ત્રણ ડેમની યોજનામાં શાહપુર કાંડી બાંધ, પંજાબમાં સલતુજ બ્યાસ અને જમ્મુમાં ઉજ ડેમનો સમાવેશ કરવામાં આવશે
આઝાદી બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે સિંધુ નદીના નીરને લઈ કરારો કરવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે પૂર્વ તરફની ત્રણ નદીઓ બ્યાસ, રાવી અને સરતુજમાં આવતુ જળ ભારતના ઉપયોગમાં લેવાશે અને પશ્ચીમી નદીઓમાં સિંધુ ચીનાબ અને જેલમનું પાણી પાકિસ્તાનના ઉપયોગ માટે વપરાશે. પાકિસ્તાનના નિયંત્રણમાં આવતી નદીઓનો પ્રવાહ પહેલા ભારતમાંથી બાદમાં પાક. તરફ જાય છે. જેને કારણે કેટલીક વખત વિવાદો પણ થયા છે. આ સંધીને કારણે સિંધુ નદીનું કુલ ૨૦ ટકા જ પાણી ભારતના ઉપયોગ માટે ઉપલબ્ધ રહે છે ત્યારે આ સંધી મુજબના ડેમ બાંધી પાક.ના મનસુબા ઉપર પાણી ફેરવવા મોદી સરકારે કમરકસી છે.
સિંધુ જળ સંધી અંતર્ગત ભારતને મળતા સિંધુના ૨૦ ટકા ભાગમાંથી ભારત ૯૩ ટકા પાણીનો ઉપયોગ કરે છે અને બાકીનું પાણી પાકિસ્તાન તરફ વળી જાય છે જેને રોકવા અને સંરક્ષણ કરવાથી ખેતીમાં સિંચાઈ માટે આ પાણીનો ઉપયોગ કરી શકાશે.
ત્રણ ડેમની યોજના અંતર્ગત પંજાબમાં શાહપુર કાન્ડી બાંધ યોજના, સતલુજ બ્યાસ સંપર્ક અને જમ્મુમાં ઉજ બાંધને આવરી લેવામાં આવશે. ભારતના ભાગમાં કુલ ૧૬.૮ કરોડ એકર ફીટનું ૩.૩ એકર ફીટ પાણી ભારતને મળે છે જે કુલ પાણીના ૨૦ ટકા જેટલું છે. આ પાણીમાંથી ૯૫ ટકાનો ઉપયોગ ભારત દ્વારા કરવામાં આવે છે. ત્યારે આ ઉપરાંત બીન ઉપયોગી પાણી પાકિસ્તાન તરફ વળી જાય છે જેને રોકવા માટે સરકારે ડેમ યોજનાની ગતિ વધારવાનો નિર્ણય લીધો છે.
જમ્મુના કઠુઆ જિલ્લામાં ઉઘ ડેમ દ્વારા હાઈડ્રો ઈલેકટ્રીસિટી અને સિંચાઈ યોજનામાં પાણીનો ઉપયોગ થાય છે તો રાવી નદી ૧૯૬ મેગા વોટ ઈલેકટ્રીસિટી ઉપયોગ કરવાની ક્ષમતા ધરાવે છે. કુલ ડેમોની ક્ષમતા ૯૨૫ મીલીયન કયુસેક મીટર પાણીની છે પરંતુ આ પ્રોજેકટ અંતર્ગત માત્ર ૧૭૨.૧ મીલીયન કયુસેક મીટર પાણીનો જ ઉપયોગ કરી શકાય છે માટે રૂ.૫૯૫૦ કરોડના ખર્ચે ૩ પ્રોજેકટોને વેગ આપવામાં આવશે.
આ પાણીના બચાવથી પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત પંજાબ તેમજ કાશ્મીરમાં સિંચાઈ હેતુથી સિંધુ નીરનો ઉપયોગ કરી શકાશે. સપ્ટેમ્બરમાં જમ્મુ-કાશ્મીર અને પંજાબ સરકારે રૂ.૨૭૯૩ કરોડના ખર્ચે શાહપુર કાંડી પ્રોજેકટને મંજૂરી આપી હતી.