માર્ગનું નિરીક્ષણ કરવા માટે મેયર-સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના અન્ય પદાધિકારીઓ પણ જોડાયા
જામનગર ન્યૂઝ
જામનગર શહેરમાં ગુરુદ્વારા ચોકડીથી સાત રસ્તા સર્કલ સહિતના વિસ્તારમાં ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાઇ રહી છે, ત્યારે લોકોને રાહત મળે, તે માટે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી લોકોની મદદે આવ્યા હતા, અને સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યા પછી કઈ રીતે ટ્રાફિકને ડાઈવર્ટ કરવો તે અંગે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી.
આ વેળાએ ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીની સાથે નગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક જૂથના દંડક કેતનભાઇ નાખવા વગેરે પદાધિકારીઓ જોડાયા હતા.
જામનગર શહેર વિભાગના ડી.વાય.એસ.પી. જે. એન. ઝાલા ટ્રાફિક શાખા ના અધિકારી, મહાનગર પાલિકાના સંબંધિત અધિકારી વગેરેને સાથે રાખીને ગુરુદ્વારા ચોકડીથી અંબર ચોકડી તરફ તેમજ સાત રસ્તા સર્કલ સહિતના વિસ્તારમાં જાત નિરીક્ષણ કર્યું હતું.
ઉપરોક્ત વિસ્તારમાં ટ્રાફિક કેવી રીતે હળવો બને, અને લોકો પરેશાન થયા વગર પોતાના વાહનો સાથે અવરજવર કરી શકે, તે અંગે સંબંધી અધિકારીઓ સાથે વિચાર વિમર્સ કરીને યોગ્ય સૂચનો પણ કર્યા હતા.