- છ માસથી વધુ જુના ઈ – મેમો ભરવાની જરૂર નથી: અધૂરી માહિતીના આધારે લોકો બે વર્ષ જૂના મેમા ભરવા પહોંચ્યા
- લોક અદાલતમાં કેસ ન થાય સમાધાન થાય: કિરીટ નકુમ-હિમાંશુુ પારેખ
રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમનને બદલે માત્ર દંડ વસૂલવાની જ કામગીરી હોય તેવું વધુ એક વખત ફલિત કર્યું છે. ગુજરાતમાં સૌથી વધુ ઇ-મેમો જનરેટ કરી કરોડો રૂપિયાનો દંડ વસૂલનાર આ પોલીસે ફરીથી મેમો નહીં ભરનાર વાહનચાલકોને દબાવવાનો પ્રયાસ કર્યો છે. ટ્રાફિક એસીપી મલ્હોત્રાએ મંગળવારે એક મેસેજ વહેતો કર્યો હતો જેમાં લખ્યું હતું કે, આગામી તા.26 જૂનના રોજ જિલ્લા કાનૂની સત્તા મંડળના રાજકોટ સહયોગથી ટ્રાફિક નિયમોના ભંગ અંગે રાજકોટ શહેર ખાતે સીસીટીવી કેમેરા મારફતે આપવામાં આવેલા ઇ-ચલણ ઘણા વાહનચાલકને ટ્રાફિક નિયમોના ભંગ અંગે આપવામાં આવ્યું હતું.
આ ઇ-ચલણ ભરતા ન હોય જેના અનુસંધાને ઇ-મેમો પેન્ડિંગ અંગે તા.26ના સવારે 10 વાગ્યાથી ટ્રાફિક કોર્ટ ખાતે લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. જે વાહનચાલકોના ઇ-મેમો પેન્ડિંગ હોય તેઓએ તા.25મી જૂન સુધીમાં પેન્ડિંગ ઇ-મેમો ભરી દેવા, જો પેન્ડિંગ ઇ-મેમો ભરપાઇ કરવામાં નહીં આવે તો લોકઅદાલતમાં કેસ દાખલ કરવામાં આવશે. રાજકોટ ટ્રાફિક શાખા દ્વારા અગાઉ વાહનચાલકોને અટકાવીને તેના જૂના મેમો બતાવી રીતસરની લૂંટ ચલાવવામાં આવતી હતી.
એસિપીના આવા મેસેજથી વાહનચાલકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો અને આજ સવારથી જ ટ્રાફિક શાખા ખાતે દંડ ભરવા માટે લોકોની લાંબી કતારો જોવા મળી હતી. અધૂરી બાબત લોકો સુધી પહોંચતા કોર્ટના કેસથી ડર રાખી લોકો આજ સવારથી જ ટ્રાફિક શાખાએ લાંબી કતારો જોવા મળી હતી.
આ સંદર્ભે એડવોકેટ કિરીટભાઇ નકુમે જણાવ્યું હતું કે, ટ્રાફિક પોલીસે અગાઉ ઇ-મેમોના નામે ઉઘરાણા શરૂ કર્યા હતા જેની સામે કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, ઇ-મેમો જનરેટ થયાના છ મહિનામાં વાહનચાલક દંડ ભરે નહીં તો પોલીસે તેની સામે એનસી કેસ દાખલ કરવાનો હોય અને તે કેસ બાબતે કોર્ટ કાર્યવાહી કરે, પરંતુ છ મહિના પૂર્વેના ઇ-ચલણનો દંડ વસૂલવો નહીં, જે બાબતનું પોલીસે ખોટું અર્થઘટન કરીને લોકોને ડરાવવાનો પ્રયાસ કર્યો છે, એટલું જ નહીં લોકઅદાલતનો અર્થ એ છેકે તેમાં કેસ પૂરો થાય, લોકઅદાલતમાં કેસ દાખલ થઇ શકે નહીં.કાયદાથી અજાણ લોકો પોલીસના મેસેજથી ફફડી દંડ ભરે જેની સામે હાઇકોર્ટે પણ રોક લગાવી હતી અને ઇ-મેમો જનરેટ થયાના છ મહિનામાં જો વાહનચાલક દંડ ભરપાઇ ન કરે તો છ મહિનામાં પોલીસ એનસી કેસ દાખલ કરે અને જૂના ઇ-મેમોના દંડ વસૂલવાનું બંધ કરવા આદેશ કર્યો હતો. ટ્રાફિક એસીપીએ લોકઅદાલતના મામલે પ્રસિદ્ધ કરેલા મેસેજમાં છ મહિનામાં જનરેટ થયેલા ઇ-મેમો માટે જ તા.25 સુધીમાં દંડ ભરપાઇ કરવો તેવું સ્પષ્ટ નહીં કરતાં વાહનચાલકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. જેના કારણે વાતથી અજાણ લોકો વર્ષો જુના ઈ – મેમો ભરવા માટે ટ્રાફિક શાખાએ પહોંચ્યા હતા.