પાકિસ્તાન બોર્ડર અને નાપાક રેન્જરોના ભયનો ખ્યાલ આવતા સીપીઆઈ ઠાકુર વ્યાકુળ થઈ ગયા
નારાયણ સરોવર મંદિર સમુહની સંધ્યા આરતી અને તેની ઝાલર અને નગારાના સંગીતમય અવાજ તથા સમુદ્ર અને રણ કાંઠે ઢળતી સાંજના અદભૂત ઢળતી સાંજના અદભૂત દ્રશ્ય ને દરેક પોતાની રીતે માણતા હતા ડ્રાઈવરે તો ઝડપથી ભૂજ પહોચવા જીપને દોડાવી મૂકી, પરંતુ કુદરતી નજારાને માણતો હોવા છતાં સતર્ક જયદેવે નોંધ લીધી કે બે ત્રણ કિલોમીટર દૂર નીકળી ગયા છતા રસ્તામાં કોઈ માઈલ સ્ટોન કે સાઈન બોર્ડ જોવા મળતા નહતા વળી સાંજના સમયે પવન શ‚ થતા ડમરી સાથે સીંગલ પટ્ટી રોડ ઉપર રેતી પણ ફરી વળેલ હોય ખરેખર આજ રસ્તો માતાના મઢ અને દયાપર તરફ જાય છે કેમ? તેની શંકા થઈ. પરંતુ ડ્રાઈવર તો ચીલેસીલે અનુમાને જીપ ને દોડાવ્યે જતો હતો.
દસેક કિલોમીટર દૂર ગયા ત્યાં સુધી જરા પણ રોડ ઉપર ડામર પટ્ટી દેખાઈ નહી તેથી જયદેવે તમામ અધિકારીઓ સાંભળે તે રીતે ડ્રાઈવરને કહ્યું ‘આ ચારે તરફ રણની માટી જ દેખાય છે. કાચા જ રસ્તા લાગે છે જે ડામર પટ્ટી રોડ માતાના મઢ જાય છે. તે આછે કે કેમ? તેની ખાત્રી કરો નહિ તો રાત્રીનાં સમયે રણમાં કયાંક ખોટા ફસાઈ જઈશું. પરંતુ ઉતાવળીયા ડ્રાઈવર કે કોઈ અધિકારીએ આ સલાહને ગંભીરતાથી લીધી નહિ. પંદરેક મીનીટ પછી ફરી વખત જયદેવે કહ્યું ‘અડધો પોણો કલાક થયો રોડ કે આજુબાજુમાં કોઈ માણસ પણ દેખાતુ નથી કોઈ માનવ વસાહત પણ દેખાતી નથી. કયાંક રણમાં તો નથી ઘૂંસી ગયા ને?
આ સાંભળીને તમામ સાવચેત થયા જીપ ઉભી રખાવી ચારેય અધિકારી અને ડ્રાઈવરે નીચે ઉતરી જુદી જુદી દિશામાં જતા આ કાચા રસ્તાઓમાં પગ મારીને રેતી નીચે તપાસ કરી ખાત્રી કરી કે કયાંક ડામર પટ્ટી જણાય છે? પરંતુ તમામ કેડાઓમાં રણની માટી સિવાય કાંઈ હતુ નહિ! રાત્રીના આઠ વાગવા આવ્યા હતા. આ સ્થળનું જયદેવે નિરીક્ષણ કર્યું તો સપાટ એક ધારી ધરતી કોઈ ઝાડ ઝાંખ‚ પણ નહિ, ઉપર ગોળ ઘુમ્મટ જેવુ આકાશ જાણે પૃથ્વીની ટોચ ઉપર આવી ગયા હોઈ એ તેવો આભાસ થતો હતો અફાટ રણ વચ્ચે નિરવ સન્નાટા ભરી શાંતિ આંખ બંધ કરી ધ્યાન કરો તો સમગ્ર બ્રહ્માંડ શન્યુ હોય અને જો કોઈ ધ્યાન કરનાર વ્યકિત હોય તો તુરત ધ્યાન લાગી જાય તેવી પરમ શાંતિ શાંતિ જ હતી બીજુ કોઈ દ્રશ્ય નહિ ફકત ઉપર અમુક મોટા તારા ટમટમતા દેખાતા હતા, કાંઈ સંચલન જ નહિ. જયારે હવા ચાલે તો આંખ બંધ જ કરવી પડે કેમકે હવા સાથે હવા જેવી જ પાતળી માટી એમ કહો ને ખારા મીઠાની રજ જ આંખમાં પડે આથી આંખો બળવા લાગે.
