અનુસુચિત જનજાતિના ઉત્કર્ષમાં સંતોના પ્રદાન વિષયક વિશિષ્ટ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં વિવિધ ક્ષેત્રોનાં મહાનુભાવોનો જમાવડો
શતાબ્દી મહોત્સવ અંતર્ગત ‘આદિવાસી ગૌરવ દિન’ના ઉપક્રમે, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં એક વિરાટ સંધ્યા સભાનું આયોજન થયું હતું. જેમાં ભારતના અનેકવિધ ધાર્મિક, ઔદ્યોગિક, શૈક્ષણિક ક્ષેત્રના અગ્રણીઓ અને જાહેરજીવનના અનેક પ્રતિનિધિઓની સાથે હજારો સંતો-ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ આપી હતી.
પોતાના નિ:સ્વાર્થ પ્રેમ અને અધ્યાત્મબળથી આદિવાસી બંધુઓના ઉત્કર્ષ માટે રાષ્ટ્ર વ્યાપી આંદોલનમાં અવિસ્મરણીય યોગદાન આપનાર પ્રમુખસ્વામી મહારાજ એક વિરલ સંત હતા. આદિવાસી ભાઈઓમાં પરમાત્માનાં દર્શન કરતાં પ્રમુખસ્વામી મહારાજ તેઓને સ્વજન માનતા. આદિવાસીઓનાં જીવન ઉદ્ધારની પ્રવૃત્તિ નિરંતર ચાલતી રહે તે માટે પ્રમુખસ્વામી મહારાજે સંતો અને મંદિરોની ભેટ આપી. આદિવાસી છાત્રાલય, શાળા પરિસરો અને ફરતાં દવાખાનાઓ દ્વારા તેમની કરુણા સદા આ વનવાસી ભાઈઓ તરફ વહેતી રહી. આદિવાસી ઉત્કર્ષ કાજે સન 1977 માં સાબરકાંઠામાં પ્રમુખસ્વામી મહારાજે 45 ડિગ્રી ગરમીમાં માટે 91 ગામોમાં અને સન 1979 માં 21 દિવસમાં પંચમહાલ અને ભરૂચ જિલ્લાના 95 ગામોમાં અભૂતપૂર્વ વિચરણ કર્યું હતું. અંતરિયાળ ગામોમાં કષ્ટો વેઠીને વિચરતા પ્રમુખસ્વામી મહારાજે ગરીબી, વહેમ, અંધશ્રદ્ધા, નિરક્ષરતા, વ્યસનોમાં ડૂબેલા અને અનેકવિધ સમસ્યાઓથી ઘેરાયેલા આદિવાસીઓના ઝૂંપડે ઝૂંપડે જઈને તેમનાં જીવન પવિત્ર સંસ્કારોથી સમૃદ્ધ કર્યા.
ભગવાનની ધૂન, પ્રાર્થના અને કીર્તન સાથે સાંજે 5.15 વાગ્યે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. હિંમતનગર સંગીત વૃંદ દ્વારા કીર્તનની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ત્યારે પૂ.આદર્શજીવન સ્વામીએ ‘પ્રમુખ ચરિતમ’ વિષયક પ્રવચન દ્વારા પ્રમુખસ્વામી મહારાજના આદિવાસી ઉત્કર્ષના ભગીરથ કાર્યને વર્ણવ્યું હતું. ‘ટીંબલી’ આદિવાસી નૃત્ય દ્વારા પ્રમુખસ્વામી મહારાજના ચરણોમાં વંદના કરવામાં આવી હતી.
પૂ. જ્ઞાનનયન સ્વામીએ ‘વનવાસીઓના વનમાળી પ્રમુખસ્વામી મહારાજ’ વિષયક પ્રવચન દ્વારા પ્રમુખસ્વામી મહારાજે વનવાસીઓ પર કરેલી સ્નેહવર્ષાને વર્ણવી હતી. ત્યારબાદ ‘આદિવાસીઓના ઉદ્ધારક પ્રમુખસ્વામી મહારાજ’ વિડિયો પ્રસ્તુત કરવામાં આવી હતી.પૂજ્ય મહંતસ્વામી મહારાજે આશીર્વાદ આપતાં જણાવ્યું હતું કે “આજે આદિવાસી ગૌરવ દિન નિમિતે ખૂબ જ સુંદર વાતો થઇ અને પ્રમુખસ્વામી મહારાજે આદિવાસીની વિશેષ ઓળખ આપી છે અને તે હમેંશા કહેતા કે, “સૌથી આદિ ભગવાન છે અને તેમનો જેમનામાં વાસ છે તે આદિવાસી” બીજા વનવાસીઓને પછાત કહેતા હોય પરંતુ આપનામાં મને સાક્ષાત ભગવાનનાં દર્શન થાય છે” આમ કહીને તેઓ આદિવાસીઓમાં ભગવાનને જોતા હતા અને તે ભાવના સાથે તેઓ આદિવાસીઓના ઝુંપડે ઝૂંપડે ગયા છે અને તેઓના ઘરે રોકાયા છે.
