૨૫૦૦ ટન ગેરકાયદેસર રેતી હોવાનું બહાર આવ્યું ટ્રક, રેતીનો જથ્થો સાથે રૂપિયા ૧૫.૬૨ લાખનો મુદ્દામાલ જપ્ત.
સાયલા નેશનલ હાઇવે પર ચાલતી ખનીજ ચોરીને નાથવા મામલતદારે વાહન ચેકીંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન રેતી ભરેલા ટ્રકની તલાસી ગેરકાયદેસરના રોયલ્ટી પાસ કે આધાર ન હોવાનું ધ્યાને આવ્યુ હતુ. આથી ટ્રક, રેતીના જથ્થો, સાથે કુલ ૧૫.૬૨ લાખનો મુદામાલ સીઝ કરાયો છે.
સાયલા તાલુકામાં ગેરકાયદેસર રેતી અને બ્લેકટ્રેપનો કાળો કારબાર થતો હોવાની રાવ ઉઠી રહી છે. આથી સાયલા મામલતદાર જી.એમ.મહાવદીયાએ રાત્રીના સમયે કર્મચારીઓએ સાયલાથી નવા સુદામડા તરફના રસ્તે વોચ રાખી વાહનનું ચેકીંગ હાથ ધર્યુ હતું. જેમાં પુર ઝડપે જતા ટ્રકને અટકાવીને વધુ તપાસ હાથ ધરતા અંદાજીત ૨૫૦૦ ટન ગેરકાયદેસર રેતી હોવાનું બહાર આવ્યું હતુ.
જેની વધુ તપાસમાં કાયદેસરના રોયલ્ટી પાસ કે આધાર ન હોવાનું બહાર આવ્યું હતુ. તેમજ વજનકાંટાની પાવતી તેમજ સાંજના ૬ કલાક બાદ રેતીનું વહન કરવાની જાહેરનામાનો ભંગ કરી દોડતા વાહન સામે મામલતદારે રોક રાખી હતી. આ બાબતે ટ્રકમાં રેતી અને વાહનની કિંમત સાથે કુલ ૧૫,૬૨,૫૦૦ના મુદામાલને સીઝ કરીને ખાણ ખનીજ વિભાગ, આરટીઓને જાણ કરાઇ હતી. મામલતદારે પોલીસને ટ્રક સોંપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.