2022- 2023માં રાજકોષીય ખાધ જીડીપીના 6.4 ટકા એટલે કે રૂ. 17.33 લાખ કરોડ રહી, જે કેન્દ્ર સરકારના લક્ષ્યાંકથી પણ રૂ. 22,188 કરોડ ઓછી
મોદી સરકાર અત્યારે અર્થતંત્રને મજબૂતાઈ આપવા તમામ પ્રયાસો કરી રહી છે. જે પ્રયાસો સફળ નિવડતા અત્યારે ભારતનું અર્થતંત્ર વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બન્યું છે. બીજી તરફ મોદી સરકારે રાજકોષીય ખાધને અંકુશમાં રાખી અર્થતંત્રને સતત દોડતું રાખ્યું છે.
નાણાકીય વર્ષ 2022-23માં રાજકોષીય ખાધ જીડીપીના 6.4% રહી છે. જે કેન્દ્ર સરકારના લક્ષ્યાંક અનુસાર જ છે. આ પહેલા, નાણાકીય વર્ષ 2021-22 માં દેશની રાજકોષીય ખાધ 6.7% હતી. કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સએ બુધવાર, 31 મેના રોજ જાહેર કરેલા એક રિપોર્ટમાં આ માહિતી આપી હતી. રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2022- 2023માં કેન્દ્ર સરકારની રાજકોષીય ખાધ 17.33 લાખ કરોડ રૂપિયા હતી, જે જીડીપીના 6.4 ટકા છે. જો કે, સંપૂર્ણ રીતે જોઈએ તો, તે રૂ. 17.55 લાખ કરોડના સુધારેલા લક્ષ્યાંકથી લગભગ રૂ. 22,188 કરોડ ઘટી ગયું છે.
નાણાકીય વર્ષ 2023 ના બજેટમાં, નાણા મંત્રાલયે અગાઉ રાજકોષીય ખાધને 16.61 લાખ કરોડ રૂપિયા રાખવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. જોકે, બાદમાં આ ટાર્ગેટ વધારવામાં આવ્યો હતો. જો કે, ભારતની અર્થવ્યવસ્થા 2022-23માં અંદાજપત્ર કરતાં વધુ ઝડપથી વૃદ્ધિ પામવાની અપેક્ષા સાથે, કુલ સ્થાનિક ઉત્પાદનની ટકાવારી તરીકે રાજકોષીય ખાધ 6.4 ટકા પર જ રહી હોવાનું જોવા મળ્યું હતું.
રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2023માં સરકારની ચોખ્ખી કર આવક 0.5 ટકા રહેવાનો અંદાજ હતો. જ્યારે કર સિવાયની આવક અંદાજ કરતાં 9.3 ટકા વધુ હતી. આનાથી સરકારને નાણાકીય વર્ષ 2022-23 માટે તેના રાજકોષીય ખાધના લક્ષ્યાંકને પહોંચી વળવામાં મદદ મળી હોવાનું નિષ્ણાંતો જણાવી રહ્યા છે.
રૂ. 2 હજારની નોટ બદલીથી બેંકોના ભંડાર છલકાયા : અર્થતંત્રને મળશે બુસ્ટર
છેલ્લા ત્રણ દિવસમાં બેન્કિંગ સિસ્ટમમાં સરપ્લસ લિક્વિડિટી 1 લાખ-કરોડના આંકને વટાવી ગઈ છે, કરન્સી માર્કેટ રેટ નીચા આવ્યા છે અને તેથી અર્થતંત્રમાં ઋણ લેવાના ખર્ચમાં ઘટાડો થયો છે. બેંકિંગ સેક્ટરની લગભગ 2.5-3 લાખ કરોડ રૂપિયાની લિક્વિડિટી દર વર્ષે ચલણના રૂપમાં બહાર જાય છે. આમ, માર્કેટ લિક્વિડિટી મોરચે થોડી રાહત મળી છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ખૂબ મોટું ભંડોળ જે બિન ઉપયોગી રીતે પડ્યું હતું. હવે આ ભંડોળ મોટા પ્રમાણમાં બેંકમાં આવતા બેંકો આ રૂપિયાને યોગ્ય જગ્યાએ આપીને અર્થતંત્રને વેગ આપવામાં મહત્વનો ભાગ ભજવશે.
