જે ભાષામાં બાળક ઉછર્યુ હોય તે જ ભાષામાં ગ્રહણ શકિત-સમજ શકિત અને વિચાર શકિત ખીલે છે. મગજ એક કમ્પ્યુટર છે, અને તેમાં સૌથી વધુ બંધ બેસતી ભાષા માતૃભાષા છે
આજકાલ માતૃભાષામાં શિક્ષણ આપવાની બહુ જ વાતો થાય છે જો કે એક વાત નકકી છે કે બાળક માના ખોળામાં જેટલું ખીલે એટલું આયાના ખોળામાં ન ખીલે, અંગ્રેજી ગેસ્ટ ભાષા છે તો માતૃભાષા બેસ્ટ ભાષા છે. માતૃભાષામાં ભણતાં છાત્રો લગભગ 9 ધોરણ સુધી ટયુશન કરતાં નથી, જયારે અંગ્રેજી માઘ્યમના છાત્રોને નાનપણ થી જ ટયુશન ચાલુ થઇ જાય છે. જર્મની, જાપાનમાં સર્વેક્ષણો થયા તેના તારણોમાં જણાયું કે માતૃભાષામા ભણનાર છાત્રની સ્ટ્રેસ કેપેસીટી વધુ હોય છે જે તેને જીંદગીના બધા પડકાર જીલવા સક્ષમ બનાવે છે. ઇઝરાયલ આપણાં દેશ કરતાં કયાંય નાનો છે તેને વિજ્ઞાનક્ષેત્રે ઘણી પ્રગતિ કરી કારણ એક જ ત્યાં ના છાત્રો તેની માતૃભાષામાં શિક્ષણ મેળવે છે.
મોરારીબાપુ કહે છે કે, અંગ્રેજી કામની ભાષા છે, તેથી તેની પાસે કામવાળી જેમ કામ લેવાય તેને ગૃહિણીનું સ્થાન ન અપાય, ખુબ જ આગળ પડતા ચિત દેશમાં પણ તેની પોતાની માતૃભાષાનું મહત્વ વધારે છે. માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણએ માત્ર શકય કે સફળ નથી, પરંતુ અંગ્રેજી માઘ્યમના ભણતર કરતાં તેનાથી ખુબ સારા પરિણામો દેખાયા છે. માતૃભાષામા ભણનાર છાત્રને બીજી ભાષા પણ ખુબ જ સારી રીતે શીખી શકે છે, વિદ્યાર્થી માતૃભાષાના વર્ગની દરેક પ્રવૃતિમાં ખુબ ઉત્સાહથી ભાગે લે છે ને તેની અભિવ્યકિત ખીલે અને પ્રતિભા બહાર આવે છે. માતૃભાષાને કારણે જ વિશેષ પ્રોત્સાહન મળતા જ્ઞાન અને અનુભવ રજુ કરવાની તક મળે છે, આપણાં દેશમાં ત્રણ ભાષામાં ભણાવવામાં આવે છે જેમાં પ્રાદેશિક ભાષા-રાષ્ટ્રભાષા હિન્દી અને આંતરરાષ્ટ્રીય ભાષા અંગ્રેજી જે વિદ્યાર્થીની પ્રાદેશિક ભાષા માતૃભાષા નથી તેવી વિદ્યાર્થીને તકલીફ પડે છે. દા.ત. મહારાષ્ટ્રમાં ભણતું બાળક મરાઠી, હિન્દી અને અંગ્રેજી ભણે છે પણ તેની માતૃભાષા ગુજરાતી છે.
ઘરમાં બોલાતી ભાષા એ જ શિક્ષણનું શ્રેષ્ઠ માઘ્યમ બની શકે, મનોવૈજ્ઞાનિકો,
બાલ માનસ શાસ્ત્રીઓ અને બાલ રોગ ચિકિત્સકો પણ માને છે કે ઘર અને નિશાનની
ભાષા જુદી પડે ત્યારે બાળક મુંઝાય છે.