તમામ વ્યકિતએ હવે ખંત પૂર્વક ચારે બાજુ ચાલીને રસ્તા માટે તપાસ કરી પરંતુ રસ્તો ચોકકસ પણે નકકી થતો નહતો. દરેક અનુમાન કરવા લાગ્યા કે આ બાજુ પેલી બાજુ પરંતુ જયદેવે મંતવ્ય આપ્યું કે હવે રણની માટી વાળી હવા શ‚ થશે તો આ આપણી જીપના ટાયરના જે ચીલા છે તે પણ ભૂંસાઈ જશે આથી મને તો સલામતી આપણે આવ્યા તે રસ્તે પાછા ચીલે ચીલે નારાયણસરોવર જતા રહીએ અને ત્થી દયાપરનો પાકો રસ્તો શોધી લઈએ પણ ડ્રાઈવરે કહ્યું કે જુઓ પેલો ચીલો ખૂબ ઘસાયેલો અને વધુ વાહનો ચાલેલા જણાય છે. તે આગળ જઈને ચોકકસ કોઈ ગામે કે વસાહતે કે ડામર રોડ ને મળતો હશે તેમ કહી તેણે વળી પાછી જીપ દસેક મીનીટ તે રસ્તે જવા દીધી, પરંતુ કોઈ રસ્તો કે માણસ કે કોઈ વસાહત આવી નહિ. ઉભા રહીને જોયું તો ચારેય તરફ નાના નાના ચીલા જ જણાતા હતા જેને કેડા કહેવાય તેવા, હવે તમામ મુંઝાયા કેમકે આમને આમ એકાદ કલાક થવા આવ્યો. હતો અને રાત્રીનો અંધારપટ વધુ ઘટ્ટ થતો જતો હતો.
આ રઝળપાટ દરમ્યાન જ રણની હવાની ઝડપ વધી અને હવા એ વધુ જોર પકડયું આથી ઠાકુરે કહ્યું કે હવે જીપને પાછી જ નારાયણ સરોવર લઈ લ્યો. ડ્રાઈવરે જીપ પાછી વાળી અને વચ્ચે ત્રણ રસ્તા આવ્યા એટલે ત્યાં ડ્રાઈવર ભૂલી જ ગયો કે ખરેખર કયા રસ્તેથી આવ્યા હતા. ડ્રાઈવરે નીચે ઉતરીને જીપનાં ચીલા જોવા પ્રયત્ન કર્યો પણ ચીલા દેખાયા નહિ કેમકે હવા સાથે ડમરી પણ હોય બારીક માટીથી ચીલા ઢંકાઈ ગયા હતા.
પાછા દેસક મીનીટ એમને એમ અનુમાને ચાલ્યા પણ હવે રસ્તો મળવો તો ઠીક ચીલાજ મળતા નહતા તેમાં નારાયણ સરોવરના રસ્તાની વાત જ કયાં રહી ! ફકત ઉપર છત્રી જેવું આકાશ અને નીચે રણની રેતી સિવાય કાંઈ જ દેખાતુ નહતુ. હવાના સરસરાટ સિવાય સુમસામ શાંતિ જ શાંતિ અને દરેકના મનમાં અશાંતિનું વાવાઝોડુ ચાલુ થયું હતુ.
