‘છોરૂ કછોરૂ થાય પણ માવતર કમાવતર ન થાય’ ઉક્તિને ખોટી પાડતી ઘટના થાનગઢમાં પ્રકાશમાં આવી છે. છ વર્ષની માસુમ બાળકીને સગી જનેતા અને તેની માસીએ ઘર કામમાં મદદરૂપ થવા જેવી સામાન્ય બાબતે સાણચીથી ગુપ્તાંગમાં ચીટીયા ભરી આચરેલા અત્યાચારથી સનસનાટી મચી ગઇ છે. ગંભીર રીતે ઘવાયેલી બાળકીને સારવાર માટે અહીંની હોસ્પિટલમાં દાખલ કરાઇ છે.
ઘૃણાસ્પદ ઘટનાની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ થાનગઢના નવાગામ ખાતે રહેતી પાયલ ભવાનભાઇ મીઠાપર નામની છ વર્ષની બાળકીને તેની માતા રંજનબેન અને તેની માસી જીલુબેને સાણચીથી ગુપ્તાંગમાં ચીટીયા ભગી છાતીમાં માર માર્યાના આક્ષેપ સાથે સારવાર માટે પાયલને તેના કાકા મુંગાભાઇએ અહીંની હોસ્પિટલમાં દાખલ કરાઇ છે.
પાયલના પિતા ભવાનભાઇ મીઠાપરનું ચાર વર્ષ પહેલાં મૃત્યુ નીપજ્યું છે. પાયલ બે ભાઇ અને એક બહેનમાં નાની છે. તેણી પોતાની માતા રંજનબેનને ઘર કામમાં મદદ ન કરતી હોવાથી છેલ્લા છ માસથી એક રૂમમાં પુરી રાખી પુરતું જમવાનું ન આપી સાણચીથી ચીટીયા ભર્યાના મુંગાભાઇએ આક્ષેપ કર્યા છે. ગત તા.22મીએ મુંગાભાઇ મીઠાપર પોતાના ભાઇના બાળકો અંગે સંભાળ લેવા માટે ભાભી રંજનબેનના ઘરે ગયા ત્યારે તેને પાયલ અંગે પૂછપરછ કરતા પાયલ તેના મામાના ઘરે ગઇ હોવાનું રંજનબેને જણાવ્યું હતુ.
પંરતુ પાયલને સરખી રીતે તેની માતા રંજનબેન સાચવતી ન હોવાની શંકા સાથે ઘરમાં જ તપાસ કરતા એક બંધ રૂમમાંથી પાયલ ઘવાયેલી હાલતમાં મળી આવી હતી. પાયલને જે રૂમમાં પુરી રાખવામાં આવી હતી તે રૂમમાં એક રોટલી અને પાણીનો ગલાસ જોવા મળ્યો હતો. પોતાના ભાઇની પુત્રી પાયલની મુંગાભાઇએ પૂછપરછ કરતા માતા રંજનબેન અને તેની માસી જીલુબેને માર માર્યાની અને છ માસથી પુરી રાખતા હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે.