બીજેપીએ સોમવારે રાફેલ વિમાન સોદામાં ભ્રષ્ટાચારના આરોપોને સંપૂર્ણ પાયાવિહોણા ગણાવ્યા છે. તે સમયે જ પક્ષે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે પણ આ મામલાની તપાસની માંગને ફગાવી દીધી હતી અને નિયંત્રક અને ઓડિટર જનરલ(કેગ)ને તેમાં કંઈપણ ખોટું નથી લાગ્યું.

જ્યારે રાફેલ વિમાન ખરીદીમાં કોંગ્રેસના ભ્રષ્ટાચારના આરોપો વિશે પૂછવામાં આવ્યું ત્યારે કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, વિપક્ષી પાર્ટીએ તેને 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ મોટો મુદ્દો બનાવ્યો હતો, પરંતુ તેને ભારે હારનો સામનો કરવો પડ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભ્રષ્ટાચારના આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા છે.  તેમણે દાવો કર્યો હતો કે, ફ્રેન્ચ મીડિયાએ જે અહેવાલ આપ્યો છે કે, ખરીદીમાં આર્થિક ગેરરીતિઓ થઈ છે તે દેશમાં ’વ્યાપારી હરીફાઈ’ના કારણે હોઈ શકે છે.

તેમણે ધ્યાન દોર્યું હતું કે, અગાઉ કોંગ્રેસે આ મામલો ઉઠાવ્યો હતો અને સુપ્રીમ કોર્ટમાં પણ તેનો પરાજય થયો હતો.  કેગની તપાસમાં પણ કંઇ ખોટું સામે આવ્યું નથી.

નોંધનીય છે કે, કોંગ્રેસે સોમવારે આ મામલાની સંપૂર્ણ તપાસની માંગ કરી હતી અને ફ્રેન્ચ મીડિયામાં પ્રકાશિત થયેલા સમાચારોને ટાંકીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જવાબ માંગ્યો હતો.  ફ્રેન્ચ મીડિયાના એક સમાચારે દાવો કર્યો છે કે, વિમાન ઉત્પાદકે આ સોદા માટે દલાલને 1.1 મિલિયન યુરો ચૂકવ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.