મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલે ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી રાજ્યના જિલ્લા મથકોએ જિલ્લા કલેકટર કચેરીઓમાં રહેલા રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી કેબિનેટ બેઠક યોજી હતી.
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને મુખ્ય સચિવ, પોલીસ મહા નિદેશક તેમજ મુખ્ય મંત્રીના મુખ્ય અગ્ર સચિવ અને અગ્ર સચિવ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
વર્તમાન કોરોના વાયરસની સ્થિતિમાં પણ પ્રજાહિતના નિર્ણયો અને પ્રજાલક્ષી કામગીરીમાં રૂકાવટ ના આવે તેવા ઉદ્દાત ભાવ થી વીડિયો કોન્ફરન્સ દ્વારા કેબિનેટનો આ પ્રયોગ દેશભરમાં પ્રથમ વાર ગુજરાતે કર્યો છે.
આ બેઠકમાં જામનગર ખાતે કૃષિ મંત્રી આર.સી.ફળદુ અને અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત રહી વિડિયો કોન્ફરન્સ દ્વારા કેબિનેટમાં જોડાઈ જામનગર ખાતેના પ્રજાલક્ષી પ્રશ્નોની ચર્ચા કરી હતી સાથે જ મુખ્યમંત્રીએ મંત્રીઓને જિલ્લામાં એક પણ કોરોના નો કેસ ન બનવા બદલ બિરદાવ્યા હતા સાથે જ સતર્ક રહેવાની પણ સુચના આપી હતી.
આજરોજ ૧લી એપ્રિલથી સમગ્ર ગુજરાતમાં એન.એફ.એસ.એ. માન્ય અંત્યોદય, બી.પી.એલ અને એ.પી.એલ-૧ના કાર્ડધારકો કે જેઓ દર મહિને સરકાર દ્વારા રાશન મેળવી રહ્યા છે, તેઓને વિનામૂલ્યે રાશન આપવાનો પ્રારંભ થયો હતો. સાથે જ જેઓ કાર્ડધારકો નથી અને ગરીબ છેવાડાના લોકો છે તેઓને પણ જીવન આવશ્યક વસ્તુઓ પ્રાપ્ય બને તે માટે આગામી દિવસોમાં અન્ન બ્રહ્મ યોજનાને અમલી કરી દરેક જિલ્લાના કલેકટરઓ દ્વારા છેવાડાના લોકોને પણ એપ્રિલ માસ માટેની જીવન આવશ્યક વસ્તુઓની કીટ આપવામાં આવશે તેમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું.