રાજકોટનું આજે મહત્તમ તાપમાન 42 ડિગ્રીએ પહોંચ્યું: ભારે ઉકળાટ
સૌરાષ્ટ્ર-કચ્છના અને દરિયાઈ વિસ્તારમાં હાલ સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાઈ રહ્યું છે. જેને લઈને વાતાવરણમાં પણ અસર જોવા મળી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી મહત્તમ તાપમાન 41 ડિગ્રી ઉપર જ જોવા મળી રહ્યું છે ત્યારે આજે રાજકોટમાં વહેલી સવારથી જ ભારે તડકો જોવા મળ્યો હતો. જો કે બપોરબાદ વાદળછાયુ વાતાવરણ તો હતુ પરંતુ ભારે ઉકળાટ પણ અનુભવાયો હતો. આગામી બે દિવસમાં પવનની ગતિ 30 થી 40 કિ.મી. પ્રતિ કલાકની થાય તેવી શકયતા છે.
ગઈકાલે બપોરના 2 વાગ્યા આસપાસ શહેરનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી જોવા મળ્યું હતું અને લોકોએ ગરમીની અનુભુતિ કરી હતી. આ ઉપરાંત હવે આગામી 2 દિવસ દરમિયાન 30 થી 40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને જૂનાગઢ અને અમરેલીમાં પણ છુટાછવાયા ગામોમાં હળવા ઝાપટા પણ પડી શકવાની આગાહી કરવામાં આવી છે. બીજીબાજુ શહેરનું ન્યુનત્તમ તાપમાન 26 ડિગ્રી નોંધાયું હતું અને હવામાન ભેજનું પ્રમાણ પણ સતત વધઘટ થઈ રહ્યું હતું. સવારના સમયે લગભગ 74 ટકા અને સાંજના સમયે 11 ટકા ભેજનું પ્રમાણ જોવા મળ્યું હતું. ત્યારે હવાની ગતિમાં પણ બદલાવ જોવા મળ્યો હતો. સવારના 15 કિ.મી. પ્રતિકલાક અને સાંજના 13 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે કે, સૌરાષ્ટ્ર-કચ્છમાં વાતાવરણ ડ્રાય રહેશે. બીજી તરફ ન્યુનતમ તાપમાન અને હવામાં ભેજનું પ્રમાણ વધતાં સાંજના સમયે ઠંડા પવનની પણ લોકોને અનુભુતિ થાય છે.આગામી 15મે બાદ ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવીટીનો પ્રારંભ થશે.