Table of Contents

નાસાનાં ‘સ્વીફ્ટ બર્સ્ટ એલર્ટ ટેલિસ્કોપ’ દ્વારા આ બંને પ્રકારની આકાશગંગાઓનું બારીકાઈથી નિરીક્ષણ કરાયું. આ માટે રિચાર્ડ મસોત્ઝકી અને તેનાં સાથી વૈજ્ઞાનિકો દ્વારા લગભગ 836 સક્રિય આકાશગંગાને ધ્યાનમાં લેવાઈ

 વૈજ્ઞાનિકો પોતાનાં આ રિસર્ચ થકી એક તારણ એ કાઢ્યું કે બંને પ્રકારની આકાશગંગાઓની મધ્યમાં રહેલા બ્લેકહોલ તેમની પ્રકાશિતતા માટે જવાબદાર છે

નાના હતા ત્યારે રાતે અગાશીમાં જઈને તારા, ધૂમકેતુ, ગ્રહો અને ઉલ્કાઓ નિહાળવાનો અનુભવ આપણે સૌએ કર્યો છે. કેટલાકે તો વળી આ શોખ ખાતર ઘરમાં ટેલિસ્કોપ પણ વસાવ્યા હશે. સપ્ત-ઋષિનાં ઝૂમખાઓને જોવાનો કેવો અનેરો આનંદ આવતો! પરંતુ બ્લેક-હોલ જેવું કંઈક અવકાશમાં છે અને એ આપણી પૃથ્વી સહિત અન્ય આકાશગંગાઓને પણ ખાઈ જશે એ વાતથી કેટલું ચિંતિત થઈ જવાતુ! બ્લેક હોલ. સાદી ભાષામાં કહેવું હોય તો એક એવો અવકાશી રાક્ષસ, જેનાં રસ્તામાં ગ્રહ, તારો કે પછી આકાશગંગા જે કોઈ પણ આવ્યા તે સૌને ભરખી જવામાં ક્ષણ પણ નથી લગાડતો. વણ-દેખ્યું પારદર્શક કાળું-ડિબાંગ ગુરુત્વાકર્ષણ, જેની સામે આપણા સૂર્ય જેવાં તારલાઓનું ગુરુત્વાકર્ષણ બળ પણ સાવ ઓછું પડે. લોખંડને આકર્ષતા ચુંબકની માફક જ બ્લેક-હોલ પણ દરેક અવકાશી તત્વોને પોતાની અંદર ખેંચી તેનો કોળિયો કરી જાય છે.

વૈજ્ઞાનિકોએ અવકાશમાંની આકાશગંગાઓ બે પ્રકારમાં વહેંચી છે-ટાઈપ 1 અને ટાઈપ 2! બંને વચ્ચેનો તફાવત એ છે કે ટાઈપ 1 પ્રકારની આકાશગંગાઓ ટાઈપ 2 કરતાં વધુ ચમકે છે (અથવા તો વધુ પ્રકશિત છે.) આ બાબતે વૈજ્ઞાનિકો આજ સુધી એક બહુ મોટા ભ્રમમાં હતા. અત્યાર સુધી એવું મનાતું હતું કે જે પણ આકાશગંગા પૃથ્વીની સામેની બાજુ આવેલી છે (દૂર અવકાશમાં) તેમના પર પ્રકાશનાં પરાવર્તનની ક્રિયાને કારણે તેઓ વધુ પ્રકાશિત છે. એનાથી ઉલ્ટું, ટાઈપ-2 આકાશગંગા પૃથ્વીની વિરૂધ્ધ બાજુ મોં રાખીને આવેલી હોવાથી તેઓ ઓછી પ્રકાશિત છે. એક નવા રિસર્ચએ વૈજ્ઞાનિકોની આંખો ખોલી નાંખી છે.

નાસાનાં ‘સ્વીફ્ટ બર્સ્ટ એલર્ટ ટેલિસ્કોપ’ દ્વારા આ બંને પ્રકારની આકાશગંગાઓનું બારીકાઈથી નિરીક્ષણ કરાયું. આ માટે રિચાર્ડ મસોત્ઝકી અને તેનાં સાથી વૈજ્ઞાનિકો દ્વારા લગભગ 836 સક્રિય આકાશગંગાને ધ્યાનમાં લેવાઈ. પ્રાપ્ત કરેલ ડેટાની ખાતરી કરવા માટે પૃથ્વીનાં કુલ 12 અલગ-અલગ સ્થળો પરથી ટેલિસ્કોપ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું. આખરી રિસર્ચ બાદ, વૈજ્ઞાનિકોએ નોંધ્યું કે ટાઈપ-1 અને ટાઈપ-2 ગેલેક્સીઓ ફક્ત દેખાવમાં જ નહી પરંતુ બંધારણીય ધોરણે પણ એકબીજાથી ઘણી અલગ પડે છે. તેમનામાંથી ઉત્સર્જિત થતી ઉર્જાનું પ્રમાણ પણ જુદુ-જુદુ છે.

