જાગૃત નાગરિકની દીવ જિલ્લા એસ.પી.ને રજૂઆત

ઉના તાલુકા મા છેલ્લા ઘણા સમયથી ખનીજમાફિયાઓ દ્વારા નદી અને દરિયાઈ રેતી નું ખનન કરવામાં આવી રહ્યું છે. અને આ બાબતે અવાર-નવાર જાગૃત નાગરિકો દ્વારા સંબંધિત અધિકારીઓ ને  જાણ કરવામાં આવી છે તેમ છતાં આજદિન સુધી આ રેતી ચોરી કે રેતી ખનન ની કોઈપણ પ્રકારે તપાસ કરવામાં આવતી નથી. તંત્ર જાણે મુક પ્રેક્ષક બની જતું હોય જેથી કરીને આ દૂષણ અટકતું નથી અને ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે આવો જ એક કિસ્સો તાજેતરમાં  સામે આવ્યો છે.

વાસોજ ગામના ખનીજમાફિયા વાલાભાઈ વિરજીભાઇ કામલીયા દ્વારા  આજુબાજુના વિસ્તારમાંથી ચોરી કરાયેલી  દરિયાઇ રેતી ભરેલું ટ્રેક્ટર દીવ ની અંદર લાવવામાં આવ્યું હતું. દીવ ના એક જાગૃત નાગરિક ને  આ ગેરકાયદેસર પ્રવૃત્તિની જાણ ઉના તાલુકાના આરટીઆઇ એક્ટિવિસ્ટ હર્ષદ બામણીયા દ્વારા જાણ કરવામાં આવી હોવાથી  આ અંગે તપાસ કરતા વાલાભાઈ વીરજીભાઈ કામલીયા દ્વારા ખુલ્લેઆમ દાદાગીરી રોડ ઉપર ધમકીઓ આપવામાં આવી અને દાદાગીરી ભર્યું વર્તન કરવામાં આવ્યું હતુ. એ નાગરિક દ્વારા જ્યારે પોલીસ ફરિયાદ કરવાની વાત કરવામાં આવી  ત્યારે વાલાભાઈ એ ખૂબ જ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરતા ટ્રેક્ટર ત્યાથી લઈને નાસી ગયા હતા. નાગરિક દ્વારા  દીવ જિલ્લા એસ પી  ને  જાણ કરવાની ગણતરીની મિનિટોમાં જ એક  પોલીસ ટીમ ત્યાં પહોંચી ટ્રકટર ની  તપાસ હાથ ધરી હતી. પરંતુ કોન્ટ્રાક્ટર પોલીસના ડરથી નાશી ગયો હતો . એ જાગૃત નાગરિક દ્વારા સંપૂર્ણ ઘટનાનો વીડિયો અને ફોટો લેવામાં આવ્યા હતા જે સમગ્ર માહિતી તેમને દીવ પોલીસને આપી હતી.

દીવ પોલીસ દ્વારા ગુજરાતના ભૂસ્તર વિભાગના અધિકારીને વીડીયો અને ફોટો સાથેના સબૂત સાથે સમગ્ર બનાવની જાણ કરી દેવામાં આવી છે. તેથી આવા ખનીજમાફિયાઓ વિરુદ્ધ આગળની કાનૂની કાર્યવાહી  તેમના દ્વારા હાથ  ધરવામાં આવશે.

નોંધનીય બાબત એ છે કે છેલ્લા ઘણા સમયથી દીવ ની આજુબાજુના વિસ્તારોમાંથી આવા અનેક ખનીજમાફિયા ચોરી કરાયેલી દરિયાઈ કે નદી ની રેતી ની સપ્લાય દીવ ની અંદર કરી રહ્યા છે. આ કોઈપણ ટ્રેક્ટરો ની રોયલ્ટી ભરાયેલી હોતી નથી, સંપૂર્ણ પણે ગેરકાયદેસર રીતે ચાલતો આ ધંધો ખૂબ જ ફૂલ્યો ફાલ્યો છે.  ફરિયાદો ઉઠયા બાદ તંત્ર દ્વારા પગલાં ભરાતા હોય બાદમાં મૂક પ્રેક્ષક બની જતાં હોવાથી આ દૂષણ અટકતું નથી અને આ ખનીજમાફિયાઓ બેફામ બની રહ્યા છે.

ખાસ કરીને ઊના તાલુકાના ઉમેજ ગામ,  પાતાપુર, અને સામતેર ગામ થી પસાર થતી નદીમાંથી ભૂમાફિયાઓ દ્વારા બેફામ રેતીનું ખનન કરવામાં આવી રહ્યું છે. ચોક્કસ તત્વો દ્વારા નિયમિત આ વિસ્તારમાંથી રેતીની ચોરી કરવામાં આવી રહી છે. આ વિસ્તારમાં ઘણા લાંબા સમયથી રેતીચોરી કરવામાં આવે છે છતાં તંત્ર આનાથી કેમ અજાણ છે? અને સંપૂર્ણ રીતે ગેરકાયદેસર આ ટ્રેક્ટરો દીવ ની અંદર કઈ રીતે પ્રવેશ મેળવી શકે છે એ પણ પ્રશ્ન બની ગયો છે. આ સંપૂર્ણ ઘટનાને લઇને  અનેક તર્ક-વિતર્કો થઇ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.