જીપની કીલોમીટર ચેઈન તો ખોલી નાખી હતી પરંતુ તેમાં ડીઝલ પાછા વળતા દયાપર ગામે પૂરાવવાનું હતુ તેથી જીપની ટાંકીમાં પણ ડીઝલ થોડુ જ બચ્યું હશે આથી હવે પાકી ખાત્રી કર્યા સિવાય દોડયા જવું એટલે જીપ જ બંધ પડીને સાવ માથે પડે તો રણમાં ફસાવાનું એટલે ફકત ઉપર ગગન વિશાળ અને નીચે ધરતી અફાટ રણ. જો જીપમાં રણનો છેડો મળતો નહોય તો પગપાળા ચાલીને શું મળવાનો? જીપમાં પીવાનું પાણી પણ નહતુ તેમ છતા અડધો એક કલાક જીપ આમ તેમ ફેરવી રણમાંથી બહાર નીકળવાના વ્યર્થ પ્રયત્ન કર્યા કે કયાંક કોઈ રસ્તો કે વસાહત મળી જાય.
આમને આમ રાત્રીનાં દસ વાગવા આવ્યા છતા કોઈ માણસ જાત જોવા મળી નહિ આથી એક જગ્યાએ ચાર રસ્તા ભેગા થતા જણાતા હતા ત્યાં જીપ ઉભી રાખી પાંચેય જણા જીપમાંથી નીચે ઉતરીને પહેલા જુદા જુદા રસ્તે માટીમાં પગ નાખીને ડામર પટ્ટી છે. કે કેમ તેની ખાત્રી કરી પરંતુ તમામ કાચા રસ્તા જ હતા.
જયદેવે ફરીથી પોતાનું મંતવ્ય રજુ કર્યું કે જુઓ સવારે આઠ વાગ્યે બંદોબસ્ત ફરજ ઉપર જવાનું છે. એટલે એમ કરીએ કે હવે જીપ ચલાવવાનું બંધ કરીને જીપમાં છે. તેટલું ડીઝલ રહેવા દઈએ અને સવારના અજવાળુ થાય ત્યાં સુધીમાં કોઈ વ્યકિત નીકળે તો દયાપર ગામે પહોચી ડીઝલ પુરાવી એક બે કલાક મોડા તો મોડા બંદોબસ્તમાં પહોચી જઈશુ.
પાંચે પાંચ જણા માનસીક રીતે ખરાબ રીતે મુંઝાઈ ગયા હતા ખાસ તો સીપીઆઈ ઠાકુરને સાંજ પડયે છાંટો પાણીની આદત પણ આજે તો પીવાના પાણીના પણ ફાંફા હતા. આ રણમાં ફસાયાની સ્થિતિમાં તો છાંટો પાણી કર્યો હોયતો પણ નશો ઉતરી જાય તેવી સ્થિતિ સર્જાણી હતી. પરંતુ ઠાકુરના મનમાં તો કાંઈક બીજી જ વાત હતી. ઠાકુરે એકદમ ઢીલા અવાજે કહ્યું તમે ત્રણ જણાતો ખાતામાં નવા છો તેમ કહીને છૂટી જશો પણ હું નિવૃતિને આરે આવેલો છું અને આ સરકારી જીપ પણ મારા જ હવાલાની છે. દુનિયા મને જ મુર્ખ કહેશે એમ બોલીને તેમણે નિ:સાસો નાખ્યો. અને એકદમ નિરાશ થઈ ગયા.
