લાઠીમાં પોલીસ પર હુમલો થયાના ૨૪ કલાકમાં ચિત્તલમાં હુમલો થતા પોલીસબેડામાં ખળભળાટ
લાઠીમાં ગઈરાત્રે ટોળાએ પોલીસકર્મીઓ પર હુમલો કર્યાની ઘટના તાજી છે ત્યાં આજે ચિતલમાં બે પોલીસકર્મીએ બે શખ્સોને દારૂ સાથે ઝડપી લીધા બાદ તેને છોડાવવા માટે પાંચથી છ શખ્સોએ કુહાડી જેવા ઘાતક હથિયારથી હુમલો કરી બંને પોલીસકર્મીને ગંભીર ઈજા પહોંચાડી નાસી જતા પોલીસબેડામાં હડકંપ મચ્યો છે.
માત્ર ૨૪ કલાકમાં જ અમરેલી જિલ્લામાં પોલીસ પર હુમલાની બીજી ઘટના બની છે. આજે મોડી સાંજે અમરેલી તાલુકા પોલીસના બે કર્મચારીઓ પર ચિતલ અને મોણપુરની સીમમાં આ હુમલો થયો હતો. એલઆરડી તરીકે ફરજ બજાવતા વરજાંગભાઈ રામભાઈ મુવલીયા અને સલીમભાઈ હનીફભાઈ ભટ્ટીને ચિતલ મોણપુરની સીમમાં અમુક શખ્સો દારૂની ખેપ મારવાના હોવાની બાતમી મળતા તેઓ અહીં વોચમાં ગોઠવાયા હતા. દરમિયાન અહીં રાહુલ અને અરવિંદ નામના દેવીપુજક શખ્સો અહીંથી દારૂનો જથ્થો લઈને નીકળ્યા હતા. જેને પગલે આ બંને પોલીસકર્મીઓએ તેને અટકાવ્યા હતા અને ટેલીફોન પર અમરેલી તાલુકા પીએસઆઈને જાણ કરી હતી. જેને પગલે પીએસઆઈ વધુ સ્ટાફ સાથે ચિતલ રવાના થયા હતા.જોકે પીએસઆઈ અને સ્ટાફ અહીં પહોંચે તે પહેલા રાહુલ અને અરવિંદના કેટલાક સાથીદારો કુહાડી જેવા ઘાતક હથિયારો સાથે ત્યાં ધસી આવ્યા હતા. બંને પોલીસકર્મી પર હુમલો કરી તેમને લોહીલુહાણ કરી દીધા હતા. વરજાંગભાઈને માથામાં ઈજા અને હાથ પગમાં ફેકચર થયા હતા.હુમલો કરનારા શખ્સો રાહુલ અને અરવિંદને છોડાવી નાસી ગયા હતા તો બીજી તરફ તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી આ બંને પોલીસકર્મીને સારવાર માટે અમરેલી સિવીલમાં ખસેડાયા હતા. લાઠીમાં જાલી નોટની તપાસમાં ગયેલા પોલીસ સ્ટાફ બાદ ચિતલ પાસે બે પોલીસમેન પર બુટલેગરોએ કરેલા હુમલાથી પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.