ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા: રીઢો ગુનેગાર સુરેન્દ્રનગર નજીકથી ઝડપાયો
જૂનાગઢના મોસ્ટ વોન્ટેડ અને છેલ્લા દસ વર્ષથી ખૂન, મારા મારી તથા પ્રોહિબિશનના ગુનામાં નાસતો ફરતો આરોપી દેવરાજ રાડાને જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચે સુરેન્દ્રનગર નજીકથી દબોચી લીધો છે. જૂનાગઢ સહિત વંથલી અને રાજકોટ જિલ્લાના ગુન્હામાં વોન્ટેડ અને છેલ્લા દસ વર્ષથી ખૂન, અપહરણ, મારામારી તથા પ્રોહિબિશનના ગુનામાં નાસતો ફરતો આરોપી પુંજા દેવરાજભાઈ રાડાને જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો હોવાનું જિલ્લા પોલીસ વડા રવિ તેજા એ જણાવ્યું હતું.
જિલ્લા પોલીસ વડા રવિ તેજાના જણાવ્યા અનુસાર જૂનાગઢનો મોસ્ટ વોન્ટેડ આરોપી પુંજા દેવરાજભાઈ રાડા ૨૦૧૧ થી નાસતો ફરતો હતો અને પોલીસ દ્વારા તેમની શોધખોળ ચાલી રહી હતી. તે દરમિયાન જૂનાગઢ એલસીબી ઇન્ચાર્જ પીઆઇ ગોહિલને એવી બાતમી મળી હતી કે, પુંજા રાડા પોતાના હવાલાના ટ્રકમાં સિમેન્ટના ભુંગળા ભરીને રાજકોટ થી સુરેન્દ્રનગર તરફ જવાનો છે, ત્યારે જૂનાગઢ એલસીબી ટીમએ વેશ પલટો કરી, ખાનગી વાહનોમાં રાજકોટથી ચોટીલા રોડ પર વોચ ગોઠવી હતી, તે દરમિયાન પુંજા રાડા ત્યાંથી ટ્રક સાથે પસાર થતાં તેનો પીછો કર્યો હતો, અને ડોળિયા બાઉન્ડ્રી થી સુરેન્દ્રનગર જતા રસ્તા તરફ આવેલા મુળી ગામ નજીક ખાનગી વાહન ટ્રકની આગળ નાખી, ટ્રકને આંતરી, પોલીસે તાત્કાલિક પૂજા દેવરાજભાઈ રાણાને ટ્રકની કેબિનમાં જ દબોચી લીધો હતો અને બાદમાં ધોરણસરની કાર્યવાહી કરી, જૂનાગઢ ખાતે લાવવામાં આવ્યો છે. હાલમાં તેમના કોરોના રિપોર્ટ કરવામાં આવેલ છે અને બાદમાં તેમને રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેમ જાણવા મળી રહ્યું છે.