આત્મ વિશ્ર્વાસથી ભરેલા જયદેવે ઠાકુરને આશ્ર્વાસનઆપતા કહ્યું સાહેબ ….. ધીરજ રાખો રસ્તો મળી જ જશે અમે ત્રણ જણા છીએ ને તમારી સાથે? આપણે સહીસલામત પહોચી જ જઈશું અને વધારામાં ધીમેથી કહ્યું કે નારાયણ સરોવરથી નીકળ્યા ત્યારેજ શ‚આતમાં જ મેં સૂચના કરી હતી અને આવનાર આપતિ અંગે ડ્રાઈવરને તમામ સાંભળે તે રીતે ચેતવણી પણ આપી હતી. પરંતુ હવે તો ઘણુ મોડુ થઈ ગયું છે. હવે તો નારાયણ સરોવરનો રસ્તો જ મળતો નથી ત્યાં ભુજ પહોચવાની વાત જ કયાં રહી અને હજુ તો તકેદારી અને સાવચેતી રાખવામાં નહિ આવે તો કયાંક રણમાં ને રણમાં દિશા શુન્ય સ્થિતિમાં જો પાકિસ્તાનની હદમાં પહોચી ગયા અને પાકિસ્તાની રેન્જરના હાથમાં આવી ગયા તો લાહોર જેલ અથવા કરાંચીની જેલ જાત્રા પાકી ગણી લેવાની. તે સમયે હજુ ભારત પાકિસ્તાન સરહદ ઉપર વાયર ફેન્સીંગ બની ન હતી. અને આટલી બોર્ડર સીકયોરીટી ફોર્સની ચેક પોસ્ટો પણ નહતી પરંતુ અમુક સંભવિત પાકિસ્તાન સરહદેથી પ્રવેશના રસ્તે ઉંટો ઉપર પોલીસનું પેટ્રોલીંગ રહેતું તે પણ નામનું જ કેમકે ત્યારે આ હાલનો રાક્ષસી ત્રાસવાદ હજુ શ‚ થયો નહતો.
પાકિસ્તાન જેલની વાત આવતા જ ઠાકુર એકદમ ગળગળા થઈ ને બોલી ઉઠ્યા ‘ઘણી મોટી અને ગંભીર ભુલ થઈ ગઈ છે. પાકિસ્તાન તેલમાં જવા કરતા તો મરી જવું સા‚ં. ઠાકુર અગાઉ પોતાની ફરજમાં ડેપ્યુટેશનમાં સીબીઆઈમાં તથા થોડો સમય જમ્મુ-કાશ્મીરમાં ભારતીય જાસુસી સંસ્થા ‘રો’ (રીસર્ચ એન્ડ એનાલીસીસ વિંગ)માં પણ જઈ આવ્યા હતા. ત્યાં તેમણે વાત સાંભળેલી કે પાકિસ્તાનમાં જો કોઈ રસ્તો ભૂલીને ભારતીય નાગરીક ભૂલમાં પણ જતો રહે અને પકડાઈ જાય તો પાકિસ્તાન લશ્કર ઉપરાંત તેની આઈએસઆઈ સંસ્થા ખૂબજ અમાનવીય અને પશુ જેવો અત્યાચાર કરે છે. જયારે આતો ચાર પોલીસ અધિકારીઓ સરકારી વાહન સાથે એટલે પાકા જાસુસ ગણી ને અત્યાચારમાં કાંઈ બાકી નહિ રાખે.તેવા વિચારથી ઠાકુર અકળાઈ ઉઠ્યા અને લગભગ રડુ રડુ થઈ ગયા. રાણા, જાડેજા અને જયદેવ હિંમત વાળા, ઉત્સાહી અને પૂરા આશાવાદી યુવાન અધિકારીઓ હતા, ત્રણે એ ઠાકુરને આશ્ર્વાસન આપ્યું કે ‘એવું કાંઈ નહિ થાય કયાંક નજીકમાં જઈશું તો વાયરલેસ નું નેટવર્ક મળતા જ કચ્છ પોલીસનો સંપર્ક કરીને મદદ માગીશું’. તે સમયે પોલીસ જીપમાં વાયર લેસ સેટ રહેતા પરંતુ તેના નેટ વર્કનો કવરીંગ એરિયા ખૂબજમર્યાદિત રહેતો તો સામે કચ્છ સરહદી જીલ્લામાં તો ઘણી વખતે બે ગામો વચ્ચે જ ૩૦-૩૦ કિલોમીટરનું અંતર હોય પછી પોલીસ સ્ટેશનના કવરેજની તો વાત કયાં રહી?