આ કારણે પણ અર્થતંત્રને મળી રહ્યું છે બળ
- સરકારને જીએસટીથી થતી આવત રાજકોશિય ખાધ ઘટાડવામાં મહત્વનો ભાગ ભજવી રહી છે. છેલ્લા અનેક સમયથી જીએસટીનું કલેક્શન રૂ. 1 લાખ કરોડને પાર જઈ રહ્યું છે. આમ જીએસટીથી થતી આવક અર્થતંત્રને મજબૂતાઈ આપવામાં મહત્વનો ફાળો આપી રહ્યો છે.
- દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં વધારો થયો છે. નોટબંધી બાદ ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. જેના કારણે અર્થતંત્રને ખૂબ ફાયદો થઈ રહ્યો છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો વ્યાપ હાલ દિન પ્રતિદિન વધી રહ્યો છે. હાલ નાના ગલ્લાથી માંડી શોપિંગ મોલ સુધી તમામ જગ્યાએ ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધ્યા છે.
ગત નાણાકીય વર્ષમાં જીડીપી વૃદ્ધિ દર 7.2 ટકાને આંબ્યો
દુનિયા મંદીના ભયમાં જીવી રહી છે ત્યારે ભારતીય અર્થતંત્ર રોકેટની ઝડપે દોડી રહ્યું છે. મોટી અર્થવ્યવસ્થા ધરાવતા દેશોમાં ભારત વિશ્વમાં સૌથી ઝડપી આર્થિક વૃદ્ધિ ધરાવતો દેશ છે. કૃષિ, ઉત્પાદન, ખાણકામ અને બાંધકામ ક્ષેત્રના સારા પ્રદર્શનને કારણે, છેલ્લા નાણાકીય વર્ષ 2022-23ના ચોથા ક્વાર્ટરમાં દેશનો જીડીપી વૃદ્ધિ દર 6.1 ટકા રહ્યો હતો. આ સાથે, સંપૂર્ણ નાણાકીય વર્ષ માટે જીડીપી વૃદ્ધિ દર 7.2 ટકા પર પહોંચી ગયો, જે અપેક્ષા કરતા વધારે છે. આ વૃદ્ધિ સાથે, દેશની અર્થવ્યવસ્થા 3,300 બિલિયન ડોલરની થઈ ગઈ છે.
ક્યાં ક્ષેત્રનું કેવુ પ્રદર્શન
- મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં જીવીએ વૃદ્ધિ દર માર્ચ 2023ના અંતે પૂરા થયેલા ક્વાર્ટરમાં વધીને 4.5 ટકા થયો છે જે એક વર્ષ અગાઉના ક્વાર્ટરમાં 0.6 ટકા હતો.
- માઇનિંગ સેક્ટરમાં જીવીએ વૃદ્ધિ દર માર્ચ 2023 ના રોજ પૂરા થયેલા ચોથા ક્વાર્ટરમાં 4.3 ટકા હતો, જે એક વર્ષ અગાઉના ક્વાર્ટરમાં 2.3 ટકા હતો.
- બાંધકામ ક્ષેત્રનો વિકાસ દર 10.4 ટકા રહ્યો છે જે એક વર્ષ અગાઉ 2021-22ના સમાન ત્રિમાસિક ગાળામાં 4.9 ટકા હતો.
- ચોથા ક્વાર્ટરમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ દર ક્વાર્ટર દર ક્વાર્ટરના આધારે 4.7 ટકાથી વધીને 5.5 ટકા થયો છે. જ્યારે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં આ આંકડો 4.1 ટકા હતો
- વીજળી, ગેસ, પાણી પુરવઠા અને અન્ય લોકો-કેન્દ્રિત સેવાઓનો વૃદ્ધિ દર ચોથા ક્વાર્ટરમાં 6.9 ટકા રહ્યો હતો જે એક વર્ષ અગાઉ 2021-22ના સમાન ક્વાર્ટરમાં 6.7 ટકા હતો.
