ધ્રાંગધ્રાના માલવણમાં હાર્દિકે મહાપંચાયત યોજી ફરી કર્યા આંદોલનના શ્રીગણેશ
પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ વિધાનસભાની ચુંટણી બાદ ભુર્ગભમાં ચાલ્યા ગયા હોય તેવું લાગતું હતું ત્યારે વળી હાર્દિક પટેલે પોતાના પાટીદાર સમાજને જગાડવાનું અને આંદોલનને વેગવંતુ કરવાના કાર્યના શ્રીગણેશ કરાયા હોય તેમ લાગી રહ્યું છે. ૨૦૧૭ની વિધાનસભાની ચુંટણીમાં પાટીદાર અનામત આંદોલનનો ફાળો ખુબ જ મહત્વનો હતો ત્યારે ફરીથી ગણતરીના મહિનાઓમાં ૨૦૧૯ની લોકસભા ચુંટણીની તૈયારી શરૂ થનાર છે ત્યારે હાર્દિક પણ લોકસભા ચુંટણીમાં પોતાનું સ્થાન બનાવવા માટે આંદોલનને વેગ અપાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. જેમાં હાર્દિક પટેલ દ્વારા દરેક તાલુકામાં પાટીદાર ન્યાય મહાપંચાયતના નામે જાહેરસભાનું આયોજન પણ શરૂ કરી દેવાયું છે.
ધ્રાંગધ્રા તાલુકાના માલવણ મુકામે થનાર હાર્દિક પટેલની જાહેર સભા પહેલા બપોરના સમયે જ હાર્દિક પટેલ ધ્રાંગધ્રાના ભલાહનુમાન મંદિર ખાતે આવી ગયા હતા જયાં તેઓએ બપોરનું ભોજન હનુમાનજીના સાનિધ્યમાં પ્રસાદ સ્વરૂપે લઈ ત્યારબાદ ધ્રાંગધ્રાના હળવદ રોડ ખાતે કેટલાક પાટીદાર સમાજના લોકોના ઘેર જવાનો કાર્યક્રમ બનાવ્યો હતો. જયારે અમારા પત્રકાર સાથે ખાસ વાતચીત દરમિયાન પાટીદાર અનામત આંદોલનને લગતા કેટલાક પ્રશ્નોના જવાબ પણ હાર્દિક પટેલે આપ્યા હતા.
હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, પાટીદાર અનામત આંદોલન તેઓ સમાજને ન્યાય અપાવવા માટે શરૂ કર્યું હતું અને તેઓ ત્યાં સુધી આંદોલન શરૂ રાખશે જયાં સુધી પાટીદાર સમાજને ન્યાય નહી મળે. જોકે ખરેખર હાર્દિક પટેલની લોકચાહનામાં થોડા અંશે ઘટાડો આવ્યો હોય તેવું પણ સ્પષ્ટપણે દેખાતુ હતું. કારણકે જે લોકો રેલીમાં હાર્દિક પટેલની એક ઝલક માટે રોડ પર તડકો કે છાયો જોયા વિના કલાકો સુધી ઉભા રહેતા હતા તેજ લોકો આજે હાર્દિક પટેલ ધ્રાંગધ્રા શહેરમાં કલાકો સુધી રોકાયા છતાં પણ દેખાયા ન હતા ત્યારે હાર્દિક પટેલે ધ્રાંગધ્રાના કેટલાક પાટીદાર આગેવાનો ઘેર જઈ વાતચીત કરી હતી ત્યારબાદ સાંજે ૭:૦૦ કલાકે મોટી માલવણ ખાતે પાટીદાર ન્યાય મહાપંચાયતની જાહેરસભામાં હાજરી આપી હતી.
જોકે આ જાહેર સભામાં પાટીદાર સમાજના ટોળા ઉમટી પડયા હતા. હજારોની સંખયામાં પાટીદાર સમાજની મહિલાઓની પણ ઉતસ્થિતિ જોવા મળી હતી ત્યારે હાર્દિક પટેલે પોતાની જાહેર સભામાં ફરી આંદોલનનું રણશીંગુ ફુકયું હતું. જોકે કોંગ્રેસ પક્ષમાં રહેલા લલીતભાઈ વસોયા, બ્રિજેશભાઈ મેરજા સહિત મોટાભાગના ધારાસભ્યો તથા કોંગી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જયારે જાહેરસભા સંબોધતા હાર્દિક પટેલનો સાથ છોડી ગયેલા સાથી મિત્રો પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, હજુ કેટલાક એવા પણ સાથીઓ આ આંદોલનની લડતમાં તેઓની સાથે શરૂ આતથી છે. જેમાં ગીતાબેન પટેલ, ભાવેશ પટેલ, કિરણભાઈ પટેલને બિરદાવ્યા હતા. હાર્દિક પટેલની આ જાહેરસભાના કાર્યક્રમને સફળ બનાવવા માટે ભરતભાઈ પટેલ, બિપીનભાઈ, કિરણભાઈ, અલ્પેશભાઈ જાકાસણીયા સહિતનાઓએ ખુબ જ જહેમત ઉઠાવી ચુંટણી બાદ પાટીદાર સમાજની આ પ્રથમ સભાને સફળ બનાવી હતી.
હાર્દિક પટેલ સાથે વાતચીત દરમિયાન કેટલાક સવાલોના જવાબો
સવાલ: વિધાનસભા બાદ પાટીદાર અનામત આંદોલન કેમ શાંત પડી ગયું ?
જવાબ:- આંદોલન શાંત પડયું નથી પરંતુ જાહેરસભાઓ પર બ્રેક લાગી હતી.
સવાલ: એક સમયે હાર્દિક પટેલ નજદીક મનાતા સાથી મિત્રોએ કેમ તેઓનો સાથ છોડયો ?
જવાબ:- તેઓની વ્યકિતગત વિચારધારા છે.
સવાલ: લોકસભા પહેલા જ ફરી આંદોલન કેમ ?
જવાબ:- વિધાનસભા સમયે પણ આંદોલન ચાલુ જ હતું તથા આંદોલનને ચુંટણી મહત્વની નથી.
સવાલ: શું આ જાહેરસભા હાર્દિક પટેલ માટે લોકસભાની તૈયારી ગણાવી શકાય ?
જવાબ: વિધાનસભામાં જે મુદા અને મુખ્ય માંગો હતી તેજ માંગો હજુ પણ યથાવત છે.
સવાલ: આંદોલન સરકાર વિરુઘ્ધ હતુ તો પછી શાસકપક્ષના ધારાસભ્યો તથા નેતાઓને આમંત્રણ કેમ ?
જવાબ: લોકોને અને પાટીદાર સમાજને જાણ થાય કે નવા ધારાસભ્યો પાટીદાર આંદોલન સાથે છે કે નહીં તથા ચુંટાયેલા નવા ધારાસભ્યો કેવા છે તેની માહિતી મળે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com