શેરી-ગલીઓમાં એકઠા થવાની બેજવાબદાર હરકતના કારણે કરોડો લોકોના જીવ પર તોળાઈ રહેલો ખતરો: ટુંક સમયમાં જ મોતનો આંકડો ત્રણ થી ચાર આંકડે પહોંચી જાય તેવી દહેશત: વતન જતા મજુરોનું વિસ્થાપન અટકાવવું પણ જરૂરી
કોરોના વાયરસનાં સંક્રમણનાં કેસ વધે નહીં તે માટે સરકારે લોકડાઉન જાહેર કર્યું છે પરંતુ કેટલાક બેવકુફ લોકોનાં કારણે લોકડાઉનની સ્થિતિમાં પણ ટોળા વળતા હોય અથવા લટારો મારતા હોય તેવી સ્થિતિ જોવા મળે છે. સમાજનાં આ ગણ્યા ગાંઠ્યા બેવકુફોનાં કારણે લાખો કરોડો લોકોનાં જીવન ઉપર ખતરો ઉભો થઈ રહ્યો છે. વડાપ્રધાન મોદીએ હાથ જોડીને લોકોને ઘરમાં રહેવા વિનંતી કરી છે પરંતુ વડાપ્રધાન મોદીની વાતને કેટલાક લોકો માનતા ન હોવાનું સામે આવે છે. શેરી-ગલીઓમાં આંટા ફેરા કરતા નજરે જોવા મળે છે. જો આવા લોકો સંક્રમણમાં આવી જાય તો તેઓ પોતાના ઘરે તેમજ આજુબાજુમાં સંક્રમણ ફેલાવી શકે આવી સ્થિતિમાં વર્તમાન સમયે મોતની સંખ્યા ભલે એક આંકડામાં હોય પરંતુ ટુંકાગાળામાં જ સંખ્યા ચાર આંકડે પહોંચી જાય તેવી દહેશત છે.
આખા દેશમાં લોકડાઉન છે ત્યારે મોટી સંખ્યામાં લોકો હિજરત કરી રહ્યા છે. આ સ્થિતિ પણ ખૌફનાક ભવિષ્યનો ચિતાર આપી રહી છે. બસ સ્ટેન્ડ નજીક ટોળા એકત્ર થઈ રહ્યા છે. પોતાના વતન જવા માટે મજુરોને ટ્રકમાં ખીચોખીચ ભરવામાં આવે છે જો ટુંકા સમયમાં આ તમામ મજુરોને વાયરસનો ચેપ લાગ્યો હશે તો તેઓ આ વાયરસ ગામડા સુધી પહોંચાડવા માટે જવાબદાર ગણાશે. વર્તમાન સમયે સરકારે લોકડાઉન તો જાહેર કર્યું છે પરંતુ ટોળાને એક સ્થળેથી બીજા સ્થળે ખસેડવા માટે આપવામાં આવેલી સુવિધાનો નિર્ણય પર નિંદાને પાત્ર છે. જયારે લોકોને ઘરમાં જ રહેવાનું કહેવાયું છે ત્યારે શા માટે લોકોને બહાર નિકળવાની છુટ અપાય છે. લોકો બહાર નિકળે છે ત્યારે વાયરસનાં હોસ્ટ બની જાય છે. પરીણામે આ સમાજ ઉપર ખતરો ઉભો થાય છે.
આને કોણ સમજાવશે સોશિયલ ડિસ્ટન્સીંગ!!!
વર્તમાન સમયે દેશમાં લોકો ઘરની બહાર નિકળે નહીં તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ ઘરની બહાર નિકળતા લોકો સામે કડક કાર્યવાહી કરે છે. સમજાવીને પરત મોકલે છે પરંતુ રસ્તા પર કેટલાક લોકો એવા પણ જોવા મળે છે કે જેઓ કાર્યવાહીથી બચવા પોલીસથી છુપાયને આંટાફેરા કરે છે. આવા લોકોને શોધીને સખત કાર્યવાહી થવી ખુબ જ આવશ્યક છે.
લોકડાઉનની સ્થિતિમાં પ્રોટોકોલ તોડીને અનેક મજુરો પોતાના વતન જવા નિકળી પડયા છે. ટોળામાં પગપાળા ચાલીને પોતાના વતન જઈ રહ્યા છે. આ જ સ્થિતિ પણ ગંભીર પરીણામો તરફનાં સંકેટો આપી રહી છે. મજુરો પોતાના ઘરે નહીં પરંતુ શહેરમાં જ રહે તે જરૂરી છે. લોકડાઉનની સ્થિતિમાં તેમને યોગ્ય સમયે ભોજનની વ્યવસ્થા અપાય તે જરૂરી છે. આ માટે ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓ કામ પણ કરી રહી છે.
૨૧ દિવસના લોકડાઉનને હજુ ૩ દિવસ જ વિત્યા છે ત્યાં શેરી-ગલીઓમાં લોકોનાં ટોળેટોળા વળવા લાગ્યા છે. લોકો ઘરમાં રહેવા તૈયાર નથી તેવી છાપ ઉપસી રહી છે. કોરોના વાયરસનાં સંક્રમણનું વળવું સ્વરૂપ ઈટાલી, ચીન, ફ્રાંસ અને અમેરિકા જેવા મસમોટા દેશો જોઈ ચુકયા છે. આ દેશોની આરોગ્ય પ્રણાલી સામે ભારતની આરોગ્ય પ્રણાલી કોઈપણ તબકકે ટકી શકે તેવી નથી છતાં પણ લોકો કોરોના વાયરસની ગંભીરતાને સમજી શકતા નથી. ભારત હાલ કોરોના વાયરસનાં સંક્રમણનાં બીજા સ્ટેજમાં છે. ત્રીજા સ્ટેજની સીમાએ આવીને ઉભુ છે જો લોકોને ઘરની બહાર નિકળતા અટકાવવા કડકમાં કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો ભારત ત્રીજો સ્ટેજ ટુંક સમયમાં પાર કરી સીધો ચોથા શહેરમાં પણ પહોંચી જશે. ત્રીજા સ્ટેજમાંથી ચોથા સ્ટેજમાં પહોંચતા વાર લાગશે નહીં અને ગંભીર પરીણામો સમાજને ભોગવવા પડશે.