જીપમાં પીવાનું પાણી તો નહતુ પરંતુ રાત્રીના ઉપયોગમાં આવે તેવી ચીજો ટોર્ચ કે બેટરી પણ નહતા. આમ તો ઠાકુર ચેઈન સ્મોકર જ હતા. પરંતુ છેલ્લા એકાદ કલાકની આ તણાવભરી સ્થિતિમાં સીગારેટનું આખુ પાકીટ જ ફૂંકી માર્યંુ હતુ. હવે તેમને તલપ લાગતા બીજા કોઈ અધિકારી પાસે સીગારેટ હોય તો માગી પરંતુ તેમના કમ નસીબે ત્રણે અધિકારીઓ સ્મોકીંગ જ કરતા નહતા. તો સીગારેટ તો ઠીક પણ સાદી બીડીનો પણ મેળ પડે તેમ નહતો. ઠાકુરની તલપ તલપ જ રહી ગઈ. હવે તમામ મુંઝાઈ ગયા હતા ચારે તરફ મુશ્કેલી અને મુશ્કેલી જ હતી. હવે શું કરવું? હવે શું થશે? તેમ દરેક મનમાં વલોપાત કરતા હતા.
જયારે આફત આવે છે. ત્યારે એવું લાગે છે કે તે ચારેય બાજુથી આવી છે. પરંતુ આફત કે મુશ્કેલીના સમયે ધીરજ, શાંતિ અને સહનશીલતાથી સમય પસાર કરવામાં આવે અને આ આફતને સહન કરીને નબળો સમય પસાર કરવામાં આવે તો હંમેશા જેમ ઘનઘોર અંધારી રાત્રી પછી સુંદર સૂર્યોદય થાય છે. તે રીતે અવશ્ય પણે સારા સંજોગો આવે જ છે.
અભ્યાસુ જયદેવ મુશ્કેલીના સમયે જ્ઞાનિ અને સમર્થ વ્યકિતઓનાં વર્તન વ્યવહાર કેવા હોય તે વિચારતો હતો ત્યાં તેને શ્રીમદ ભગવદ ગીતાનો ‘વિષાદ યોગ યાદ આવ્યો. જયારે કુ‚ક્ષેત્રમાં સર્વનાશ થવા માટે કૌરવ અને પાંડવ સેના સામસામે ગોઠવાઈ ગઈ હતી. તમામ યોધ્ધાઓ પોત પોતાના સર્વોચ્ચ હથીયારો સાથે પૂરી તાકાતથી કત્તલેઆમ કરવાની તૈયારી સાથે ઉભા હતા તેમાં પિતામહ ભીષ્મ અને દ્રોણાચાર્ય જેવા જ્ઞાની અને બુધ્ધી જીવીઓ પણ અતિ વ્યગ્રતા અને દુ:ખ સાથે શસ્ત્રો સાથે ઘોર કર્મ માટે ઉભા હતા. ત્યારે અર્જુનને જીંદગીની વાસ્તવિકતાનો ખ્યાલ આવતા તે પણ વિષાદ ગ્રસ્ત થઈ ના હિંમત અને કાયર થઈ ગયેલો તે સમયે એક જ વ્યકિત યોગેશ્ર્વર શ્રીકૃષ્ણ પ્રફૂલ્લીત મને અને સ્થિતપ્રજ્ઞતાથી ઉભા હતા અને હંસતા હંસતા અર્જુનને ‘શ્રીમદ્ ભગવદ ગીતા’નો ઉપદેશ આપી આવનાર મુશ્કેલીનો હિંમત પૂર્વક સામનો કરવા ઉપદેશ આપેલો આમ ધીરજ અને સહનશીલતા અને વ્યુહાત્મક વિચારધારાથી પ્રયત્નો ચાલુ રાખવાથી સફળતા અવશ્ય મળે જ છે. તેમ પ્રતિપાદન કરેલું તે યાદ આવતા જયદેવમાં તેજીનો સંચાર થયો.
પણ વાસ્તવિકતાનો જેવો ખ્યાલ આવ્યો કે જીપમાં તો પીવાનું પાણી પણ નથી. સવાર સુધી આ પાંચેય યોધ્ધાઓ ખાધા વગર તો રહી જશે પણ આ ઝડપથી ચાલતી હવામાં તરસ લાગવાથી કોઈક યોધ્ધો તો પડશે તે વિચાર આવતા જયદેવને દુ:ખ થયું.