પ્રમુખ આર્કેડમાં ત્રણ દુકાનો વેંચ્યા પછી ૭ વર્ષ બાદ પ્રોપર્ટીકાર્ડમાં નામ ચડયું ન હોવાનો લાભ ઉઠાવી ખોટા દસ્તાવેજો તૈયાર કરી બીજાના નામે મિલકત કરી દેવાઈ
મુંબઈના શખ્સે રાજકોટની મિલકત બે વખત વેંચી મારીને છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. રાજકોટના પ્રમુખ આર્કેડમાં ત્રણ દુકાનો વેંચ્યા પછી ૭ વર્ષ બાદ પ્રોપર્ટીકાર્ડમાં નામ ચડયું ન હોવાનો લાભ ઉઠાવી ખોટા દસ્તાવેજો તૈયાર કરી મિલકત બીજાના નામે કરી દેવાઈ હોવાની એ–ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
રાજકોટના રામેશ્વર ચોક ખાતે રહેતા ભાર્ગવભાઈ જયપ્રકાશભાઈ વિઠલાણીએ એ–ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, માલવીયા ચોક ખાતે આવેલ પ્રમુખ આર્કેડની ઓફિસ નં.૩૮, ૩૯ તથા ૪૦ ૨૦૧૧ની સાલમાં તેઓના ભાઈ વિશાલભાઈ જયપ્રકાશભાઈ વિઠલાણી અને પિતા જયપ્રકાશભાઈ બાલુભાઈ વિઠલાણીએ નેસર્સ અમિત શાપત્ય પ્રા.લી. તથા અમીત કોર્પોરેશનના કલ્પેશ કિશોરચંદ્ર શેઠ રહે અંધેરી વેસ્ટ મુંબઈ પાસેથી ખરીદેલી હતી. બાદમાં પ્રોપર્ટીકાર્ડમાં નામ ચડયું ન હોય તેનો લાભ ઉઠાવી કલ્પેશ કિશોરચંદ્ર શેઠે આ મિલકતના ત્રણ ખોટા દસ્તાવેજો ઉભા કરી અનીષભાઈ આમદભાઈ જુણેજા, મિતેશભાઈ લક્ષ્મણભાઈ મેર તેમજ સંજયભાઈ કાનજીભાઈ કારસીયાના નામે કરી આપી છેતરપિંડી આચરી હતી.
એ–ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલી આ ફરિયાદના પગલે પોલીસે મુંબઈના શખ્સ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.