પ્રમૂખપદે કાંતાબેન ધાખડા અને ઉપપ્રમૂખ પદે કનુભાઈ ધાખડાની વરણી
રાજુલામાં નગરપાલિકાની ચુંટણીમાં ચડાવ-ઉતાર વચ્ચે આજે ફરીવાર અંબરીશ ડેરનો હાથ ઉપર રહ્યો હતો અને કોંગ્રેસનાં પ્રમુખ અને ઉપપ્રમુખને બેસાડવામાં આવ્યા હતા.
આ અંગેની વિગત મુજબ રાજુલા નગરપાલિકાની ચુંટણીમાં ૨૮ સભ્યોમાંથી ૨૭માં કોંગ્રેસ અને ૧ સીટ ભાજપને મળેલ હતી પરંતુ સૌપ્રથમ પ્રમુખ તરીકે મીનાબેન વાઘેલાને બનાવવામાં આવેલા જેની સામે કોંગ્રેસનાં જ ૧૮ સભ્યોએ બળવો કરીને બાધુબેન વાણીયાને પ્રમુખ બનાવેલા પરંતુ તાજેતરમાં જ ૧૪ સભ્યોને ગુજરાતનો પક્ષાંતર બદલ સતામંડળનો સભ્યોને ગેરલાયક ઠરાવવાની જોગવાઈ કરતો અધિનિયમ-૧૯૮૬ની કલમ-૩ (૧)(ક) અને ૩(૧)(ખ) અનવયે અને તે હેઠળ બનાવવામાં આવેલ નિયમો ૧૯૮૭નાં નિયમ (૮)ની જોગવાઈ અન્વયે સસ્પેન્ડ ગુજરાત રાજયનાં શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગનાં સચિવ રાવલ દ્વારા કરવામાં આવતા યોજાયેલી સામાન્ય સભામાં ૧૪ માંથી ૧૩ સભ્યો હાજર રહેલ અને ભાજપનો સભ્ય ગેરહાજર રહેલ જેમાં સર્વ સંમતિથી પ્રમુખ તરીકે દલિત સમાજનાં કાંતાબેન કિશોરભાઈ ધાખડા અને ઉપપ્રમુખ તરીકે કાઠી ક્ષત્રિય સમાજનાં અને વર્ષોથી કોંગ્રેસમાં સેવા બજાવી રહેલા કનુભાઈ ધાખડાની વરણી કરવામાં આવેલ હતી.
જેને નગરપાલિકા સભ્યો ભરતભાઈ સાવલીયા, ઘનશ્યામભાઈ વાઘ, રમેશભાઈ કાતરીયા તથા શહેર કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ જોષી તથા તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ તથા યુવા કોંગ્રેસ શહેર નિરવભાઈ બી.ભટ્ટ તથા કોંગ્રેસ અગ્રણીઓ ટપુભાઈ રામ તથા ભગવાનભાઈ વાઘ તથા શહેરનાં આગેવાનો દ્વારા વધાવેલ છે. આ વરણી થતા જ ઉપપ્રમુખ અને પ્રમુખ દ્વારા રાજુલા શહેરને પાણી, રોડ અને લાઈટની તમામ સુવિધાઓને પ્રાધાન્ય આપવામાં આવશે.