અલગ-અલગ શાખાઓના અધિકારીઓ સાથે મિટીંગનો દોર શરૂ : સંભવત: ૩૦મી જાન્યુઆરીએ બજેટ રજુ થશે
રાજકોટ મહાનગરપાલિકાના વર્ષ ૨૦૧૮-૧૯નું રીવાઈઝ બજેટ અને વર્ષ ૨૦૧૯-૨૦નું સામાન્ય બજેટ તૈયાર કરવા માટે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા આજથી તૈયારીઓના શ્રીગણેશ શ‚ કરી દેવામાં આવ્યા છે. ખર્ચના આંકડાઓ મેળવવા માટે આજે સવારથી બપોર સુધી અલગ-અલગ શાખાઓના અધિકારીઓ સાથે મેરેથોન બેઠક યોજવામાં આવી હતી. ખર્ચનો ટબો મેળવ્યા બાદ આવકની સમીક્ષા કરવામાં આવશે. સંભવત: ૩૦મી જાન્યુઆરીના રોજ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત સ્વરૂપે બજેટ રજુ કરવામાં આવે તેવી શકયતા જણાઈ રહી છે.
વોર્ડ નં.૧૩માં ખાલી પડેલી એક બેઠક માટે આગામી ૨૭મી જાન્યુઆરીના રોજ પેટાચુંટણી માટેનું મતદાન હોવાના કારણે હાલ કોર્પોરેશનમાં આદર્શ આચારસંહિતા અમલમાં છે. આચારસંહિતા ૨૯મી જાન્યુઆરીના રોજ ઉઠશે ત્યારબાદ ચાલુ સાલનું બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મ્યુનિ.કમિશનર રજુ કરે તેવી શકયતા જણાઈ રહી છે. કમુરતા ઉતરતાની સાથે જ આજથી બજેટનો ધમધમાટ શ‚ કરી દેવામાં આવ્યો છે. અલગ-અલગ શાખાઓના અધિકારીઓ સાથે મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીએ ત્રણ કલાકની મેરેથોન મીટીંગ યોજી હતી અને તમામ શાખાઓ પાસેથી ખર્ચના આંકડાઓ એકત્રિત કર્યા હતા. આગામી દિવસોમાં બજેટની બીજી મીટીંગમાં આવકના સ્ત્રોતની પણ ચકાસણી કરવામાં આવશે. મહાપાલિકાની આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે બજેટ સંપૂર્ણપણે ગ્રાન્ટ આધારિત હોય છે. આવામાં ચાલુ સાલ લોકસભાની ચુંટણી યોજાવાની હોય બજેટમાં કેટલીક નવી યોજનાઓનો પણ સમાવેશ કરવામાં આવે તેવી શકયતા હાલ નકારી શકાતી નથી. ચાલુ સાલનું બજેટ ૨૨૦૦ કરોડથી પણ વધુનું હતું જોકે મુળભુત બજેટ ૧૦૦૦ કરોડ આસપાસ રહે તેવું લાગી રહ્યું છે. આગામી નાણાકીય વર્ષના બજેટનું કદ થોડુક મોટુ રહેશે. કારણકે સ્માર્ટ સિટી અંતર્ગત રાજકોટને કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવશે તેવી આશા સાથે બજેટમાં અનેક યોજનાઓ પણ મુકવામાં આવશે. આજથી બજેટ બેઠકનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. સંભવત: ૩૦મી જાન્યુઆરીના રોજ બજેટ રજુ કરી દેવાશે.