ભાજપે પોતાના ગઢ ગુજરાતમાં પાવર બતાવ્યો છે. ભાજપે ઐતિહાસિક રીતે જીત મેળવીને કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા છે. હવે ભાજપ લોકસભામાં 400 +ના મિશન સાથે આગેકૂચ કરી રહ્યું છે. ઉપરાંત આગામી વર્ષે 9 રાજ્યોની વિધાનસભા જીતવાનો પણ રોડમેપ તૈયાર કરી રહ્યું છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો જીતીને ઈતિહાસ રચી દીધો છે. ભાજપના વાવાઝોડામાં કોંગ્રેસ અને આપનો સફાયો થઈ ગયો છે. આમ, રાજ્યમાં ફરી ભૂપેન્દ્ર પટેલની સરકાર બનવાની છે. ગુજરાતની ચૂંટણીના આજના પરિણામે બધા રાજકીય વિશ્લેષકોને ખોટા પાડ્યા છે. મોટાભાગના એક્ઝિટ પોલ પણ ભાજપને 110થી 120 બેઠકો મળવાનું અનુમાન લગાવાયું હતું. જોકે, ભાજપે આ બધા અનુમાનોને ખોટા પાડ્યા છે અને ઐતિહાસિક જીત મેળવતા માધવસિંહ સોલંકીનો 149 બેઠકોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. એટલું જ નહીં, સતત બીજી વખત મુખ્યમંત્રી બનવા જઈ રહેલા ’દાદા’ના હુલામણા નામથી જાણીતા ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ફરીથી જીત મેળવતા વોટના મામલે પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે. તેમણે 1.91 લાખની લીડથી આ બેઠક પર વિજય મેળવ્યો છે. તો ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ સુરતની મજુરા બેઠક પરથી 1.33 લાખ કરતા વધુ બેઠકથી વિજય મેળવવાની સાથે સપાટો બોલાવ્યો છે અને તેમની સામેના બધા ઉમેદવારોએ પોતાની ડિપોઝીટ ગુમાવી છે. ભાજપના વર્તમાન 19 મંત્રીઓમાંથી એકમાત્ર કીર્તિસિંહ વાઘેલા કાંકરેજ બેઠક પરથી હારી ગયા છે. આ ચૂંટણીમાં કોંગ્રેસની હાલત તો એવી થઈ ગઈ છે કે, તેને વિધાનસભામાં વિપક્ષ રહી શકે તેટલી બેઠકો પણ નથી મળી. કોંગ્રેસને માત્ર 17 બેઠકો જ મળી છે. જ્યારે આમ આદમી પાર્ટીને 5 બેઠક મળી છે.
ભાજપની લહેરથી છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના અસ્તિત્વ ઉપર જોખમ ઉભું થઈ ગયું છે.ત્યારે હવે ગુજરાતની આ મોટી જીતથી દેશભરમાં કોંગ્રેસના સુપડા સાફ કરવા ભાજપે હવે ઓપરેશન શરૂ કરી દીધું છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પોતાના ગઢનો પાવર બતાવ્યો છે. ત્યારે હવે આગામી વર્ષે 2023માં મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા, કર્ણાટક, છતીષગઢ, મધ્યપ્રદેશ, મિઝોરમ, રાજસ્થાન અને તેલંગણામાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. આ રાજ્યોમાં જીતવા માટેનો ભાજપ રોડમેપ તૈયાર કરી રહ્યું છે.
વધુમાં ભાજપ અત્યારે લોકસભા મિશન 400 પ્લસ ઉપર ફોક્સ શરૂ કરી રહ્યું છે. લોકસભાની 543 બેઠકો પૈકી 400 બેઠકો કબ્જે કરવા ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. જો કે ગુજરાતની 26 લોકસભાની બેઠક પહેલેથી જ ભાજપ પાસે છે એમાંય વિધાનસભાના પરિણામ પણ ભાજપની તરફેણમાં આવ્યા છે એટલે આ બેઠકો ઉપર ભાજપે કઈ કરવાની જરૂર તો નથી. પણ વધુમાં વધુ લીડ કાઢવા અને જૂના રેકોર્ડ તોડવા ભાજપે પ્રયાસ શરૂ કર્યા છે.