નોંધનીય છે કે, ભારતમાં સંક્રમણનાં કેસની સંખ્યા ત્રણ આંકડે પહોંચી ચુકી છે. મોતનાં કેસમાં ધીમે-ધીમે વધારો થવા લાગ્યો છે. દેશમાં ગઇકાલે ગુરૂવારે એક જ દિવસમાં કોરાનાથી સાતના મોત થયા હતા. આ સાથે દેશમાં કોરોનાથી મૃત્યુનો આંક ર૦ પર પહોચ્યો છે. દિલ્હી સહીતના રાજયોમાં ૭૧ નવા કેસ નવા નોંધાયા છે. અને અત્યાર સુધીમાં દેશમાં કોરોનાના કેસ ૭૦૦ ને પાર કરી સાંજ સુધીમાં ૭૨૭ થવા છે તેમ સૂત્રો જણાવે છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ કોરોનાથી છ થી વધુના મોત થયા છે. આ સાથે દેશમાં કુલ મોતના આંક ૧૬ થયો છે. એક જ દિવસમાં ૮૮ નવા કેસ સાથે દેશમાં કુલ ૬૯૪ કેસ નોંધાયા છે. મુંબઇની ૬૫ વર્ષથી વધુ વયની બે મહિલાઓએ પ્રવાસ કર્યો ન હોવા છતાં કોરોનાનો ચેપ લાગ્યો હતો અને મોત થયા હતા. મોટાભાગના મોટા ઉમરના લોકોના જ મોત થયા છે. જમ્મુ કાશ્મીર ખીણમાં એક ધંધાર્થી અને સોપોરના ઉપદેશકર્તા કોરોનાથી મોત થયા હતા. જયારે એક મોત રાજસ્થાનમાં થયું છે. ભીલવાડામાં ૭૩ વર્ષના વૃઘ્ધનું ગુરૂવારે મોત થયું હતું. આ દર્દી કીડની, ડાયાબીટસ અને હ્રદયરોગનો હતો તેમ આરોગ્ય મંત્રી રધુ શર્માએ જણાવ્યું હતું.
મઘ્યપ્રદેશના ૩પ વર્ષના યુવાનને તાવ કફ અને શ્ર્વાસ લેવામાં તકલીફને લીધે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો અને તેનું કોરોનો ચેપ લાગવાનું બહાર આવ્યું હતું. તેની ઇન્દોર ખાતે સારવાર ચાલતી હતી અને તેનું મોત થયું હતું. જો કે તેણે વિદેશ પ્રવાસ કર્યો ન હોવા છતાં તેને ચેપ લાગ્યો હતો. આ અગાઉ રાજયમાં ૬૫ વર્ષની વૃઘ્ધાએ કોરોનાનો ભોગ બની સારવાર દરમિયાન દમ તોડયો હતો. ગુરૂવારે ગુજરાતમાં ૭૦ વર્ષના વૃઘ્ધાનું મોત થયું હતું. અને પાંચ કેસ પોઝિટિવ સામે આવ્યા હતા એ સાથે કોરોનાનો આંક ૪૪ પર પહોચ્યો છે. રાજયમાં કુલ ત્રણના મોત થયા છે. ભાવનગરના વૃઘ્ધાએ દિલ્હીની મુસાફરી કરી હતી અને ત્યાંથી ચેપ લાગ્યો હતો. વૃઘ્ધા કેન્સર, ડાયાબીટીસ અને હ્રદયરોગના દર્દી હતા તેમ આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.
કેરળમાં કોરોનાના સૌથી વધુ દર્દીઓ હોવા છતાં ગુરૂવારે એક પણ મોત નોંધાયું ન હતું કોરોનાના હોટ સ્પોટ ગણાતા મહારાષ્ટ્રમાં ૮ નવા કેસ બહાર આવ્યા હતા. કેરલમાં દેશમાં અત્યાર સુધી કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. ત્યારબાદ મહારાષ્ટ્રમાં ૧૩૦, કર્ણાટકમાં પપ, તેલંગણામાં ૪૫ અને ગુજરાતમાં ૪૪ કેસ નોંધાયા છે. દિલ્હીમાં કોરોનાના ચાર નવા કેસ સાથે ગુરૂવારે કુલ ૩૯ કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગના સહસચિવ અગ્રવાલે જણાવ્યું હતું કે કોરોનાના નવા કેસ સ્થિર થયા છે કે થોડો ધટાડો થયો છે તેમ કહી શકાય તેમણે વધુમાં જણાવ્યું હતું કે સામાજીક અંતર નવા કેસ શોધવા માટેની અદ્યતન ન પઘ્ધતિ અને લોકોને ઘરમાં રાખવામાં કડકાઇના કારણે નવા કેસમાં કાબુ આવશે. તેમણે વડાપ્રધાન ની અપીલને માન અચપી દેશને કોરોનાથી બચાવવા ઘરમાં જ રહેવાની સલાહ આપી છે.