શું ગુજરાત, કોંગ્રેસ માટે અભિશાપ?
મોદીમોદી–શાહના ગૃહ રાજયમાં છ દાયકા બાદ સીડબલ્યુસીની બેઠક અને જન સંકલ્પ રેલી દ્વારા ભાજપ સામે પડકાર ઉભો કરવાના કોંગ્રેસના મનસુબા પર પાણી: સુરક્ષાની દ્રષ્ટીને ધ્યાનમાં આજના તમામ કાર્યક્રમો રદ કરાયા
એક સમયે કોંગ્રેસ પાર્ટી માટે વિજયના પ્રવેશદ્વાર સમાન ગણાતુ ગુજરાત છેલ્લા થોડા દાયકાથી અભિશાપ‚પ સાબિત થઈ રહ્યું છે. જે કોંગ્રેસના વડાએ ગુજરાતથી તેમના ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો તેનો વિજય થયા હોય તેને શુકન સમાન માની રાહુલે તેનો ચૂંટણી પ્રચારનો વલસાડથી પ્રારંભ કર્યો હતો.
જે બાદ મોદી શાહના ગૃહરાજયમાં તેમને સીધો પડકાર ફેંકવા કોંગ્રેસના તમામ નીતિવિષયક નિર્ણયો લેવી વર્કીંગ કમિટીની બેઠક અને જન સંકલ્પ રેલી આજે અમદાવાદમાં યોજવાનું નકકી કરાયું હતુ પરંતુ, ભારત-પાકિસ્તાન વચ્ચે સ્ફોટક સ્થિતિને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે આ બેઠક અને રેલી રદ કરવાનો નિર્ણય કર્યો છે. જેથી કોંગ્રેસને પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ ઉભો થવા પામ્યો છે.
ભારત-પાક સરહદે ઉભી થયેલી સ્ફોટક સ્થિતિના પડઘા સામાજીક ક્ષેત્ર ઉપરાંત રાજકીય ક્ષેત્રે પણ શરૂ થયા હોય તેમ કોંગ્રેસે ગુજરાતનો કાર્યક્રમ મુલત્વી રાખવાની જાહેરાત કરી છે. ગુજરાતમાં કોગ્રેસ દ્વારા યોજવામાં આવનારી જન સંકલ્પ રેલીના સંબોધન માટે રાહુલ ગાંધી સહિતના નેતાઓ ગુજરાત આવવાના હતા તે મુલત્વી રાખવાની જાહેરાત કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કરી છે.લગભગ છ દાયકા બાદ ગુજરાતમાં કોંગ્રેસ વર્કીંગ કમીટીની બેઠકમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસીંગ, પ્રિયંકા ગાંધી સોનિયા ગાંધી સહિતના પાર્ટીના ટોચના નેતાઓ ગુજરાત આવવાના હતા.
કોંગ્રેસ પ્રવકતારણજીત સુરજેવાલે ટવીટર પર પોસ્ટ કરીજાહેર કર્યુંહતુ કે સરહદ પર વર્તમાન તનાવની સ્થિતિ પર કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ નિર્ણય લીધો હતો કે ગુજરાતની જન સંકલ્પ રેલી મુલત્વી રાખવામાં આવી છે. કોંગ્રેસના નેતાઓ અડાલજમાં ત્રિમંદિરમાં સભા સંબોધવાના હતા તે પણ રદ કરવામાં આવી છે.સરહદ પર પ્રવર્તી સ્થિતિ અને ભારત-પાક વચ્ચે તનાવના પગલે રાહુલ ગાંધીએ આ નિર્ણય લીધો હતો. ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતુ.
લોકસભાની ચૂંટણીમાં ભાજપ સામે અને ખાસ કરીને નરેન્દ્ર મોદીના લોક જુવાળને પહોચી વળવા કોંગ્રેસ સતત રણનીતિ બદલતી રહી છે. પાર્ટીને સ્ટાર પ્રચારકોની ખોટ ન પડે અને નરેન્દ્ર મોદી સામે કરિશ્માઈ વ્યકિતત્વનો વિકલ્પ મળી રહે તે માટે છેલ્લી ઘડીએ કોંગ્રેસમાં ઈન્દિરા ગાંધી જેવી આકર્ષક વ્યકિતત્વ ધરાવતા પ્રિયંકા ગાંધીને મહાસચિવ તરીકે સામેલ કરી સક્રિય રાજકારણમાં હલચલ મચાવી દીધી છે.ઉત્તર પ્રદેશની ચૂંટણીઓનો પ્રારંભીક તૈયારીઓને હવાલો પ્રિયંકાને સોંપવામાં આવ્યો છે. કોંગ્રેસ માટે યુ.પી. મધ્યપ્રદેશની જેમ ગુજરાતની ૨૬ સે ૨૬ લોકસભાની બેઠકો પર પક્ષનો દાવો જમાવવો ખૂબજ જરૂરી બન્યો છે.
ભાજપ માટે ગુજરાત દિલ્હીની ગાદી સર કરવાનું પગથીયું સાબીત થયું હતુ તેવી જ રીતે કોંગ્રેસ પણ ગુજરાતને રાજકીય રીતે ખૂબજ મહત્વ આપી રહ્યું છે. આ અનુસંધાને અડાલજના ત્રિમંદિર ખાતે જનસંકલ્પ યાત્રામાં રાહુલે પ્રિયંકા, સોનિયા ગાંધી અને મનમોહનસીંગની સભા અને મુલાકાતના કાર્યક્રમને મહત્વ આપ્યું હતુ પરંતુ એકાએક ભારત પાક વચ્ચે ઉભી થયેલી યુધ્ધ જેવી સ્થિતિમાં કોંગ્રેસના નેતાઓની મુલાકાત મુલત્વી રાખવામાં આવી છે. રાજકીય રીતે જોવા જઈએ એતો અત્યારે દેશભરનાં જન માનસ પર મોદી છવાઈ ગયા છે.