- મોદીની લોકપ્રિયતાથી વિશ્વ આખું ચકિત
ગુજરાતની ચૂંટણીમાં ભાજપને મળેલી પ્રચંડ બહુમતીને આંતરરાષ્ટ્રીય મીડિયાએ પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વની વધતી જતી જાહેર સ્વીકૃતિના સંકેત તરીકે જોયું છે. મોટાભાગના અહેવાલો અને વિશ્લેષણો અનુસાર, મોદીના પ્રભાવશાળી નેતૃત્વના કારણે ભાજપને અભૂતપૂર્વ સફળતા મળી છે. તેમના નેતૃત્વના કરિશ્માને ડીકોડ કરીને, એવું માનવામાં આવે છે કે વિકાસ અને હિન્દુત્વની છબીનું મિશ્રણ તેમની પ્રભાવશાળી છબીનો પાયો છે. ભાજપની જીતે ભારતમાં મોદીના વર્ચસ્વને મજબૂત બનાવ્યું,બ્રિટિશ ન્યૂઝ પોર્ટલ ઈન્ડિપેન્ડન્ટે તેને 2024ની લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદી માટે મોટી રાહત ગણાવી છે. આવો અભૂતપૂર્વ જનસમર્થન, ખાસ કરીને વધતી મોંઘવારી અને બેરોજગારી વચ્ચે, વિકાસ અને હિંદુત્વના ચમત્કારિક નેતૃત્વનું પરિણામ માનવામાં આવે છે. કતારના શાહી પરિવારની માલિકીની અલ જઝીરાએ લખ્યું છે કે પીએમ મોદીની હિન્દુ રાષ્ટ્રવાદી પાર્ટી ભારતના પશ્ચિમી રાજ્ય ગુજરાત પર નિયંત્રણ જાળવી રાખે છે.બ્રિટિશ મીડિયા હાઉસ ધ ગાર્ડિયનએ
લખ્યું છે કે ગુજરાત લાંબા સમયથી હિન્દુ રાષ્ટ્રવાદી ભાજપનો ગઢ રહ્યો છે, જેણે 1995 થી સતત સાત ચૂંટણી જીતી છે, પરંતુ ગુરુવારના પરિણામો ભાજપની સૌથી મોટી ચૂંટણી સફળતા છે. ગુજરાતને ઐતિહાસિક જીત ગણાવતા અમેરિકન મીડિયા હાઉસ એબીસી ન્યૂઝે લખ્યું કે, વધતી મોંઘવારી, બેરોજગારી અને ધાર્મિક ધ્રુવીકરણની ટીકા છતાં મોદી અને તેમની પાર્ટીની વધતી લોકપ્રિયતા આશ્ચર્યજનક છે.
- ખુરશી સાથે ચોંટેલાને ઉખેડવાથી અનેક બાગીઓનો જન્મ થયો, ચૂંટણીમાંથી નવરાસ મળતા હવે સંગઠન બાગીઓનો દાવ લેશે
ભાજપે નવા ચહેરાઓને સ્થાન આપીને મોટું જોખમ લેવામાં સહેજ પણ પાછી પાની કરી નથી. ભાજપે ખુરશી સાથે ચોંટેલાને ઉખેડવાથી અનેક બાગીઓનો જન્મ થયો હતો. આ બાગીઓના પ્રયાસો મોદી લહેરને કારણે નિષ્ફળ ગયા હતા. હવે ચૂંટણીમાંથી નવરાશ મળતા સંગઠન બાગીઓનો દાવ લેશે તે નક્કી છે.