હવે તમે પ્રશ્ન પૂછશો કે ઉપરોક્ત વાતને અને બ્લેક-હોલ થિયરીને એકબીજા સાથે શું લેવા દેવા છે? તો અસલી કહાની તો હવે ચાલુ થાય છે. વૈજ્ઞાનિકો પોતાનાં આ રિસર્ચ થકી એક તારણ એ કાઢ્યું કે બંને પ્રકારની આકાશગંગાઓની મધ્યમાં રહેલા બ્લેકહોલ તેમની પ્રકાશિતતા માટે જવાબદાર છે. ટાઈપ-1 પ્રકારની આકાશગંગાની મધ્યમાં રહેલા બ્લેક-હોલ, ટાઈપ-2 ગેલેક્સીની સરખામણીમાં વધુ પ્રમાણમાં ભૌતિક દ્રવ્યોનું ભક્ષણ કરે છે. જેનાં લીધે ટાઈપ-1માંથી નીકળતી ઉર્જા પ્રમાણમાં ઝડપી અને ઘણી વધુ હોય છે, જે આ પ્રકારની આકાશગંગાને વધુ પ્રકાશિત બનાવવાનું કામ કરે છે. ટાઈપ-1 અને ટાઈપ-2 પ્રકારની આકાશગંગાની મધ્યમાં આવેલ વિશાળકાય બ્લેક-હોલને ’એક્ટિવ ગેલેક્ટિક ન્યુક્લિક’નાં નામે ઓળખવામાં આવે છે, જે ખૂબ વધુ માત્રામાં રેડિએશન ઉત્પન્ન કરે છે.

શું વૈજ્ઞાનિકો આપણને અમર બનાવી શકે?

વિજ્ઞાનનો જન્મ કલ્પનામાંથી થયો છે. સાવ તરંગી વિચાર ધરાવતો એક અલ્લડ વ્યક્તિ એક દિવસ વિશ્વને ઈલેક્ટ્રિસિટીની ભેટ આપે છે. દુનિયાનાં એક છેડેથી બીજા છેડે એક પાતળા તાર વડે વાતચીત કરવાનો એક અસામાન્ય વિચાર ટેલિફોનની શોધ કરાવી આપે છે. એક મસમોટા કમરાની જગ્યા રોકતું કમ્પ્યુટર સમય જતાં હથેળીની સાઈઝનું બની જાય છે. વાયરવાળા ભારે-ભરખમ ગુંચળાવાળો ટેલિફોન આજે ટચ-સ્ક્રીન મોબાઈલમાં પરિણમ્યો છે. આ દરેક ટેકનોલોજી આજે આપણા માટે હકીકત છે, પરંતુ થોડા દાયકા પહેલા જીવતાં માણસો માટે કલ્પના માત્ર હતી! સપનામાંથી જન્મ લીધેલી વાસ્તવિકતાએ માણસજાતને અવનવી દુનિયાનો પરિચય કરાવી તેમની જિંદગીને વધુ આરામદાયક બનાવવામાં મદદ કરી છે. અમર બનીને ઈશ્વરત્વ પ્રાપ્ત કરવાની ઘેલછા કરતાં ધૂની વિલનોને આપણે હોલિવુડ સાયન્સ-ફિક્શન ફિલ્મોમાં ઘણી વખત જોયા છે. આ પણ એક નરી કલ્પના જ છે ને!? અમરત્વ પ્રાપ્ત કરનાર દૈત્યો કેવા વિનાશકારી સાબિત થયા છે તેનાં પુષ્કળ ઉદાહરણો આપણા ધર્મગ્રંથોમાં જોવા મળે છે. આ મહિનામાં વૈજ્ઞાનિકોએ એક એવા પડાવ તરફ કદમ માંડ્યા છે જેનાં પરિણામોની સારી-નરસી બાજુ ભવિષ્યમાં જ ખબર પડી શકશે.

રંગસૂત્ર. ડીએનએ. જીન્સ. જન્મથી જ માણસનાં લોહી સાથે જોડાયેલ અભિન્ન તત્વ. રંગસૂત્રનો વિષય આપણા વિજ્ઞાન માટે હંમેશાથી જ રસપ્રદ રહ્યો છે. કારણ એ છે કે જે પણ બિમારીઓએ જન્મ લીધો છે કે તેને જડમૂળથી નાબૂદ કરવા માટે એકમાત્ર રંગસૂત્ર જ મદદરૂપ થઈ શકે તેમ છે તેવું વૈજ્ઞાનિકો ભાળી ગયા છે. આથી જ જીન-એડિટિંગ કે રંગસૂત્રની ફેરબદલીનાં પ્રયત્નો વર્ષો પહેલાથી શરૂ થઈ ગયા છે. સૂક્ષ્મદર્શકયંત્ર પણ જ્યાં રંગસૂત્રને નરી આંખે નિહાળવા માટે પાછું પડતું હોય ત્યાં વળી રોગિષ્ઠ રંગસૂત્રને પકડી-પકડીને તેમની ફેરબદલી કરવી એ તો શક્ય જ કઈ રીતે બને!? પણ હમણાં તમને વાત કરી ને એ મુજબ, કલ્પના થકી વિકાસ પામેલા આપણા આધુનિક સાયન્સ દ્વારા આજે આ પ્રક્રિયા પણ શક્ય બની છે.

