- ગુજરાતમાં ઉત્તરીય પવનો ફૂંકાતા તાપમાનમાં ઘટાડો નોંધાશે અને ઠંડી વધશે: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં બે ડિગ્રી જેટલો ઘટાડો નોંધાઈ શકે
ગુજરાતમાં હાલ ધીરે ધીરે શિયાળો જામી રહ્યો છે. સવારે અને રાતે તો ઠંડી લાગે છે પરંતુ હવે બપોરના સમયમાં પણ તાપમાન પહેલા કરતા નીચું જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે અને ઠંડીમાં વધારો થઈ શકે છે. તો બીજી બાજુ દેશની વાત કરીએ તો, ચોમાસું ગયા બાદ ફરીથી વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, બંગાળની ખાડીમાં રહેલી સિસ્ટમ વાવાઝોડું બનશે. જેનું નામ ’‘ફેંગલ” હશે. જેની સૌથી વધારે અસર દક્ષિણ ભારતનાં રાજ્યોને થવાની શક્યતા છે.અમદાવાદના હવામાન વિભાગે ગુજરાતના વાતાવરણ અંગેની આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, આગામી બેથી ત્રણ દિવસ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નથી. કેટલાક વિસ્તારોમાં એકથી બે ડિગ્રી તાપમાન વધતું જોવા મળી શકે છે. બે દિવસ બાદ ઉત્તરના પવનોની અસર રહેવાની શક્યતા છે. જેના કારણે એકથી બે ડિગ્રી તાપમાન નીચું આવી શકે છે.ગુજરાતમાં હાલ પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, બે-ત્રણ દિવસ બાદ ગુજરાતમાં ઉત્તરના પવનો ફૂંકાશે. ગુજરાતમાં ઉત્તરીય પવનો ફૂંકાતા તાપમાનમાં ઘટાડો નોંધાશે અને ઠંડી વધશે. રાજ્યના કેટલાક વિસ્તારમાં બે દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં બે ડિગ્રી જેટલો ઘટાડો નોંધાઈ શકે છે.આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. રાજ્યમાં બુધવારે વડોદરા સૌથી ઠંડુ શહેર તરીકે નોંધાયું છે.
વડોદરાનું લઘુતમ તાપમાન 13.6 ડિગ્રી નોંધાયું હતું. રાજ્યમાં મોટા ભાગના સ્થળે 15 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે. આ સાથે અમદાવાદમાં 16.1 ડિગ્રી, ગાંધીનગરમાં 15.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.ચોમાસા બાદ બંગાળની ખાડીમાં ’‘ફેંગલ” વાવાઝોડું સર્જાયું છે. આ પહેલાં ઓક્ટોબર મહિનામાં ’‘દાના” નામનું વાવાઝોડું બન્યું હતું. જે ઓડિશાના દરિયાકિનારે ટકરાયું હતું. હાલ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાંથી ’‘ફેંગલ” નામનું વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને તેની સૌથી વધારે અસર દક્ષિણ ભારતનાં રાજ્યોને થવાની શક્યતા હાલ દેખાઈ રહી છે.
મળતી માહિતી પ્રમાણે, શ્રીલંકા પાસેથી થઈને આ સિસ્ટમ તામિલનાડુના દરિયાકિનારા પાસે પહોંચશે. જેના કારણે અહીં ભારેથી અતિભારે વરસાદ પડશે અને ખૂબ ઝડપી પવન ફૂંકાય તેવી શક્યતા છે. જોકે, તેની કોઈ અસર ગુજરાત પર થાય તેવી હાલ કોઈ શક્યતા નથી.
પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં લઘુતમ તાપમાન 20 અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહેવાની શક્યતા રહે. રાજ્યના ઘણા ભાગોમાં 28 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં વાદળોના કારણે ઠંડી ઓછી અનુભવાય તેવી આગાહી કરી છે. ગુજરાતના ભાગોમાં ડિસેમ્બરની શરુઆતમાં ઠંડા પવનો ફૂંકાશે, જેના કારણે 22 ડિસેમ્બર બાદ ઠંડીનું પ્રમાણ વધી શકે છે.