ભાજપ દરેક ચૂંટણીમાં હવે મોટાભાગની બેઠકોમાં પરિવર્તન ઈચ્છે છે. લોકશાહી માટે તે જરૂરી પણ છે કે કોઈ નેતા ખુરશી સાથે ચોટીને ન રહે. હવે આગામી સમયમાં લોકશાહીની ગુણવત્તા વધારવા માટે ભાજપ નો રિપીટ થિયરીને અમલી બનાવવા આગળ વધી રહ્યું છે. જો કે તેની શરૂઆત અનેક બેઠકો ઉપર અમલવારી કરીને અત્યારથી જ શરૂ થઈ ગઈ છે.
ભાજપે ખુરશી સાથે ચોંટેલા અનેક નેતાઓને ખુરશીથી દૂર કરી નવા ચહેરાઓને સ્થાન આપ્યું છે. જેને કારણે ભાજપમાં અનેક બાગીઓનો જન્મ થયો. આ બાગીઓએ અંદરખાને પક્ષને નુકસાન પહોંચાડવા માટે અનેકવિધ પ્રયાસો કર્યા પણ મોદી લહેર આખા રાજ્યમાં એ રીતે છવાઈ ગઈ હતી કે આ બાગીઓના પ્રયાસો નિષ્ફળ રહ્યા છે.
આ અંગે અગાઉ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે એક મહત્વના નિવેદનમાં કહ્યું કે જે બળવાખોરો પક્ષના સતાવાર ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. તેઓને પક્ષમાં પરત લેવાશે નહીં. તેઓ જીતી જાય તો પણ ભાજપમાં તેમને પરત લેવાશે નહીં. બળવાખોરો પ્રત્યે અમે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી છે.
હાલ ભાજપના વલણ ઉપરથી લાગી રહ્યું છે કે જેટલાએ ખુલ્લા પડીને બગાવત કરી છે.અને જેટલાએ અંદરખાને છૂપી રીતે બગાવત કરી છે. સંગઠન તેનો દાવ લેવામાં કઈ કસર નહિ છોડે.
- મોદીએ વિકાસના રેકોર્ડ તોડ્યા, સામે મતદારોએ જીત અપાવવાના રેકોર્ડ તોડ્યા : શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ગુજરાતે રેવડી, તુષ્ટીકરણ અને ખોખલા વાયદાની રાજનીતિને ફગાવીને ભાજપને અભૂતપૂર્વ જનાદેશ આપ્યો છે. કેન્દ્રીય મંત્રીએ આગળ કહ્યું કે, આ પ્રચંડ જીતે દેખાડી દીધું છે કે, દરેક વર્ગ પછી તે મહિલા હોય કે, યુવાન હોય કે પછી ખેડૂત તમામે દિલ ખોલીને ભાજપને સાથ આપ્યો છે.તેમણે કહ્યું કે, ગુજરાત હંમેશા ઈતિહાસ રચવાનું કામ કરે છે. છેલ્લા બે દાયકામાં મોદીજીના નેતૃત્વમાં ભાજપે ગુજરાતમાં વિકાસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને આજે ગુજરાતની જનતાએ ભાજપને આશીર્વાદ આપીને તમામ રેકોર્ડ તોડી નાખ્યા. આ પ્રધાનમંત્રી મોદીના વિકાસ મોડલમાં જનતાના અતૂટ વિશ્વાસની જીત છે.
ગૃહમંત્રી અમિત શાહે ભાજપની રેકોર્ડ જીત પર જનતાને નમન કર્યું અને સાથે જ પાર્ટી કાર્યકર્તાઓને શુભકામનાઓ આપી હતી. તેમણે કહ્યું કે, આ ઐતિહાસિક જીત પર ગુજરાતની જનતાને નમન કરુ છું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને જેપી નડ્ડાની અધ્યક્ષતામાં મળેલી ભવ્ય જીત પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ અને આથાગ પરિશ્રમ કરનારા ગુજરાત ભાજપના તમામ કાર્યકર્તાઓને શુભકામનાઓ આપું છું.