કર્મીઓની બેમુદ્દતી હડતાળ : પગાર વધારાની માંગ સાથે કર્મીઓએ સરકાર સામે મોરચો માંડ્યો
રાજકોટ જિલ્લાના મધ્યાહન ભોજન કેન્દ્રો આજથી બંધ થઈ જશે કારણ કે મધ્યાહન ભોજન કેન્દ્રોના કર્મીઓએ આજથી બેમુદ્દતી હડતાળની જાહેરાત કરી છે.પગાર વધારાની માંગ સાથે કર્મીઓએ સરકાર સામે મોરચો માંડ્યો છે.
રાજ્યમાં પગાર વધારાની માંગ સાથે વિવિધ સરકારી વિભાગના કર્મચારીઓ દ્વારા આંદોલન થઈ રહ્યા છે ત્યારે હવે સમાન કામ સમાન વેતન અને પગાર વધારાની માંગ સાથે મધ્યાહન ભોજન કેન્દ્રના કર્મચારીઓએ સરકાર સામે મોરચો માંડ્યો છે અને બેમુદ્દતી હડતાળનું એલાન કર્યું છે. જેથી આજ શનિવારથી રાજકોટ જિલ્લાના તમામ મધ્યાહન ભોજન કેન્દ્રો બંધ રહેશે.
રાજકોટ જિલ્લાના તમામ મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોના કર્મીઓ દ્વારા આજથી હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. જો પડતર માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. રાજકોટ જિલ્લા મધ્યાહન ભોજન યોજના કર્મચારી મંડળે જણાવ્યું હતું કે, મધ્યાહન ભોજન યોજના કેન્દ્રના કર્મચારીઓ દ્વારા છેલ્લા ઘણા સમયથી વેતનમાં વધારો તેમજ સમાન કામ સમાન વેતનની માંગ કરી રહ્યા છે. ભૂતકાળમાં આ અંગે રાજકોટ જિલ્લા મધ્યાહન ભોજન યોજના કર્મચારી મંડળ દ્વારા રાજ્ય સરકારને આવેદન, પ્રતિક ધરણા, રેલી, ઉપવાસ સહિતના કાર્યક્રમો કરીને સરકારને રજૂઆત કરવામાં આવી હતી.
પરંતુ સરકાર દ્વારા આ પ્રશ્નને મુદ્દે કોઈ નિરાકરણ નહીં લાવતા મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓમાં રોષ ફેલાયો છે ત્યારે આજથી રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓમાં આવેલા મધ્યાહન ભોજન યોજના કેન્દ્રોના કર્મીઓ દ્વારા બેમુદતી હડતાળનું એલાન કર્યું છે. તેમજ જ્યાં સુધી પ્રશ્નનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી કેન્દ્રો બંધ રાખશે તેમ કર્મચારી સંગઠનોએ જણાવ્યું હતું.