શ્રીનાથજી સ્થિત રાબચા ગૌશાળાથી પ્રવાહિત 862 મી રામકથાના કથન અને શ્રવણ રૂપે નવમા સ્નાન પૂર્ણાહુતિ દિન પર બાપુએ કહ્યું કે જગતગુરુ આદિ શંકરાચાર્યના પદ્ય અમૃત વચનને કેન્દ્રમાં રાખીને સંવાદ કર્યો,આનો કોઈ અંત નથી પણ જેટલું કહેવાયું.અને ગુરુને સેવતા સેવતા મને એટલે કે તમારા મોરારિબાપુને જે કંઇ સમજમાં આવ્યું છે એ છે:ગુરુ સૌપ્રથમ સંદેશ આપે છે.પછી આશ્રિત ઉપદેશ ગ્રહણ કરવાનો અધિકારી બની જાય બુદ્ધ પુરુષ-સદગુરુ ઉપદેશ આપે છે અને ઉપદેશ ગ્રહણ કરવાની આપણી ક્ષમતા થઈ જાય ત્યારે ગુરુ આદેશ આપે છે.
સંદેશ બે રીતથી અપાય છે:પત્રથી અને ચરિત્રથી.કાંતો કોઈ સદગુરુ લખીને,સૂત્ર,સ્તોત્ર કંઈ પણ એ એક સંદેશ-મેસેજ છે,બીજું આપણા જેટલા પણ બુદ્ધ પુરુષ થયા,પોતાના ચરિત્રથી સંદેશ આપે છે.આ બંને સંદેશ આપવાની તલગાજરડી વ્યવસ્થા છે.જેમ કે વિશ્વવંદ્ય મહાત્મા ગાંધી બાપુએ ચરિત્રથી સંદેશ આપ્યો મારો જીવન જ મારો સંદેશ છે,આ જગજાહેર છે.પછી આ સંદેશના આપણે અધિકારી થઈ જઈએ,વ્યક્તિ,પરિવાર,સમાજ,વિશ્વ ત્યારે ઉપદેશ આપે છે કારણ કે ઉપદેશ દરેકને માટે નથી. માનસનો સંદેશ બધાને દઈ શકાય છે પણ ઉપદેશ ક્રોધીને,લોભીને ન અપાય.મહાદેવ શંકર કહે છે કે ઉપદેશ બધાને ન આપવો.આપણી પાનબાઈ પણ કહે છે કુપાત્રની આગળ ઉપદેશ ન આપવો,સમજીને ચૂપ રહેવું.
આવતી 24 તારીખે ગુરુ પૂર્ણિમા આવી રહી છે.મોસમ પણ ભીની,દિલ પણ ભીનું,આંખો પણ ભીની છે.આવા ગુરુના ચરણમાં આપણું મન ન લાગે તો?તત: કિમ્? ગુરુગીતામા મંત્ર છે:જ્ઞાનહીનૌ ગુરુસ્ત્યાગો-જે જ્ઞાની નથી એવા ગુરુનો ત્યાગ કરો.પૂરી સ્વતંત્રતા આપી છે બંધન નથી.આટલું સ્વાતંત્ર્ય વિશ્વની કોઇ છાત્ર-શિક્ષક પરંપરામાં નથી.ગીતાજી ક્યારેક ત્રણ ભાગમાં દેખાય:સંદેશ,ઉપદેશ અને આદેશ.ક્યારેક જ્ઞાન,ભક્તિ અને કર્મ એ ત્રણ ભાગમાં.ગુરુનું મૌન બધું જ આપે છે:સંદેશ,ઉપદેશ અને આદેશ.
બાપુએ કહ્યું કે ગુરુપૂર્ણિમા માટે અન્ય કોઈ વાત કરવાનો સમય નથી,આ કથા જ ગુરુપૂર્ણિમાનો પ્રસાદ માની લેજો.ઘણા વર્ષોથી તલગાજરડામાં ગુરૂપૂર્ણિમાનો ઉત્સવ નથી કરતા.હું તો ગુરુની પાદુકાનું પૂજન કરું છું,પણ મારા મનને અનુકૂળ ન આવવાથી બંધ કરાવ્યું,એટલે વિનયપૂર્વક સુચના આપું છું કે કોઈ ઉત્સવ નથી,કહેવું ઠીક પણ નથી લાગતું,દિલ પર પીડા થાય છે છતાં પણ કહું છું કે કૃપા કરી તલગાજરડા આ કપરાકાળમાં ન આવતા ઘણાને લાગે કે આ સૂચના અમારા માટે નથી અમે ક્લોઝ છીએ,કોઈ ક્લોઝ નથી!તલગાજરડામાં ગુરુપૂર્ણિમાને દિવસે પણ રૂટિન હશે,રોજની જેમ જ વિશેષ કંઈ નહીં હોય.એટલે વિવેક કરું છું.
મદન ભૈયા અને પાલીવાલ પરિવારનું દિવ્ય સત્કર્મ જે ગુરુઓ થઈ ગયા,હાલમાં છે અને જે થશે એ તમામના ચરણોમાં શ્રીનાથજીની સાક્ષીમાં અને ગૌ માતાઓની હાજરીમાં સુફળ સમર્પિત કરી અને આજની કથાને વિરામ અપાયો.