ભુસ્તર શાસ્ત્રી જે એસ વાઢેરની આગેવાનીમાં ગેરકાયદે ખનન-વહનના 223 કેસો કરી રૂ. 6.14 કરોડનો દંડ વસુલાયો
મોરબી જિલ્લાની ખનીજ રોયલ્ટીની આવક ઐતિહાસિક સપાટીએ પહોંચી છે. ગત નાણાકીય વર્ષમાં મોરબી ખનીજ વિભાગને રોયલ્ટી પેટે રૂ. 33.32 કરોડની ઐતિહાસિક આવક થઇ છે.
નોંધનીય બાબત છે કે, મોરબી જિલ્લો અસ્તિત્વમાં આવ્યા બાદ પ્રથમવાર ખનીજની રોયલ્ટી પેટેની આવક ગત નાણાકીય વર્ષમાં ઐતિહાસિક સપાટીને આંબી છે.
મોરબી જિલ્લો તેના પેટાળમાંવિપુલ પ્રમાણમાં અમૂલ્ય ખનીજનો જથ્થો ધરાવે છે. ત્યારે મોરબી ખનીજ વિભાગ દ્વારા પ્રાપ્ત આંકડા મુજબ ગત નાણાકીય વર્ષ 2023-24માં ખનીજ વિભાગને બ્લેકટ્રેપ, સેન્ડસ્ટોન, સાદી રેતી, ફાયરક્લે અને રેડક્લેની લીઝ મારફત ખનીજ વિભાગને રૂ. 32.32 કરોડની આવક થવા પામી છે. જે આવક નાણાકીય વર્ષ 2022-23માં 29.28 કરોડની નોંધાઈ હતી. જેથી ગત નાણાકીય વર્ષમાં આવકમાં 20%નો ઉછાળો નોંધાયો છે અને આ ઉછાળા સાથે ખનીજ વિભાગની આવક ઐતિહાસિક સપાટીએ પહોંચી ગઈ છે.
મોરબી જિલ્લાના વાંકાનેર, હળવદ જેવા તાલુકામાં બ્લેકટ્રેપ, સેન્ડસ્ટોન, સાદી રેતી, ફાયરક્લે અને રેડક્લે જેવા ખનીજની કુલ 385 કેવોરીલીઝ આવેલી છે. જે લીઝ મારફત ગત નાણાકીય વર્ષમાં રૂ. 32.32 કરોડની આવક થવા પામી છે. જે આવક મોરબી જિલ્લો અસ્તિત્વમાં આવ્યા બાદ સૌથી વધુ આવકનો રેકોર્ડ ધરાવે છે.
ઉપરાંત કડક અધિકારીની છાપ ધરાવતા મોરબી જિલ્લાના ભુસ્તર શાસ્ત્રી જે એસ વાઢેરની આગેવાનીમાં ગત નાણાકીય વર્ષમાં જિલ્લાભરમાં ગેરકાયદે ખનીજ ખનન, વહન અને સંગ્રહની પ્રવૃત્તિઓ ડામવા રાત-દિવસ આકસ્મિક દરોડા પાડીને ગેરકાયદેસર ખનન, વહન અને સંગ્રહ બદલ 223 કેસ કરીને રૂ. 6.14 કરોડનો દંડ વસુલવામાં આવ્યો છે. તેમજ નવ જેટલાં કેસોમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે જે હાલ ન્યાયિક કાર્યવાહી હેઠળ છે.