વુમન ક્રિકેટમાં પણ રાજકારણ ઘુસ્યુ
ભારતીય મહિલા વન-ડે ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજે મંગળવારે સીઓએ સભ્ય ડાયના એડુલ્જી પર પક્ષપાતનો આરોપ લગાવ્યો. સાથે-સાથે તેણે મહિલા ટીમના મુખ્ય કોચ રમેશ પોવાર પર આરોપ લગાવતા કહ્યું કે, તેણે તેને અપમાનિત કરી છે. મહિલા વર્લ્ડ ટી૨૦માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ સેમીફાઈનલ મેચ પહેલા ટીમમાંથી બહાર કરવામાં આવેલી મિતાલીએ મૌન તોડતા કહ્યું કે, એડુલ્જીએ તેની વિરુદ્ધ પોતાના પદનો ફાયદો ઉઠાવ્યો.
૩૫ વર્ષીય મિતાલીને વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલા વર્લ્ડ કપમાં સતત અર્ધસદી ફટકારી હોવા છતા સેમી ફાઈનલમાં તક ન અપાઈ જેના લીધે ભારતે ૮ વિકેટે હારનો સામનો કરવો પડ્યો. મિતાલીએ બીસીસીઆઈના સીઈઓ રાહુલ જોહરી અને ક્રિકેટ ઑપરેશન્સ જીએમ સબા કરીમને એક પત્ર લખીને પોતાનો પક્ષ મૂક્યો.
મિતાલીએ લખ્યું કે, મેં મારા ૨૦ વર્ષ લાંબા કરિયરમાં પ્રથમ વખત પોતાની જાતને અપમાનિત અને નિરાશ અનુભવી. મારે એ વિચારવા પર મજબૂર થવું પડ્યું કે, દેશ માટે મારી સેવાઓનું મહત્વ સત્તામાં રહેલા કેટલાક લોકો માટે છે કે નહીં કે પછી તેઓ મારો આત્મવિશ્વાસ તોડવા માગે છે. તેણે કહ્યું કે, હું ટી૨૦ કેપ્ટન હરમનપ્રીત વિરુદ્ધ કંઈ કહેવા માગતી નથી પણ મને બહાર રાખવાના કોચના નિર્ણય પર તેના સમર્થનથી મને થોડું દુ:ખ થયું છે.
તેણે લખ્યું, હું પહેલીવાર દેશને વર્લ્ડકપ જીતાડવા માગતી હતી અને મને દુ:ખ છે કે, અમે આ સોનેરી તક ગુમાવી દીધી. તેણે ભારતની પૂર્વ કેપ્ટન એડુલ્જી પર પણ આરોપ લગાવતા કહ્યું કે, મેં હંમેશાં ડાયના એડુલ્જી પર વિશ્વાસ કર્યો અને તેમનું સન્માન કર્યું. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે, તે મારા વિરુદ્ધ પોતાના પદનો દુરુપયોગ કરશે, ખાસ કરીને ત્યારે જ્યારે વેસ્ટ ઈન્ડિઝમાં મારી સાથે જે કંઈ થયું, જેના વિશે હું જણાવી ચૂકી છું. મને સેમી ફાઈનલમાંથી બહાર રાખવાના નિર્ણયને તેમના સમર્થનથી ખૂબ દુ:ખી છું કારણ કે, તેમને તો હકીકતની ખબર હતી.
મિતાલીએ કહ્યું કે, આવી ઘણી ઘટનાઓ બની જેમાં પૂર્વ ક્રિકેટરે તેને અપમાનિત કરી મહેસૂસ કરાવ્યું. મિતાલીએ લખ્યું કે, જો હું ક્યાંય આસપાસ બેઠી હોઉ તો તે નીકળી જતા હતા અથવા બીજાને નેટ પર બેટિંગ કરતી વખતે જોતા હતા પણ હું બેટિંગ કરતી હોઉ તો તે રોકાતા નહોતા. હું તેમની સાથે વાત કરવા જતી તો તે ફોન જોવા લાગતા અથવા જતા રહેતા. આ ખૂબ જ અપમાનજનક હતું અને બધાને દેખાઈ રહ્યું હતું કે, મને અપમાનિત કરવામાં આવી રહી છે. આમ છતા મેં મારી ભાવનાઓ નિયંત્રણમાં રાખી.
પોતાના કરિયરમાં ૧૦ ટેસ્ટ, ૧૯૭ વન-ડે અને ૮૬ ટી૨૦ મેચ રમી ચૂકેલી મિતાલીએ લખ્યું કે, જ્યારે અમે વેસ્ટ ઈન્ડિઝ પહોંચ્યા ત્યારથી જ આ બધું શરૂ થયું. પહેલા કેટલાક ઈશારા મળ્યા હતા કે, કોચ પોવારનો મારી સાથેનો વ્યવહાર બરાબર નથી પણ મેં તેના પર વધુ ધ્યાન ન આપ્યું.