મેરીટાઈમ સ્ટેટ ડેવલોપમેન્ટ કાઉન્સીલની ૧૭મી બેઠકમાં લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય
દેશની અર્થવ્યવસ્થાને વેગવંતી બનાવવા સરકાર વોટર-વેને વધુને વધુ પ્રોત્સાહન આપી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જે વોટર ગ્રીડ ઉભી કરવા માટે જે કવાયત હાથ ધરવામાં આવી રહી છે તેને જોતા એ વાત સ્પષ્ટ થાય છે કે, મોદી સરકાર વોટર વેને વધુને વધુ પ્રોત્સાહિત કરવા માટે પગલા લઈ રહ્યું છે. મેરીટાઈમ સ્ટેટ ડેવલોપમેન્ટ કાઉન્સીલની ૧૭મી બેઠકમાં શીપીંગ મંત્રી મનસુખ માંડવીયાએ જણાવતા કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે જે નાના બંદરો છે અને જેનો વિકાસ થયો નથી તે બંદરોને ફરીથી ધમધમતા કરવા અને વિકસિત કરવા સરકાર દ્વારા કમિટીની રચના કરવામાં આવશે.
કેન્દ્ર સરકાર દ્વારા જે કમિટીની રચના કરવામાં આવશે તેમાં દેશનાં ૧૫૦થી વધુ નોન મેજર પોર્ટોમાં રહેલી ક્ષમતાને પારખવામાં આવશે અને તે તમામ બંદરોને મોટા બંદરો સાથે જોડી નેશનલ ગ્રીડ ઉભી કરાશે. આ પગલું ભરતા ઈન્ડિયાનાં એકસપોર્ટ-ઈન્પોર્ટની કામગીરી અત્યંત ફાયદારૂપ નિવડશે તેમ શીપીંગ મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું. મેરીટાઈમ સ્ટેટ ડેવલોપમેન્ટ કાઉન્સીલની ૧૭મી બેઠકમાં શીપીંગ મંત્રી સાથો સાથ વોટર-વે સાથે સંકળાયેલા તમામ ઉધોગપતિઓએ એક સુર ઉચ્ચારી કોસ્ટલ શીપીંગમાં વધારો અને નાના પોર્ટોનાં વિકાસ માટે ચર્ચા-વિચારણા કરી હતી જેમાં અન્ય પરીબળોને પણ ધ્યાને લેવામાં આવ્યા હતા. આ તકે શીપીંગ મંત્રી મનસુખ માંડવીયાએ વધુ વિગત આપતા જણાવ્યું હતું કે, દેશનાં જે પ્રમુખ મોટા બંદરો છે તેની સાથે નાના બંદરોને પણ જોડવામાં આવે જેથી વિકાસનો રથ અવિરત ચાલ્યા કરે. નાના બંદરોનાં વિકાસ માટેનાં જે પ્લાન છે તે આવનારા છ માસમાં રાજયને સોંપવાનું પણ જણાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ તે અંગે ચર્ચા-વિચારણા કરી તેને કેવી રીતે વિકસિત કરી શકાય અથવા પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશીપનાં સહયોગથી કંઈ રીતે તેને વિકસિત કરાય તે દિશામાં પણ ચર્ચા કરવામાં આવી હતી. દેશમાં હાલ ૨૦૪ જેટલા નાના બંદરો આવેલા છે જેમાંથી માત્ર ૪૪ બંદરો જ કાર્યરત છે. સરકાર દ્વારા જે કમિટીની રચના કરવામાં આવશે તે તમામ નાના બંદરોમાં રહેલી ક્ષમતાની ચકાસણી કરી તેનાં વિકાસ માટેનો પ્લાન અમલી બનાવશે જેથી આ તમામ નાના બંદરોનો વિકાસ થાય અને દેશની અર્થવ્યવસ્થામાં કેવી રીતે ભાગીદાર બની શકે તે દિશામાં પણ કાર્ય કરવામાં આવશે. નેશનલ વોટર ગ્રીડ ઉભી થતાની સાથે જ જે માર્ગ પરીવહન અને હવાઈ પરીવહનમાં દેશને જે ખર્ચો લાગે છે તેનાથી ઓછા ખર્ચમાં દરિયાઈ પરીવહન મારફતે કામગીરી ૫ૂર્ણ કરી શકાય છે પરંતુ નાના બંદરોનો વિકાસ થયો ન હોવાનાં કારણે દેશને તેની માઠી અસર ભોગવવી પડે છે પરંતુ કેન્દ્ર સરકારની આગેવાનીમાં જે કમિટીની રચના કરવામાં આવશે તેનાથી નાના બંદરોનો વિકાસ પૂર્ણતહ શકય બનશે.