ગુરુનાનક જયંતીના પાવન અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશનો સળગતો પ્રશ્ન ઉકેલ્યો છે. અંતે એક વર્ષ બાદ તેઓએ નવા ત્રણ કૃષિ કાયદાઓ પરત ખેંચવાની સતાવર જાહેરાત કરી છે. તેઓએ આ જાહેરાત રાષ્ટ્રજોગ સંબોધનમાં કરી છે. જેમાં તેઓએ કહ્યું કે અમે કૃષિ જગતના હિતમાં ઉમદા આશયથી આ કાયદા લાવ્યા પરંતુ અમે તે ખેડૂતોને સંપૂર્ણ રીતે સમજાવી ન શક્યા.
પીએમ મોદીએ કહ્યું, ખેતીને સુધારવા માટે ત્રણ કાયદા લાવવામાં આવ્યા હતા. જેથી નાના ખેડૂતોને વધુ પાવર મળે. વર્ષોથી આ માંગ દેશના ખેડૂતો અને નિષ્ણાંતો, અર્થશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવી રહી હતી.જ્યારે આ કાયદાઓ લાવવામાં આવ્યા ત્યારે સંસદમાં ચર્ચા થઈ હતી.
કૃષિ કાયદા રદ થતાં રાજકીય, સામાજિક આગેવાનો આ મુદ્દે ટીપન્ણી કરી રહ્યા છે ત્યારે ભારતીય ખેડૂત યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે, વડાપ્રધાને ત્રણેય કાયદા પરત લેવાની ઘોષણા કરી છે પરંતુ ન્યૂનતમ સમર્થન મૂલ્ય અંગે કમિટી બનાવવા અને વીજળી અમેન્ડમેન્ટ સહિતના અન્ય મુદ્દે વાતચીત કરવાનું હજુ બાકી છે.
અમારી કમનસીબી અમે ખેડૂતોને સમજાવી ન શક્યા….રાષ્ટ્રજોગ સંબોધનમાં PM મોદી
રાકેશ ટિકૈતે જણાવ્યું કે, હાલ સંયુક્ત મોરચો વડાપ્રધાનની જાહેરાતને લઈ વાતચીત કરી રહ્યો છે, ટૂંક સમયમાં જ ભવિષ્યની રણનીતિ જાહેર કરવામાં આવશે. વધુમાં તેઓએ ટ્વીટ કરીને એવું પણ કહ્યું છે કે આંદોલન તત્કાલ પરત ખેંચવામાં આવશે નહી. તેઓએ એવું કહ્યું છે કે સંસદમાં ત્રણેય કૃષિ કાયદા રદ થશે ત્યારબાદ આંદોલન પરત ખેંચશુ.