ખેડૂતોની માઠી, પડયા પર પાટા જેવી સ્થિતિ એક બાદ એક સિસ્ટમથી બરબાદની ગર્તામા
ગુજરાતના ખેડુતોની મનોતી જરાણે કે લોઢાના પાય બેઠી હોય તેમ કુદરતી આફતો પીછો છોડવાનું નામ લેતી નથી ખેડુતોને પહયા પર વધુ એકવાર પાટુ પડયં હોય તેમ કમોસમી વરસાદના કારણે ગૂરૂવારે સાંજે ગુજરાતમાં અનેક સ્થળે કરા સાથે વરસાદ ખાબકયો હતો.
ગૂરૂવારે એકાએક બદલાયેલા વાતાવરણ વચ્ચે સૌરાષ્ટ્ર,ગુજરાત, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વિજળી સાથે ભારે વરસાદની આગાહી વચ્ચે અનેક જગ્યાએ વરસાદ ખાબકયો હતો. ગૂરૂવારે હવામાન વિભાગે ૨૪ કલાકની વરસાદની આગાહીની અસર શુક્રવારે પણ ચાલુ રહેશે તેમ જણાવ્યું હતુ.
ગુજરાતના અનેક વિસ્તારોમાં દક્ષિણ-પશ્ર્ચિમ રાજસ્થાનમાં ઉભી થયેલી ચક્રવાતની સ્થિતિને લઈને કમોસમી માવઠાની આગાહી કરવામાં આવી છે. બદલાયેલા હવામાનને કારણે શુક્રવારે પણ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વાજડી વિજળી સાથે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ૧૬મી નવે. સુધી માવઠાની અસર રહેશે તેમ હવામાન વિભાગના મહાનિર્દેશક જયંત સરકારે જણાવ્યું હતુ.હવામાન વિભાગે કચ્છ તરફ ૩૦ થી ૪૦ કીમીની ઝડપે પવન, વિજળી સાથે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ૨૪ કલાકની આગાહી દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા જિલ્લામાં સૌથી વધુ ૬૦ મીમી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત અમરેલીમાં ૧૬ મીમી, મોરબીના માળીયામાં ૧૪ મીમી, બનાસકાંઠાનાં સુઈ ગામમાં ૯ મીમી, મોરબી અને વાવમાં ૬ મીમી વરસાદ નોંધાયો હતો. બુધવારે જ રાજય સરકારે માવઠાથી પાકના નુકશાની વળતર માટે ગુજરાતના ખેડુતો માટે ૭૦૦ કરોડની જાહેરાત કરી હતી.
કચ્છમાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી: ૪૦ કિમીની ઝડપે પવન ફુંકાશે
રાજસ્થાનમાં સાયકલોનીક સરકયુલેશનની અસરનાં કારણે સૌરાષ્ટ્ર-કચ્છમાં હજી બે દિવસ કમોસમી વરસાદની સંભાવના: ધોરાજીમાં ૨, ભચાઉ, અંજારમાં ૧ ઈંચ, જૂનાગઢ, રાપર, ધ્રોલ, ભુજ અને ખંભાળીયામાં અડધો ઈંચ વરસાદ
સૌરાષ્ટ્ર-કચ્છમાં જાણે ચોમાસું પૂર્ણ થવાનું નામ જ ન લેતું હોય તેવું લાગી રહ્યું છે. દક્ષિણ-પશ્ર્ચિમ રાજસ્થાન અને તેની સાથે જોડાયેલા વિસ્તારોમાં સાયકલોનીક સરકયુલેશન સર્જાયું છે જેનાં કારણે રાજયમાં છેલ્લા ૩ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. આજે કચ્છમાં ૩૦ થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની તથા ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. ગઈકાલે સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં કરા સાથે કમોસમી વરસાદ પડતા ખેડુતોની ભારે પાયમાલી નોતરાઈ છે. માર્કેટીંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલો માલ પલળી જતાં લાખો રૂપિયાની નુકસાની થવા પામી છે. આજે સવારથી વાતાવરણ વાદળછાયું જોવા મળી રહ્યું છે.
હવામાન વિભાગનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર રાજસ્થાન અને તેની સાથે જોડાયેલા વિસ્તારમાં દરીયાઈ સપાટીથી ૨.૧ કિલોમીટરની ઉંચાઈ પર સાયકલોનીક સરકયુલેશન સર્જાયું છે જેનાં કારણે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયભરમાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. આજે કચ્છનાં અલગ-અલગ વિસ્તારોમાં ૩૦ થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની તથા અમુક વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે. સાયકલોનીક સરકયુલેશનની અસરનાં કારણે હજુ બે દિવસ સૌરાષ્ટ્રમાં છુટાછવાયા વિસ્તારોમાં વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. બુધવારે સૌરાષ્ટ્રનાં અનેક જિલ્લાઓમાં કરા સાથે વરસાદ પડયા બાદ ગઈકાલે ગુરુવારે પણ સમીસાંજે ગાજવીજ સાથે વરસાદ ખાબકયો હતો. ધોરાજીમાં એક કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ વરસી જતાં ગામમાં પાણી-પાણી થઈ ગયું હતું. ગ્રામ્ય પંથકોમાં પણ ભારે વરસાદનાં કારણે શિયાળામાં સપુરા નદીમાં ઘોડાપુર આવ્યા હતા. કમોસમી વરસાદનાં કારણે ખેડુતોની માઠી બેઠી છે. અતિવૃષ્ટિનાં કારણે અગાઉ પાક નિષ્ફળ ગયો હતો જે પાક તૈયાર થયો હતો અને તેનાં ખેતરોમાં પાથરા કરવામાં આવ્યા હતા તેનાં પર વરસાદ પડતા પારાવાર નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. અધુરામાં પુરું હવે ખેતરોમાં જે પાક થોડાઘણા અંશે તૈયાર થાય તેવી શકયતા છે. તેનાં પર કમોસમી વરસાદે પાણી ફેરવી દીધું છે.
ગઈકાલે ધોરાજી ઉપરાંત કચ્છનાં ભચાઉ, અંજારમાં ૧ ઈંચ વરસાદ પડયો છે. જયારે જુનાગઢ શહેર અને ગ્રામ્ય, રાપર, ધ્રોલ, ભુજ, ખંભાળીયામાં અડધો ઈંચ જેટલો વરસાદ પડયો હતો. જામનગર, ગાંધીધામ, થરાડ, જેતપુર, વંથલી, કાલાવડ, લખપત, જામકંડોરણા, મોરબી સહિતનાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ ઝાપટા પડયા હતા. હજી સૌરાષ્ટ્રવાસીઓને બે દિવસ સુધી કમોસમી વરસાદથી રાહત મળે તેવા કોઈ જ એંધાણ દેખાતા નથી. રાજસ્થાનમાં સર્જાયેલા સાયકલોનીક સરકયુલેશનની અસરનાં કારણે હજી રાજયમાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે.