અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટ્યાં: આઇ.કે. જાડેજા અને સૂર્યદેવસિંહે આપી મુખાગ્નિ
ભગવાન લકીલેશજીની પાવન પરંપરાના પ્રહેરી પૂ.રાજર્ષિ મુનિ ગઇકાલે બ્રહ્મલીન થયાં હતાં. આજે સવારે લીંબડીના જાખણ સ્થિત રાજરાજેશ્ર્વરધામ ખાતે તેઓની અંતિમવિધી કરવામાં આવી હતી. યોગ-યુગ પુરૂષના અંતિમ દર્શન માટે બહોળી સંખ્યામાં અનુયાયીઓ ઉમટી પડ્યા હતા. પૂર્વ મંત્રી આઇ.કે. જાડેજા અને પૂર્વ રાજવી સૂર્યદેવસિંહ દ્વારા તેઓને મુખાગ્નિ આપવામાં આવી હતી.
પંચમહાલમાં લકુલીશ યોગ યુનિવર્સિટીની સ્થાપના કરનાર રાજર્ષિ મુનિનું ગઇકાલે સવારે વડોદરાની એક ખાનગી હોસ્પિટલ ખાતે હૃદ્યરોગનો તીવ્ર હુમલો આવવાના કારણે દુ:ખદ અવસાન થયું હતું. તેઓનો પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે કલોલના માલવ આશ્રમ ખાતે રાખવામાં આવ્યો હતો. આજે સવારે તેઓના પાર્થિવ દેહને અંતિમવિધી માટે લીંબડીના જાખણ ખાતે આવેલા રાજરાજેશ્ર્વરધામ ખાતે રાખવામાં આવ્યો હતો.
જ્યાં રાજર્ષિ મુનિના અંતિમ દર્શન માટે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટી પડ્યા હતા. સેવકગણે ભારે શોકમગ્ન માહોલમાં અશ્રુભીની આંખે પૂ.રાજર્ષિ મુનિને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. ભાજપના અગ્રણી આઇ.કે. જાડેજા અને રાજવી સૂર્યદેવસિંહે તેઓના પાર્થિવ દેહને મુખાગ્નિ આપતા રાજર્ષિ મુનિનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થઇ ગયો છે. આ સાથે જાણે એક યુગ આથમી ગયો હોય તેવો ખાલીપો અનુભવાઇ રહ્યો છે.
પૂ.રાજર્ષિ મુનિની અંતિમવિધીમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી વલ્લભભાઇ કથીરીયા, રાજ્ય સરકારના પૂર્વ મંત્રી પ્રદિપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા, પૂર્વ રાજ્યપાલ વી.પી.સિંગ, ભાજપ અગ્રણી આઇ.કે. જાડેજા, પૂર્વ રાજવી સૂર્યદેવસિંહ જાડેજા, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ક્ષત્રિય અગ્રણી શૈલેન્દ્રસિંહ જાડેજા, રાજકોટ ભાજપના અગ્રણી અને રા.લો.સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા, લકુલીશ યોગ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો.દિનેશ અમીન ઉપરાંત રાજકોટના રાજવી માધાંતાસિંહ જાડેજા, લીંબડી અને જામનગરના રાજવી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.