ઈન્ફ્રાસ્ટ્રકચર અને સ્માર્ટ સિટીના કામો પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવાનો લક્ષ્યાંક: બંછાનિધી પાની
મહાપાલિકા દ્વારા ગત વર્ષે એક નવી પ્રણાલી શરૂ કરવામાં આવી હતી જેમાં હિન્દુ પંચાગના સૌથી મોટા તહેવાર એવા દિવાળીના ત્રણ દિવસ દરમિયાન કાર્નિવલ યોજવામાં આવતો હતો. ગત વર્ષે પ્રથમ વખત આવો કાર્નિવલ યોજાયો હતો જે રાજકોટવાસીઓએ મન ભરીને માણ્યો હતો.
આ વર્ષે દિવાળી કાર્નિવલ નહીં યોજવાની જાહેરાત આજે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા કરવામાં આવી છે.તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, રૈયા સર્કલ અને મવડી સર્કલ ખાતે આકાર લઈ રહેલા ઓવરબ્રીજ સહિતના ઈન્ફ્રાસ્ટ્રકચરને લગતા પ્રોજેકટો તથા સ્માર્ટ સિટીના કામો પર વધારે ધ્યાન કેન્દ્રીત કરવાનો લક્ષ્યાંક છે જેના કારણે આ વર્ષે દિવાળી કાર્નિવલ યોજાશે નહીં.
રૈયા અને મવડી ઓવરબ્રીજના કામ માટે રોડ ડાયવર્ટ કરાયા
ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે મહાપાલિકા દ્વારા રૈયા સર્કલ અને મવડી સર્કલ ખાતે કરોડો રૂપિયાના ખર્ચે ઓવરબ્રીજ બનાવવામાં આવી રહ્યા છે જેનું કામ આગામી ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરી દેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. બ્રીજનું કામ ઝડપથી પૂર્ણ થાય તે માટે આજે અમુક રોડ ડાયવર્ટ કરવામાં આવ્યા છે અને ડાયવર્ઝન કાઢવામાં આવ્યા છે.