના બાદ ભવિષ્યમાં રાજકોટમાં આવી ઘટના ન બને તે માટે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ શહેરમાં જુના-નવા તમામ આવાસ કવાર્ટરનું ચેકિંગ કરવા સુચના આપી દીધી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં ૬૫૦૦ જુના અને ૧૩,૫૦૦ નવા સહિત કુલ ૨૦ હજાર જેટલા આવાસ યોજનાના કવાર્ટર આવેલા છે. બીજી તરફ વોર્ડ નં.૧૩ના કોંગી કોર્પોરેટર જાગૃતિબેન પ્રભાતભાઈ ડાંગરે પણ મ્યુનિસિપલ કમિશનરને રજુઆત કરી જણાવ્યું છે કે, વોર્ડ નં.૧૩માં ગોકુલધામ આવાસ યોજના, દાલીબાઈ કન્યા છાત્રાલય સામેની આવાસ યોજના, માનસતા ઈન્ડસ્ટ્રીયલ એરીયા સામેની આવાસ યોજના અને ગુરુપ્રસાદ ચોક પાસે આવેલી આવાસ યોજનાના કવાર્ટર ૧૫ વર્ષ જુના છે જે ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે તો અમદાવાદ જેવી ઘટનાનું રાજકોટમાં પુનરાવર્તન ન થાય તે માટે તમામ આવાસ યોજનાઓ યુદ્ધના ધોરણે રીપેરીંગ કરવાની માંગણી કરવામાં આવી છે.