બાળક પાંચ વર્ષનું થાય ત્યાં સુધીમાં માતૃભાષાના બે હજાર હિન્દી શબ્દો તેના અર્થ અને ભાવ સાથે શીખીને તેને અનુભવમાં લઇ લે છે, જે અંગ્રેજી માઘ્યમાં 10 ધોરણ સુધી ભણો તોય નથી આવડતા આજે બધા મા-બાપને અંગ્રેજી માઘ્યમનો ક્રેઝ લાગ્યો છે. નવી શિક્ષણ નિતી 2020માં બાળકને ધો. 1 થી પ સાથે પ્રારંભિક બાળ શિક્ષણ સંભાળ પણ ફરજીયાત માતૃભાષામાં આપવાનું ફરજીયાત કરેલ છે. જે એક ઘણી સારી બાબત છે.mother’s language
આજે જયારે મા-બાપને અંગ્રેજી માઘ્યમમાં સંતાનોને ભણાવવાનો ગાંડો ક્રેઝ અને આંધળી દોટે પ્રાદેશિક ભાષાના ભણતર ને ડુબાડયું પણ ધો. 10-1ર ની બોર્ડની પરીક્ષાના રીઝલ્ટ જોવો તો 90 ટકાથી વધુ છાત્રો ટોપ મેરીટ લીસ્ટમાં હોય જે ગુજરાતી માઘ્યમમાં જ ભણ્યા હોય છે. માતૃભાષાનો પાયો મજબુત કર્યા બાદ વિદ્યાર્થીને અંગ્રેજી ભાષાનો સંપર્ક કરાવવો હિતાવહ છે.
નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ-2020 નો દસ્તાવેજ જાહેર કરવામાં આવ્યો છે. અને તેમાં વિશેષ એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે બાળકો એમની માતૃભાષા અથવા સ્વભાષા કે ઘરેલું બોલીઓમાં જ શિક્ષણ પ્રાપ્ત કરે તેને માટે શ્રેષ્ઠ ગણાય છે.વિદેશોમાં પ્રથમ ભાષા તરીકે, માતૃભાષા અને બીજી ભાષા તરીકે અંગ્રેજી શિક્ષણ સ્કૂલના પ્રારંભિક તબક્કેથી જ શીખવવામાં આવે છે આથી માતૃભાષાની સાથોસાથે અંગ્રેજી શિક્ષણનું પણ જ્ઞાન આપવું જોઈએ.
આપણે ત્યાં ખાનગી શાળા અને સરકારી શાળા વચ્ચે ભાષા મુદ્દે તફાવત જોવા મળે છે. ખાનગી શાળાઓમાં ભણતાં બાળકોને અંગ્રેજી શિક્ષણ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે તેમજ જેમના મા-બાપ-વાલીઓને અંગ્રેજી ભાષાનું જ્ઞાન છે તેઓ પોતાના બાળકોને ખાનગી શાળામાં અભ્યાસ કરાવવાનો આગ્રહ રાખે છે જયારે સરકારી શાળાઓમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોના આર્થિક રીતે પછાત મા-બાપ-વાલીઓ સરકારી શાળામાં અભ્યાસ કરાવવાનો આગ્રહ રાખે છે. આમ આ શિક્ષણ બે પ્રકારનો પ્રવાહમાં વિભાજિત છે જેથી કરીને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પ્રવેશ મેળવનાર બાળકો માટે મોટી મુશ્કેલી સર્જે છે.
વિશ્વમાં જે પ્રયોગો થયા છે તેના પરથી એવું પુરવાર થયું છે કે યુરોપમાં જર્મની જાપાન જેવા દેશો માતૃભાષાની સાથોસાથ અંગ્રેજી શિક્ષણ મેળવેલ હોવાથી બાળકોને આગળના અભ્યાસમાં કોઈ મુશ્કેલી પડતી નથી. આપણે ત્યાં માતૃભાષા પર વધુ મહત્વ અને અંગ્રેજી શિક્ષણને ઓછું મહત્વ આપવામાં આવે છે. જુદી-જુદી ભાષાઓ શીખવવાથી બાળકોનો સામાજિક,સાંસ્કૃતિક વિકાસ થાય છે. માતૃભાષા સાથે અંગ્રેજી કોમ્યુનિકેશનમાંઅગ્રેસર રહે. સાક્ષરતા, સમજણ, સ્કીલનો વિકાસ થાય છે સાથોસાથ બાળકોની સમજણ, ચિંતનાત્મકતા, સર્જનાત્મકતા અને નિપૂણતા પ્રાપ્ત કરે છે. માતૃભાષાનું મહત્ત્વ છે.
માતૃભાષા દ્વારા બાળક પોતાની લાગણીઓ કે સંવેદનાઓની અભિવ્યકિત સરળતાથી કરી શકે છે. તે વિચારોનું અને લાગણીઓનું આદાન-પ્રદાનનું મહત્ત્વનું માધ્યમ છે.પ્રાથમિક શાળાથી માંડીને ઉચ્ચ શિક્ષણ સુધીનું શિક્ષણ માતૃભાષામાં અપાઈ છે. આથી માતૃભાષા અનિવાર્ય છે. આપણે સૌનો રોજિંદો વ્યવહાર માતૃભાષા દ્વારા થાય છે અને માતૃભાષાના માધ્યમ દ્વારા સરળ પ્રત્યાયનથી જીવન વ્યવહાર સરળતાથી ચાલે છે.
