સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયભરમા ઠંડીનું જોર વધ્યું છે. જમ્મુ-કાશ્મીર સહિત ઉતર ભારતના પહાડી રાજયોમાં પડી રહેલી બરફ વર્ષાના કારણે રાજયમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. કચ્છનું નલીયા આજે 6 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે કાતીલ ઠંડીથી થરથર ધ્રુજી ઉઠ્યું હતુ. રાજકોટમાં આજે પારો ચાર ડિગ્રી સુધી નીચો પટકાયો હતો. આગામી દિવસોમાં હજી ઠંડીનું જોર વધે તેવી પ્રબળ સંભાવના જણાઈ રહી છે. આજે સવારે રાજકોટવાસીઓ પણ કાતીલ ઠંડીથી ધ્રુજી ઉઠયા હતા શિયાળાની સીઝનમાં પ્રથમવાર નલીયાનું તાપમાન સૌથી નીચુ 6 ડિગ્રી નોંધાયું છે.
હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર આજે કચ્છના નલીયાનું લઘુતમ તાપમાન 6 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતુ. સતત પાંચમાં દિવસે નલીયામાં લઘુતમ તાપમાનનો પારો સીંગલ ડીઝીટમાં રહેતા લોકો ગાત્રો થીજાવતી ઠંડીથી થરથર ધ્રુજી રહ્યા છે. ગઈકાલે નલીયામાં 8.8 ડિગ્રી લઘુતમ તાપમાન રહેવા પામ્યું હતુ આજે પારો 2.8 ડિગ્રી સુધી નીચો પટકાયો હતો. અને સીઝનનું લોએસ્ટ તાપમાન નોંધાયું હતુ.
આ ઉપરાંત રાજકોટનું લઘુતમ તાપમાન આજે 13.7 ડિગ્રીનોંધાયું હતુ ગઈકાલની શહેરનું લઘુતમ તાપમાન 16.7 ડીગ્રી સેલ્સીયસ રહેવા પામ્યું હતુ. આજે લઘુતમ તાપમાનનો પારો 3 ડિગ્રી સુધી નીચો પટકાયો હતા.જેના કારણે શહેરીજનોએ કાતીલ ઠંડીનો અનુભવ કર્યો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 59 ટકા અને પવનની સરેરાશ ઝડપ 5 કિ.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી.
ડિસા પણ આજે 11.8 ડિગ્રી સાથે રીતસર ધ્રુજી ઉંઠ્યું હતુ. અમદાવાદનું લઘુતમ તાપમાન 13.4 ડિગ્રી, ભાવનગરનું 16.3 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 14.5 ડિગ્રી, દિવનું 15.3 ડિગ્રી, મહુવાનું 14.1 ડિગ્રી, કેશોદનું 13.6 ડિગ્રી, અમરેલીનું 14.6 ડિગ્રી, દ્વારકા 17.6 ડિગ્રી ઓખાનું 21.8 ડિગ્રી, વેરાવળનું 18.1 ડિગ્રી અને પોરબંદરનું લઘુતમ તાપમાન 16 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતુ આગામી દિવસોમાં ઠંડીનું જોર હજી વધશે તેવી શકયતા રહેલી છે.