સિંહનો મૃત્યુદર વાઘ કરતા વધુ… પરિસ્થિતિનું કારણ સાવ અલગ
વિશ્ર્વમાં એક માત્ર ગિરના જંગલમાં જ વસતા એશિયાટીક સિંહો ગુજરાત અને રાષ્ટ્રનું ગૌરવ બની રહ્યાં છે. સિંહ સંવર્ધન માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની સાથો સાથ ગિરનું સામાજીક જીવન કોઈ વાતની કચાસ રાખતું નથી. ત્યારે તાજેતરમાં જાહેર થયેલા સિંહ અને વાઘના મૃત્યુદરના જાહેર થયેલા આંકડામાં સિંહોનું મૃત્યુદર વધુ બતાવવામાં આવ્યું છે. સરકારી આંકડા મુજબ સિંહનો મૃત્યુદર વસ્તીની દ્રષ્ટિએ 23 અને તે વાઘ કરતા 5 ગણુ વધુ છે.
સરકારના જાહેર થયેલા આંકડા મુજબ વનમંત્રી ગણપત વસાવાએ વિધાનસભામાં રજૂ કરેલા આંકડાઓમાં 2019-20 દરમિયાન 152 સિંહબાળ સહિત 313 સિંહના મૃત્યુ થયા હતા. જ્યારે આ મૃત્યુમાં 23 મોત અકુદરતી રીતે થયાનું જણાવ્યું હતું. બીજી તરફ રાષ્ટ્રીય વાઘ સંવર્ધન સંસ્થા દ્વારા બે વર્ષના મૃત્યુના જાહેર કરાયેલા આંકડામાં દેશભરમાં છેલ્લા બે વર્ષમાં વાઘના મૃત્યુનો આંક 200 જ છે.
ગુજરાતમાં 674 સિંહો વસી રહ્યાં છે ત્યારે સિંહોની વસ્તીની રીતે આ મૃત્યુદર વધુ ગણવામાં આવે છે. સમગ્ર ભારતમાં વાઘનો મૃત્યુદર સિંહો કરતા ઓછો દર્શાવવામાં આવ્યો છે.
વાસ્તવમાં સિંહણ એક વખતની પ્રસૃતિમાં 2 થી 6 બચ્ચા સુધીનો જન્મ આપે છે અને કુદરતના નિયમ મુજબ જન્મે તેટલા જીવે નહીં ના પરિબળો, કુપોષણ, ઈનફાઈટ અને નર સિંહ દ્વારા સિંહણને પામવા માટે બચ્ચાઓને મારી નાખવાની વૃતિના કારણે બાળ સિંહોના મૃત્યુ પર સિંહના મૃત્યુદર વધારા માટે નિમીત બની છે જ્યારે વાઘણ 1 થી 2 બચ્ચાનો જ જન્મ આપે છે અને જન્મતા મોટાભાગના બચ્ચાઓ ઉજરી જતાં હોવાથી વાઘનું મૃત્યુદર ઓછુ નોંધાય છે. વાસ્તવમાં સિંહનું રક્ષણ, સંરક્ષણ ખુબજ ચોકસાઈથી થાય છે પરંતુ સિંહના જન્મદર વધુ હોવાથી જન્મે છે બચ્ચા વધારે અને મૃત્યુ પણ વધુ થતું હોવાથી સિંહનો મૃત્યુદર વધુ છે. ખરેખર ગિરના સિંહોની સંખ્યા દરેક વસ્તી ગણતરીમાં વધતી જાય છે. જ્યારે વાઘની વસ્તી વધારો સિંહ સામે સીમીત રહે છે.