માતૃભાષા દ્વારા બાળક પોતાના વિચારો, લાગણીઓ, આંકાક્ષાઓ કે એષણાઓને સ્પષ્ટ અને સચોટ રીતે અભિવ્યકત કરી શકે છે. શિક્ષણ અને પરીક્ષણના માતૃભાષા માધ્યમ તરીકે સ્વીકાર થયો છે આથી વિદ્યાર્થી માતૃભાષા દ્વારા અસરકારક રીતે શિક્ષણ મેળવી શકે છે. માતૃભાષામાં પરીક્ષણના ઉત્તરો સ્પષ્ટ રીતે આપી શકે છે. વિદ્યાર્થીના અનુભવો, કૌશલ્યો, જ્ઞાનની સમૃદ્ધિના વિકાસમાં માતૃભાષા અસરકારક ભૂમિકા ભજવી શકે છે.માતૃભાષા દ્વારા વિદ્યાર્થીનું અર્થગ્રહણ ઝડપી અને સ્પષ્ટ બને છે. બાળક શિક્ષણની સમસ્યાઓને માતૃભાષા દ્વારા સારી રીતે વ્યકત કરી શકે છે.
બાળક માતૃભાષા દ્વારા મૌખિક અને લેખિત સ્વરૂપે પોતાના વિચારો સ્પષ્ટ રીતે રજૂ કરી શકે છે. બાળકની અધ્યયન પ્રક્રિયામાં કાર્યશકિત અને સમયનો બચાવ થાય છે. બાળકમાં રહેલી સર્જનાત્મકતા ખિલવવા માટેનું માતૃભાષા એક અસરકારક માધ્યમ છે. બાળકના વ્યક્તિત્વનો વિકાસ અને તકોમાં વધારો થાય છે.શિક્ષણ મેળવવાની શિક્ષણમાં અપવ્યય અને સ્થગિતતા ઘટાડી શકાય છે. માતૃભાષા દ્વારા બાળકનું સામાજિકીકરણ શકય બને છે.માતૃભાષાના શિક્ષણ દ્વારા વ્યકિતમાં મીઠાશ, પ્રવાહિતા, પ્રાસાદિકતા અને સરળતા આવે છે.
માતૃભાષાનું શિક્ષણ એ બીજા વિષયોના શિક્ષણની જનની છે. માતૃભાષાના શિક્ષણ માટે કેટલાક વ્યાવહારિક ઉપાયો .બાળકો વર્ગમાં સક્રિય રહે છે. પ્રત્યેક બાળક માટે વ્યકિતગત ધ્યાન અપાય આથી તેને પ્રતીતિ થાય કે એને સોંપવામાં આવેલો સમય માત્ર એના માટે જ હતો.શિક્ષકે પોતે વર્ગમાં ઓછામાં ઓછું બોલે અને બાળકોને વધુમાંવધુ બોલવા માટે પ્રોત્સાહિત કરે જેથી બાળકથી બાળકનોસ્વાભાવિક ગભરાટ દૂર થાય. બાળકની પ્રશંસા કોઈ રીતે અવશ્ય થવી જોઈએ. વાર્તા, ગીત, હાસ્ય, પ્રસંગો ઈત્યાદિ સમૂહને સંભળાવે એ સમયે પ્રશંસાના રૂપમાં તાળીઓ વગાડશો તો બાળકને બોલવામાં પ્રેરણા અને પ્રોત્સાહન મળશે
વર્ગમાં પ્રત્યેક બાળક પાસે વ્યકિતગત વાંચન કરાવાય, વર્ગના બીજા બધા બાળકોને એ પ્રેરણા અપાય. બાળકોનો ઉચ્ચારણ અને જોડણી ઉપર હંમેશા ધ્યાન અપાય. બાળકો જોડણીની અશુદ્ધિઓ પોતે શોધી તેને સુધારે અથવા એકબીજાની જોડણી સુધારે. દૈનિક પ્રવચનમાં ઘટતી ઘટનાઓની બાબતોમાં પૂછપરછ કરે. પ્રત્યેક બાળકને વારંવાર બોલવા માટેની તકો પૂરી પડાય. વાંચન કૌશલ્યના વિકાસ માટે સહાયક સામગ્રી જેવી કે ફલેશકાર્ડ શબ્દકાર્ડ, વાકયપત્ર ઈત્યાદિનો ઉપયોગ થાય કારણ કે બાળક દશ્ય સામગ્રીથી જલ્દી શીખે છે અને એથી વાંચન શીખવવામાં રોચકતા આવે છે.
