સેવાની તક મળી છે જેનો લાભ ઉઠાવવા પણ તાકીદ કરી: સત્તાના નશામાં રહેવાના બદલે વિસ્તારમાં સક્રિય રહેવાની સોનેરી સલાહ પણ આપી
ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગઇકાલે બપોરે અમદાવાદના સર્કિટ હાઉસ ખાતે ભાજપના તમામ ધારાસભ્યો અને સંસદ સભ્યો સાથે ભોજન લીધું હતું અને એક કલાકનો સમય પસાર કર્યો હતો. પીએમ વ્યક્તિગત રીતે એકપણ ધારાસભ્યને મળ્યા ન હતા. પરંતુ તેઓએ તમામ એમએલએને સલાહ આપી હતી કે જેટલા એક્ટિવ રહેશો તેટલા આગળ વધશો. જનતા જર્નાદને તમને સેવા કરવાની ઉત્તમ તક આપી છે. જેનો પૂરો ફાયદો ઉઠાવવો જોઇએ. સત્તાના નશામાં રહેવાના બદલે પોતાના મતવિસ્તારમાં સક્રિય રહેવાની પણ તાકીદ કરી હતી.
ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ભાજપના ધારાસભ્યો અને સંસદ સભ્યો સાથે ભોજનનું આયોજન કર્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિજેતા બનેલા 156 ધારાસભ્યોને ચુંટણી પરિણામ પછી પીએમ મળ્યા નથી. મોટાભાગના નવા ચહેરા હોવાના કારણે તેઓ સાથે ઓળખ પરેડ પણ કરવામાં આવી હતી. વડાપ્રધાનના આગમન અને વિદાય વેળાએ તમામ ધારાસભ્યો એક લાઇનમાં ગોઠવાઇ ગયા હતા અને વ્યક્તિગત રીતે પોતાના નામ અને મતવિસ્તાર સાથે નરેન્દ્રભાઇને ઓળખાણ આપતા હતા. ભોજન પૂર્વે લગભગ 30 મિનિટ સુધી ધારાસભ્યો સાથેની મુક્ત મને વાતચિત દરમિયાન પીએમએ એવી સલાહ આપી હતી કે હું પ્રથમવાર તમને મળી રહ્યો છું ત્યારે આનંદ અનુભવી રહ્યો છું. તમે બધા પ્રજાના હિત માટે ખૂબ સારૂં કામ કરો તેવી શુભકામના પાઠવું છું.
પીએમએ પોતાના ધારાસભ્ય તરીકેના સ્મરણો પણ વાગોળ્યા હતા. સાથોસાથ એવી સલાહ આપી હતી કે જેટલા એક્ટિવ રહેશો તેટલો ફાયદો થશે. તમને લોકોના કામ કરવાની ભગવાને તક આપી છે. જેનો પૂરો ફાયદો ઉઠાવી લેવો જોઇએ. હોદ્ો મળ્યો છે તેના નશામાં રહેવાના બદલે પોતાના મતવિસ્તારમાં સક્રિય રહેવાની પણ ટકોર કરી હતી. ધારાસભ્યો અને પક્ષના કાર્યકરો વચ્ચે સંબંધો મજબૂત બને તે માટે મહિનામાં એકવાર ટિફિન બેઠક યોજવાની પણ હિમાયત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રાજ્ય સભાની ચુંટણીમાં બિનહરિફ વિજેતા બનેલા કેશરીદેવસિંહ અને બાબુભાઇ દેસાઇ દ્વારા વડાપ્રધાનની ધારાસભ્યો અને સંસદ સભ્યો સાથેના ભોજન સમાંરભનું આયોજન કરવામાં આવ્યું હતું. નરેન્દ્રભાઇએ એક કલાક જેવો સમય ભાજપના ધારાસભ્યો અને સંસદ સભ્યો સાથે ગાળ્યો હતો. મુક્ત મને સલાહ આપી હતી અને આનંદની લાગણી પણ વ્યક્ત કરી હતી.