ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસની સાથે નવા રોકાણો દેશમાં આવશે તેવી આશા
દેશનાં અર્થતંત્રને ધબકતું કરવા અને વિકાસનાં રથને અવિરત આગળ વધારવા માટે સરકાર અનેકવિધ નવતર પ્રયોગો હાથધરી રહી છે ત્યારે મોદી સરકાર દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં નોન ઓઈલ કંપનીઓ પણ પેટ્રોલપંપ સ્થાપી શકશે. હાલનાં સમયમાં આઈઓસી, બીપીસીએલ, એચપીસીએલ કંપનીનાં જે ઈજારાશાહી છે તે ખતમ કરવા માટે સરકાર દ્વારા આ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. વિશેષરૂપથી વાત કરવામાં આવે તો ફ્રાંસની ટોટલ, સાઉદીની આરએમકો અને પુમા જેવી નામાંકિત કંપનીઓ ભારતમાં રોકાણ કરવા થનગની રહી છે ત્યારે ટોટલ, આરએમકોની કંપની સાથે વાટાઘાટો કરતી હોવાનું સામે આવ્યું છે.
સરકાર દ્વારા જે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને પેટ્રોલપંપની ઈજારાશાહીને રોકવા માટે તમામ મલ્ટીનેશનલ કંપનીઓને તાકીદ કરતા જણાવાયુંં છે કે, તેઓએ પેટ્રોલપંપની સાથે ઓરટલનેટીવ ફયુલ પણ ઉભું કરવું પડશે. પહેલા કોઈપણ કંપની સાથે ૨૦૦૦ કરોડની રોકાણ કરવાની ક્ષમતા હોય તેઓને જ પેટ્રોલપંપ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવતી હતી પરંતુ હવે જે કોઈ કંપનીની નેટવર્ક ૨૫૦ કરોડની હશે તે પણ પેટ્રોલપંપ સ્થાપી શકશે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે પેટ્રોલિયમ સેકટરમાં મોટો ફેરફાર કર્યો છે. બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબીનેટ બેઠકમાં પેટ્રોલ ટ્રાન્સપોર્ટ માર્કેટીંગ ગાઇડલાઇનમાં ફેરફારને મંજૂરી મળી ગઇ છે જેમાં પેટ્રોલ પંપ શરૂ કરવા માટેના નિયમોને સરળ બનાવી દેવામાં આવ્યા છે. જેના કારણે ઘણા લોકો સરળતાથી પેટ્રોલ પંપ શરૂ કરી શકશે. હવે તમારી પાસે વધુ પૈસા કે નામ પર જમીન નથી છતાં તમે પેટ્રોલ પંપ ડીલરશીપ માટે એપ્લાઇ કરી શકશો. નવા નિર્ણય અંતર્ગત અન્ય કંપનીઓ પણ પેટ્રોલ પંપ ખોલવા માટે ડિલરશીપ આપી શકશે. જેના કારણે અત્યાર સુધી ફક્ત સરકારી કંપનીઓ આઈઓસી, બીપીસીએલ, એચપીસીએલ સહીત કુલ ૭ કંપનીઓ પેટ્રોલનું રીટેલિંગ કરે છે. પરંતુ નવા નિર્ણય બાદ કુલ ૨૫૦ કરોડ રૂપિયાની નેટવર્થ વાળી કંપનીઓ પણ પંટ્રોલ પંપ ખોલી શકશે. એટલું જ નહીં આ કંપનીઓ વિમાનમાં વપરાતું ઇંધણ એટીએફ પણ વેચી શકશે. હાલમાં દેશભરમાં કુલ ૬૪,૬૨૪ પેટ્રોલ પંપ છે જેમાંથી ૫૭,૯૪૪ સરકારી ઓઇલ માર્કેટીંગ કંપનીઓના છે. સરકારે આ માટે ૨૦૧૮માં એક કમીટી પણ બનાવી હતી.
પેટ્રોલ પંપ ખોલવા માટે ભારતીય નાગરિકનું હોવું જરૂરી છે. આ સાથે તેમની ઉંમર ૨૧ થી ૬૦ વર્ષની વચ્ચે હોવી જોઇએ અને ધોરણ ૧૦ સુધીનો તેમણે અભ્યાસ કરેલો હોવો જોઇએ.કંપની પેટ્રોલ પંપ ખોલવા માટે છાપામાં જાહેરાત આપવામાં આવતી હોય છે જેમાં નિયમો, શરતોનો ઉલ્લેખ કરવામાં આવે છે. જે પુરી કરનાર કોઇપણ કંપનીની વેબસાઇટ પર જઇને ડિલરશીપ માટે એપ્લાઇ કરી શકે છે. ત્યારબાદ કંપનીના અધિકારીઓ નીરીક્ષણ કરે છે અને આ અંગે નિર્ણય કરે છે. પેટ્રોલ પંપ ખોલવા માટે સૌથી પહેલી જરૂરીયાત જમીનની હોય છે. સ્ટેટ કે નેશનલ હાઇવે પર આ માટે ઓછામાં ઓછી ૧૨૦૦થી ૧૬૦૦ વર્ગમીટર જમીન હોવી જોઇએ. જો શહેરી વિસ્તારમાં પેટ્રોલ પંપ ખોલી રહ્યા હો તો ઓછામાં ઓછી ૮૦૦ વર્ગમીટર જગ્યા હોવી જોઇએ. જો પોતાના નામ પર જમીન ન હોય તો તેને લીઝ પર પણ લઇ શકાય છે જેના ડોક્યુમેન્ટ્સ કંપનીને બતાવવાના રહેશે. પરિવારના કોઇ સભ્યના નામે પણ જમીન હોય તો પેટ્રોલ પંપની ડિલરશીપ માટે એપ્લાઇ કરી શખાય છે.
એગ્રીકલ્ચર લેન્ડ હોય તો તેને નોન એગ્રીકલ્ચરમાં કન્વર્ટ કરાવવાની રહે છે. કંપનીના અધિકારીઓ પ્રોપર્ટીના નક્શા સહીત જમીન સાથે સંકળાયેલા દરેક કાગળ, એનઓસી વગેરે તપાસે છે. નવા બદલાયેલા નિયમો મુજબ હવે તમારી પાસે પુરતા પૈસા કે જમીન ન હોવા છતાં તમે પેટ્રોલ પંપ માટે એપ્લાઇ કરી શકશો. નવી ગાઇડલાઇન્સમાં ફંડની જરૂરીયાતને પુરી કરી દેવામાં આવી છે. આ સિવાય જમીનની માલિકીના હકને લઇને પણ નિયમોમાં છુટછાટ આપવામાં આવી છે. હવે શહેરી વિસ્તારમાં પેટ્રોલ પંપ શરૂ કરવા માટે ૨૫ લાખ રૂપિયાની બેંક ડીપોઝીટ અને ગ્રામીણ વિસ્તારમાં પેટ્રોલ પંપ માટે ૧૨ લાખ રૂપિયાની ડિપોઝીટ જમા કરાવવાની રહેશે.