બાળકને ચિત્ર બતાવી તેની નીચે એના વિશે લખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ બાળકો દ્વારા ચિત્રિત અને લેખિત સામગ્રીને બુલેટીન બોર્ડ પર મૂકવામાં આવે જેથી અન્ય બાળકોમાં એ માટે રુચિ કેળવાય.વર્ગની દીવાલોને સુંદર વિગેરે અને ચાર્ટ્સથી સુસજ્જિત કરાયજેથી બાળકોમાં વાંચનરુચિ કેળવાશે. અભિનય, બાલગીત, હાસ્યના ટુચકા, જોડકણા કાવ્ય વગેરે દ્વારા બાળકોની મૌખિક અભિવ્યકિતનો વિકાસ કરી શકાય છે.બાળપત્રિકાઓ તથા અન્ય બાલોપયોગી સામગ્રીનું સંકલન કરી વર્ગમાં વાચન માટે ઉપલબ્ધ કરાય. * ટ્રાન્જિસ્ટર રેડિયો, કેસેટ-પ્લેયર, ટેલીવિઝન, કમ્પ્યૂટરઈત્યાદિ સાધનોનો બાળકને પરિચય કરાવાય તથા ભાષાનાઉપયોગ-વિકાસ માટે ઉપયોગમાં લેવાય.શિક્ષકે બોલતાં અને વાંચનમાં પોતાના ઉચ્ચારણની બાબતમાં ખૂબ સાવધની રાખવી જોઈએ.
શિક્ષકે બાળકોને વર્ગ અને વર્ગની બહાર માન્ય ભાષામાં બોલવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.બાળક જયારે જયારે ખોટા ઉચ્ચારણો કરે ત્યારે ત્યારે શિક્ષકે સુધારવા પ્રયત્ન કરવો જોઈએ.શિક્ષકે બાળકોને વાર્તાઓ સંભળાવવી જોઈએ પોતે કરેલી બાળક વાર્તા કરી સંભળાવે તે માટે તેને પ્રોત્સાહન આપવું જોઈએ.
બાળક પોતે પણ કોઈ અન્ય વાર્તા વર્ગમાં કરે તે માટે પ્રયત્નો કરવા જોઈએ.
શબ્દોના શુદ્ધ ઉચ્ચારણ માટે તેને વારંવાર બોલવા જોઈએ. શકય હોય તો એ માટે ટેઈપ રેકોર્ડરનો ઉપયોગ કરવો જોઈએ. શિક્ષકે બાળકોની મળતી આવતી ધ્વનિઓના સૂક્ષ્મો શબ્દોભેદો સાંભળી શકે અને બોલી શકે તે માટે અભ્યાસ કરવો જોઈએ.
સંશોધન પ્રમાણે પાંચમા ધોરણના અંત સુધીમાં બાળકનું શબ્દભંડોળ 1000-1200 થી વધીને 2500-3000 સુધી થઇ જાય છે. આ રીતે શબ્દભંડોળમાં ઉત્તરોત્તર વધારો થાય તેવા પ્રયાસ કરવા જોઈએ.અંતમાં અધ્યાપન કાર્યમાં શિક્ષક ત્યારે જ સફળ થઈ શકે છે જયારે તે બાળકમાં અભ્યાસ માટે તીવ્ર રુચિ અને ઈચ્છા પેદા કરે. સમજાવટ વગરનો તેમજ સુરુચિવિહિત વર્ગખંડ બાળકોની સાથોસાથ શિક્ષકને પણ હતોત્સાહિત કરે છે. આથી વર્ગખંડની દીવાલો પર ચાર્ટ, ચિત્ર, સુભાષિત ઈત્યાદિ હોવા જોઈએ એ જરૂરી છે.
આ માટે એ જરૂરી નથી કે તેની ખરીદી કરી સજાવટ થાય એમાંથી કેટલીક સામગ્રી તે પ્રમાણે નકામી વસ્તુઓમાંથી પણ બનાવી શકાય માત્ર એ તરફ ધ્યાન આપવું જરૂરી છે. આકર્ષક વર્ગખંડો, સુરુચિયુકત વાંચન સામગ્રી અને સૌથી અધિક શિક્ષકનો ઉત્સાહ આપણી શાળાઓમાં નવા પ્રાણ પૂરે છે.