પ્રમુખસ્વામી મહારાજના આવા હેત અને પ્રેમથી અનેક વનવાસી બંધુઓના જીવન પરિવર્તન થયા છે અને ઘણાય આદિવાસી ગામોમાં સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ થયું છે અને સત્સંગી સમાજ તૈયાર કર્યો છે તેમાંના ઘણાય સેવકો આજે અહીં નગરમાં સેવામાં પણ આવ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં યોજાયેલ કોન્ફરન્સમાં એન.એ.આર. પ્રેસિડેન્ટ સમીર અરોરાએ જણાવ્યું હતું કે જેવી રીતે સમુદ્રની આગળ માનવને પોતાની અલ્પતાનું જ્ઞાન થાય છે તેમ મેં ભલે રિયલ્ટર્સની અનેક પરિષદોમાં ભાગ લીધો છે, પરંતુ પ્રમુખસ્વામી મહારાજ નગરની ભવ્યતાને નિહાળ્યા પછી મને અલ્પતાની પ્રતીતિ થાય છે. જેવી રીતે બી.એ.પી.એસ. સંસ્થા સ્વયંસેવી સંસ્થા છે તેવી જ રીતે એન.એ.આર. સંસ્થા પણ સ્વયંસેવાની ભાવનાથી પ્રેરિત છે.
સાથોસાથ ડો. રાધાકૃષ્ણન પિલ્લાઈએ જણાવ્યું હતું કે હું જ્યારે એમ.બી.એ. કરી રહ્યો હતો ત્યારે 1995 માં પ્રમુખસ્વામી મહારાજના અમૃત મહોત્સવના ઉત્સવમાં મને બી.એ.પી.એસ. સંસ્થાનો સર્વપ્રથમ પરિચય થયો. આજે 100 વર્ષની ઉજવણીમાં તેથી પણ વધુ ભવ્યતા છે. દયા, પવિત્રતા અને દિવ્યતા આ સ્થાનમાં વ્યાપી રહી છે, જેને બાહ્યદ્રષ્ટિથી સમજી શકાય તેમ નથી. એક શિક્ષક તરીકે હું 100 માંથી 400 માર્કસ આપું! ફક્ત મારી વાત સાંભળીને નહીં પરંતુ અહી આવીને અનુભવ કરવા જેવો છે. ઇમારત હોય કે મંદિર, શ્રેષ્ઠ ગુણવત્તાનું હોવું જોઈએ. એવી ઇમારત બાંધો કે 2000 વર્ષ પછી પણ લોકો યાદ કરે. આપણે કેવી રીતે વિચારવું તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ શરીરને આપણે છોડીએ એ પહેલાં ભારતને મહાન બનાવવો તે આપણી જવાબદારી છે.
નેશનલ કમિશન ઓફ શિડ્યુલ્ડ ટ્રાઈબ્સના ચેરમેન હર્ષ ચૌહાણે જણાવ્યું હતું કે ફક્ત માહિતી પૂરતી નથી, પરંતુ અનુભવ જરૂરી છે. સંત સમાજ ભેદભાવોને ઓગાળવામાં મદદ કરી શકશે. આદિવાસીઓ પણ આપણા જ ભાઈઓ છે, આ ભાવના કેળવીને તેમને અપનાવવાના છે. હું આશાવાદી છું કે આપણે આ દિશામાં આગળ વધી શકીશું.
વનવાસી કલ્યાણ આશ્રમના પ્રમુખ રામચંદ્ર ખરાડીએ જણાવ્યું હતું કે જન-જાતિ સમાજ પહેલેથી ભારતીય સંસ્કૃતિમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. પ્રમુખસ્વામી મહારાજ એક એવા સંત હતા જેઓ સતત અનુસૂચિત જનજાતિઓના ઉત્કર્ષ માટે પ્રયત્નશીલ રહ્યા. આવા કાર્યમાં સમાજને જાગૃત અને શિક્ષિત કરવા સંત સમાજની મહત્વની ભૂમિકા છે. આપણે જાતિના ભેદ ભુલાવીને રાષ્ટ્રના ઉત્થાન માટે સામૂહિક રીતે આગળ આવવું પડશે. પ્રમુખસ્વામી મહારાજ દ્વારા આપવામાં આવેલ ઘરસભાનો સંદેશ ખૂબ અગત્યનો છે. આપણે જે પણ કંઈ વાંચીએ, વિચારીએ, લખીએ તે કેવળ પાશ્ચાત્ય વિચારથી પ્રભાવિત ન હોય તે અગત્યનું છે.