- વેપાર, હોટેલ્સ, ટ્રાન્સપોર્ટ, કોમ્યુનિકેશન અને બ્રોડકાસ્ટિંગ સંબંધિત સેવાઓનો વૃદ્ધિ દર ચોથા ક્વાર્ટરમાં 9.1 ટકા હતો જે એક વર્ષ અગાઉના ક્વાર્ટરમાં 5 ટકા હતો.
- નાણાકીય, રિયલ એસ્ટેટ અને પ્રોફેશનલ સેવાઓ માર્ચ 2023ના અંતે પૂરા થયેલા ક્વાર્ટરમાં 7.1 ટકાના દરે વૃદ્ધિ પામી હતી જે એક વર્ષ અગાઉના ક્વાર્ટરમાં 5.7 ટકા હતી.
- જાહેર વહીવટ, સંરક્ષણ અને અન્ય સેવાઓનો વૃદ્ધિ દર ચોથા ક્વાર્ટરમાં 3.1 ટકા હતો જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં 5.2 ટકા હતો.
ભારતના અર્થતંત્રની રફતાર ધીમી નહિ પડે!!
નાણાકીય વર્ષ 2023-24માં મોટાભાગના પાસાઓ હકારાત્મક, અર્થતંત્રની વૃદ્ધિ 6.5 ટકાથી ઉપર રહેવાનો અંદાજ : રિઝર્વ બેન્કે જાહેર કર્યો અહેવાલ
હજુ પણ ભારતના અર્થતંત્રની રફતાર ધીમી પડવાની નથી. તેવું રિઝર્વ બેન્કે જાહેર કરેલા તેના અહેવાલમાં જણાવ્યું છે. મજબૂત મેક્રો ઈકોનોમિક નીતિઓ અને કોમોડિટીના ભાવમાં નરમાઈને કારણે ફુગાવાના દબાણમાં ઘટાડો થવાને કારણે 2023-24માં ભારતની વૃદ્ધિની ગતિ જળવાઈ રહેવાની શક્યતા છે.
જો કે, અહેવાલમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે વૈશ્વિક નાણાકીય વ્યવસ્થામાં તણાવની ઘટનાઓને પગલે વૈશ્વિક વૃદ્ધિમાં મંદી, લાંબા સમય સુધી ભૌગોલિક રાજકીય તણાવ અને નાણાકીય બજારની વધતી જતી અસ્થિરતા વૃદ્ધિ માટે જોખમ ઊભું કરી શકે છે. “મજબૂત મેક્રો ઇકોનોમિક નીતિઓ, કોમોડિટીના ભાવમાં નરમાઈ, મજબૂત નાણાકીય ક્ષેત્ર, તંદુરસ્ત કોર્પોરેટ ક્ષેત્ર, સરકારી ખર્ચની ગુણવત્તા પર સતત રાજકોષીય નીતિનો ભાર અને સપ્લાય ચેઇનનું વૈશ્વિક પુનર્ગઠન વૃદ્ધિ માટે નવી તકો પ્રદાન કરે છે,” અહેવાલમાં જણાવાયું છે. આનાથી ફુગાવાના દબાણમાં ઘટાડો થયો છે અને આવા વાતાવરણમાં ભારતનો વિકાસ દર 2023-24માં જળવાઈ રહેવાની શક્યતા છે.
રિઝર્વ બેંકના 2023-24ના વાર્ષિક અહેવાલમાં જણાવાયું છે કે ફુગાવાને ક્રમશઃ લક્ષ્યાંકિત કરવામાં આવે અને વૃદ્ધિને ટેકો મળે તેની ખાતરી કરવા માટે તેનું ધ્યાન નાણાકીય નીતિના આવાસને પાછું ખેંચવા પર છે. “સ્થિર વિનિમય દર અને સામાન્ય ચોમાસા સાથે, ફુગાવો 2023-24માં નીચે આવવાની ધારણા છે અને ફુગાવો ગયા વર્ષના સરેરાશ 6.7 ટકાથી ઘટીને 5.2 ટકા થઈ શકે છે,” અહેવાલમાં જણાવાયું છે. બાહ્ય ક્ષેત્રમાં ચાલુ ખાતાની ખાધ સાધારણ રહેવાની ધારણા છે, મજબૂત સેવા નિકાસ અને આયાત માટે કોમોડિટીના ભાવમાં નરમાઈની અપેક્ષાઓ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, અહેવાલમાં જણાવાયું છે.
રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર, “વૈશ્વિક અનિશ્ચિતતાઓને કારણે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટમેન્ટ પ્રવાહ અસ્થિર રહી શકે છે.” ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન, ભારતીય રિઝર્વ બેંકએ જણાવ્યું હતું કે તેનો હેતુ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સીના છૂટક અને જથ્થાબંધ પાયલોટ પ્રોજેક્ટ્સને વિસ્તૃત કરવાનો છે. સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સીના-રિટેલમાં પાયલોટ પ્રોજેક્ટને વધુ સ્થળોએ વિસ્તારવા અને વધુ સહભાગી બેંકોને સામેલ કરવાનો પણ પ્રસ્તાવ છે.
AI થી ડરતા નહિ : ગ્રીન હાઇડ્રોજન 3.5 કરોડ નોકરીઓનું સર્જન કરશે
વર્ષ 2047 સુધીમાં તો ગ્રીન એનર્જી ક્ષેત્ર ધમધમતું થઈને કરોડો લોકોને રોજગારી આપતું થઈ જવાનો અંદાજ
ભારત હવે કાર્બન ઉત્સર્જનમાં નેટ ઝીરોનું લક્ષ્ય હાંસલ કરવા માટે ગ્રીન એનર્જી તરફ વળવાના તમામ પ્રયાસો કરી રહ્યું છે. તેવામાં આ ગ્રીન એનર્જી 2047 સુધીમાં 3.5 કરોડ નવી નોકરીઓનું સર્જન કરશે તેવી આશા સેવાઈ રહી છે.
તાજેતરમાં જ એક અહેવાલ પ્રસિદ્ધ થયો હતો. જેમાં જણાવાયું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ભારતમાં અનેક નોકરીઓને જોખમમાં મૂકી દેશે. પણ વાતના છેદ ઉડ્યા છે. કારણકે ગ્રીન એનર્જી કરોડો લોકો માટે રોજગારી ઉભી કરવાનું છે. ભારતમાં 2047 સુધીમાં 3.5 કરોડ ગ્રીન નોકરીઓનું સર્જન કરવાની ક્ષમતા છે, દેશમાં કૌશલ્યના લેન્ડસ્કેપના મેપિંગ અભ્યાસનો આ અંદાજ છે. રિન્યુએબલ એનર્જી, વેસ્ટ મેનેજમેન્ટ, ઈલેક્ટ્રિક વાહનો, ટકાઉ ટેક્સટાઈલ અને ઈકો-ફ્રેન્ડલી કન્સ્ટ્રક્શન એ ભારતમાં ગ્રીન જોબ્સના વિકાસને આગળ ધપાવતા મુખ્ય ક્ષેત્રો બનવાની શક્યતા છે,
2030 સુધીમાં રિન્યુએબલ એનર્જીથી ભારતની ઉર્જા જરૂરિયાતને 50 ટકા જેટલી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે 2070 સુધીમાં નેટ-શૂન્ય કાર્બન ઉત્સર્જન લક્ષ્ય હાંસલ કરવાનો લક્ષ્યાંક છે. આ માટે સરકારે ગ્રીન એનર્જીને વધુમાં વધુ પ્રોત્સાહન આપવુ જ પડશે. જેને પગલે કરોડો નવી નોકરીઓનું સર્જન થવાનું છે.
ક્યાં ક્ષેત્રના કેટલી રોજગારીનું સર્જન થવાની શકયતા
- સોલાર – 32.60 લાખ
- પવન ઉર્જા – 1.80 લાખ
- બાયો એનર્જી ફ્યુલ – 2.70 લાખ
- ગ્રીન હાઇડ્રોજન – 6 લાખ
- ઇ વેસ્ટ મેનેજમેન્ટ – 5 લાખ
- ઇ વ્હિકલ – 6 કરોડ
- ટેકસ્ટાઇલ્સ – 4.5 કરોડ
- કન્સ્ટ્રક્શન – 1.1 કરોડ