નૈઋત્યના ચોમાસાની શરૂઆત: ર7મેથી ર જૂન સુધીમાં કેરળમાં વરસાદનું આગમન થઇ જશે
બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સર્જાતા દક્ષિણ પૂર્વીય તટ પર ભારેથી અતિભારે વરસાદની આગાહી
વાવાઝોડા વચ્ચે પણ ચાલુ વર્ષે વરસાદ સામાન્ય રહેશે: હવામાન ખાતુ
વાવાઝોડું આવ્યું…. ચોમાસું લાવ્યું…. સામાન્ય રીતે પ્રી-મોન્સૂનની શરૂઆત જ વાવાઝોડાંથી થાય છે. અરબસાગરમાં ‘તાઉતે’એ તાંડવ મચાવ્યા બાદ હવે બંગાળની ખાડીમાં ‘યાશ’ વાવાઝોડું ઉભું થયું છે. આ કારણસર એવી અટકળો હતી કે કદાચ ચોમાસાના સમયસર વધામણાં થશે નહીં. પરંતુ દેશમાં ચોમાસું સમયસર જ રહેવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. જે પ્રમાણે આજથી જ ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. મોન્સૂનની આ શરૂઆત નૈઋત્ય (દક્ષિણ પશ્ચિમ)થી થઈ ગઈ છે જ્યારે દક્ષિણપૂર્વ બાજુ આગામી 27 મે થી 2 જૂન સુધીમાં ચોમાસું બેસી જાય તેવી ધારણા છે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી કે દેશમાં ચોમાસુ સારું રહેશે. વાવણી લાયક વરસાદ વરસશે. વાવાઝોડાં વચ્ચે પણ વરસાદ સારો પડશે. દેશનો પ્રથમ વરસાદ કેરળના કોરોમંડલ તટ પર લગભગ જૂન માસની શરૂઆત સુધીમાં પડે છે અને આ વખતે આગામી 27મી મે થી 2 જૂન સુધીમાં આગમન થાય તેવી ધારણા છે.
હવામાન વિભાગ (આઈએમડી)ના જણાવ્યાં મુજબ ઉત્તર અંદમાન સમુદ્ર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયામાં આવતીકાલ સુધીમાં ડિપ્રેશન ઉભું થવાની સંભાવના છે અને 24 મે સુધી તે ચક્રવાતી તોફાનમાં તીવ્ર બને તેવી ભીતિ છે. આ કારણસર આગામી બે અઠવાડિયામાં કેરળમાં પ્રથમ વરસાદ થઈ જશે. આઇએમડીએ જણાવ્યું કે સંભવિત અનુકૂળ હવામાનશાસ્ત્રની સ્થિતિને કારણે, દક્ષિણપશ્ચિમ ચોમાસું 21 મેના રોજ દક્ષિણ અંદમાન સમુદ્ર અને તેની સાથેના દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં આગળ વધે તેવી શક્યતા છે. જયારે અંદમાન નિકોબાર ટાપુઓ પર આગામી બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદ ખાબકે તેવી સંભાવના છે. જો કે ત્યારબાદ તેની તીવ્રતામાં ઘટાડો થશે.
જણાવી દઈએ કે, ગયા અઠવાડિયે હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું હતું કે ચોમાસુ તેની સામાન્ય શરૂઆતની તારીખના એક દિવસ અગાઉ એટલે કે 31 મેના રોજ કેરળમાં થશે. પરંતુ હવે 2 જૂન સુધીમાં કોરોમંડલ તટ પર ચોમાસુ વિધિવત રીતે બેસે તેવી ધારણા છે.
તાઉ-તે વાવાઝોડાએ ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, ગોવા સહિતના રાજ્યોમાં ભારે નુકસાન પહોંચાડયું છે. વરસાદની સાથોસાથ 100 કિ.મી.થી વધુનો પવન ફુંકાયો હતો. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં મોટાભાગના જિલ્લામાં પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબકયો હતો. જો કે બીજી બાજુ તાઉતે બાદ યાસ નામનું વાવાઝોડુ બંગાળની ખાડીમાં ઉદભવ્યું છે. આ વાવાઝોડું પશ્ર્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં ર3મી મેએ ટકરાશે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કર્યું છે અને જો આ વાવાઝોડુ વધુ સક્રિય બને તો આ બે રાજ્યોમાં ભારે વરસાદ ખાબકી શકે છે. સામાન્ય રીતે ભારતમાં ચોમાસાનો પ્રારંભ કેરળમાં 1લી જૂન આસપાસ થતો હોય છે. આ વર્ષે પણ ર7 મેથી ર જુન વચ્ચે કેરળમાં વરસાદની એન્ટ્રી થાય તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. વાવાઝોડા વચ્ચે પણ ચાલુ વર્ષે વરસાદ સામાન્ય રહેશે અને લગભગ 98 ટકા જેટલો વરસાદ પડે તેવી શકયતા છે. કેરળ બાદ 15-ર0 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસાનુ વિધિવત આગમન થશે. જો કે તાઉતે વાવાઝોડાએ સિસ્ટમ વિખેરી નાખી છે. એટલે આ વર્ષે એવુ પણ બને કે ગુજરાતમાં ર0 જુન બાદ ચોમાસુ દસ્તક લે અને રાજ્યમાં આ વર્ષે પણ ગત વર્ષની સાપેક્ષે વરસાદ સારો રહે તેવુ હવામાન શાસ્ત્રીઓ જણાવી રહ્યા છે.
વાવાઝોડુ આવ્યું…વરસાદ લાવ્યું… તેમ પણ કહી શકાય ગુજરાતમાં જે રીતે તાઉતે વાવાઝોડાના લીધે 6 જેટલા જિલ્લામાં પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે તો આ વરસાદી વાવાઝોડાને કારણે રાજ્યમાં ચોમાસુ સારુ રહેશે અને ખેડૂતોને પણ જે નુકસાન થયું છે તે નુકસાન ભરપાઇ થઇ શકે તેવી સ્થિતિ ઉદભવે તો પણ નવાઇ નહીં.