રંગસૂત્રનાં એક ગંભીર રોગથી પીડાઈ રહેલા 44 વર્ષીય બ્રાયન મેડક્સ માટે વિશ્વભરમાંથી કરોડો રંગસૂત્રની નકલો મંગાવી તેનાં મૂળ રોગિષ્ઠ રંગસૂત્ર સાથે ફેરબદલ કરવાનો સફળ(!) પ્રયોગ કરવામાં આવ્યો છે. ‘હન્ટર સિન્ડ્રોમ’ નામનાં રોગનો ભોગ બનેલા આ દર્દી હાલ કેલિફોર્નિયામાં વસવાટ ધરાવે છે. ડોક્ટર્સએ હાલ જૂનાં રંગસૂત્રને તેનાં શરીરમાંથી કાઢી નવા મંગાવેલા રંગસૂત્રને સફળતાપૂર્વક દાખલ કરી શરીરવિજ્ઞાનનાં એક નવા યુગનો આરંભ કર્યો છે. આ નવા રંગસૂત્રને તેનું શરીર પચાવી શકે છે કે કેમ એ તો આવનારા ત્રણ મહિનાની અંદર વિવિધ ટેસ્ટમાંથી પસાર થયા બાદ જ ખબર પડી શકશે. આ પ્રકારની ટ્રીટમેન્ટ અલગ-અલગ મેટાબોલિક રોગોથી પીડાઈ રહેલા દર્દીઓ માટે આશીર્વાદરૂપ પુરવાર થશે. વિશ્વમાં અંદાજે 10,000 માણસો મેટાબોલિક રોગનો ભોગ બન્યા છે. મેટાબોલિક ડિસીઝ એટલે માનવ-રોગનો રાજા! જેનાં લાગુ પડ્યા બાદ શરીરનાં દરેક અંગો તેનાં દુષ્પ્રભાવથી અસરગ્રસ્ત બને છે. દર્દી મૃત:પાય બની વ્હીલચેરને આધિન થઈ જાય છે.

અત્યારસુધીમાં 26 ઓપરેશન કરાવી ચૂકેલો બ્રાયન ગત વર્ષ બ્રોન્કાઈટિસ અને ન્યુમોનિયાથી માંડ-માંડ મરતો બચ્યો છે. રંગસૂત્ર બદલવાની આ સારવાર તેનાં રોગગ્રસ્ત શરીરને સુધારી શકે તેમ નથી પરંતુ વારંવાર કરાવા પડતા આવા ઓપરેશનથી તો જરૂર મુક્તિ આપી શકશે. હાલમાં, આ પ્રયોગ 30 પુખ્ત દર્દી પર કરવામાં આવી રહ્યો છે. તેનાં પરિણામો પરથી ભવિષ્યમાં ડોક્ટર્સ રોગિષ્ઠ બાળકોને પણ આ સારવાર થકી તંદુરુસ્ત કરવાની મહેચ્છા ધરાવે છે.

જીનેટિક ટુલનાં ઉપયોગ વડે રોગગ્રસ્ત રંગસૂત્રની જગ્યાએ તંદુરસ્ત રંગસૂત્રની ગોઠવણી કરી આપવામાં આવે છે. (સરળ લાગતી આ જટિલ પ્રક્રિયાને સમજાવવા માટે ખરેખર તો એક બીજો નવો આર્ટિકલ લખવો પડે!) પ્રક્રિયા દરમિયાન જોખમ એ છે કે નવા રંગસૂત્રને જો શરીર ગ્રહણ ન કરી શક્યુ તો તેની વિપરીત અસરરૂપે દર્દીનું શરીર કેન્સરનાં રંગસૂત્ર પણ પેદા કરી શકે છે! ભૂતકાળમાં અમુક પેશન્ટ્સ સાથે આ પ્રયોગ કરવા જતાં ડોક્ટર્સે આ સમસ્યાનો સામનો કર્યો હતો, જેથી આજ વખતે તેઓ વધુ સાવધ બની પૂરેપૂરી તકેદારી જાળવી રહ્યા છે. ત્રણ મહિના પછી બ્રાયન મેડક્સ એકદમ સાજો થઈ પોતાનાં ઘેર પરત ફરે તેવી ઈશ્વર પાસે પ્રાર્થના.

તથ્ય કોર્નર

વિવિધ સજીવોમાં રંગસૂત્રોની સંખ્યા અલગ-અલગ હોય છે. જેમ કે મનુષ્યોમાં 46 જોડ, બિલાડીમાં 38, ગોરીલામાં 48 અને મચ્છરમાં 6

 વાઇરલ કરી દો ને

સૂતી વખતે પોતાના ઓરડાને એકદમ અંધારો કરી દેનારા લોકો કઇ બ્લેક હોલથી ઓછા છે!

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.