વર્ષ ૨૦૧૯માં મીડિયા એન્ડ એન્ટરટેન્મેન્ટ ક્ષેત્રમાં જાહેરાતમાં ૫.૩ ટકાનો જોવા મળ્યો વધારો
વર્ષ ૨૦૧૯ અનેકવિધ ક્ષેત્ર માટે અત્યંત નબળુ પુરવાર થાય છે અને કયાંકને કયાંક તે વર્ષ મંદીનાં માહોલમાં પણ જોવા મળ્યું હતું પરંતુ વર્ષ ૨૦૧૯માં એકમાત્ર એવું ક્ષેત્ર કે જેને ૯ ટકાનો ગ્રોથ મેળવ્યો હોય તો તે મીડિયા ક્ષેત્ર છે. સર્વે કરવામાં આવતા ભારતીય મીડિયા ક્ષેત્રમાં ૯ ટકાનો ગ્રોથ જોવા મળ્યો હતો જેમાં ૧.૮૨ લાખ કરોડ રૂપિયા મીડિયા ક્ષેત્રને મળ્યા હતા. વર્ષ ૨૦૧૯નાં બીજા કવાર્ટરમાં અર્થતંત્ર નબળુ પડતા અનેકવિધ ક્ષેત્રને તેની અસર પહોંચી હતી પરંતુ મીડિયા અને એન્ટરટેન્મેન્ટ ક્ષેત્રમાં જાહેરાતનું પ્રમાણ ૫.૩ ટકા જેટલું વઘ્યું હતું. સર્વેમાં એ વાતની પણ સ્પષ્ટતા થઈ છે કે, જુલાઈ ૨૦૧૯થી જે જાહેરાતનું પ્રમાણ વધવું જોઈએ તેમાં આશંકિત ઘટાડો પણ નોંધાયો હતો. તે સમયગાળા દરમિયાન તહેવારોમાં પણ મંદીનો માહોલ નજરે પડયો હતો પરંતુ સાર્વત્રિક રીતે અન્ય ક્ષેત્રોની સરખામણીમાં મીડિયાએ મેદાન માર્યું હતું.
ટેલિવિઝન ક્ષેત્રે ૬.૩૫ ટકાનો વધારો, ફિલ્મ એન્ટરટેન્મેન્ટ ક્ષેત્રે ૯.૧૪ ટકાનો વધારો, આઉટ ઓફ હોમ મીડિયા ક્ષેત્રે ૫.૪૧ ટકાનો વધારો, મ્યુઝીકમાં ૭.૧૪ ટકાનો વધારો નોંધાયો હતો ત્યારે મંદીનાં માહોલમાં મીડિયા અને એન્ટરટેન્મેન્ટે કુલ ૪૧ ટકાના વધારા સાથે ટોચ ઉપર રહ્યું હતું. જયારે ગત વર્ષ એટલે કે વર્ષ ૨૦૧૯માં ઓનલાઈન ગેમરોની સંખ્યા ૩૧ ટકાએ પહોંચી હતી. આંકડાકિય માહિતી મુજબ એક માત્ર પ્રિન્ટ અને રેડીયો આ બે જ ક્ષેત્રની રેવન્યુમાં સહેજ ઘટાડો નોંધાયો હતો. વર્ષ ૨૦૧૯ની વાત કરવામાં આવે તો છાપા વાંચનારાઓની સંખ્યામાં પણ ઘટાડો થતા રેવન્યુ ૩ ટકા ઓછી જોવા મળી હતી અને જાહેરાતમાંથી ઉદભવિત થતી આવકમાં પણ ૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જયારે બીજી તરફ છાપાના સબસ્ક્રીપ્શનમાં ૨ ટકાનો વધારો જોવા મળતા એ વાતની સ્પષ્ટતા થઈ રહી છે કે, અન્ય ક્ષેત્રોની સરખામણીમાં મીડિયાએ અનેકવિધ રીતે વિકાસ પામ્યો હતો.
રીપોર્ટના આધારે એ વાતની પણ સ્પષ્ટતા થઈ રહી છે કે, રેડિયોની આવકમાં ૭.૫ ટકાનો ઘટાડો નોંધાયો છે. જયારે રેડીયોને મળતી જાહેરાતની સરખામણીમાં ઓનલાઈન જાહેરાતોએ રેવન્યુમાં અનેકગણો વધારો કર્યો હતો અને માર્કેટ શેરને પણ વધાર્યું હતું. વર્ષ ૨૦૧૯માં ડિજિટલ સબસ્ક્રીપ્શન ૧૦૦ ટકાના ગ્રોથ ઉપર રહ્યું હતું જેમાં લોકોએ મુખ્યત્વે કવોલીટી વિડીયો અને રમત-ગમતનાં વિડીયો માટે ડેટા પેક પણ રીચાર્જ કરાવ્યા હતા. ગત વર્ષમાં મીડિયા અને એન્ટરટેન્મેન્ટ ક્ષેત્રની જે સ્થિતિ જોવા મળી હતી તેને લઈ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, વર્ષ ૨૦૨૧માં આ ક્ષેત્ર રૂા.૨ ટ્રિલીયન સુધી પહોંચશે પરંતુ હાલ જે રીતે વિશ્ર્વભરમાં કોરોનાનો કહેર વ્યાપક રીતે વ્યાપી ઉઠયો છે તેને લઈ જાહેરાતની આવકમાં ઘણાખરા અંશે ઘટાડો નોંધાયો છે પરંતુ આવતું વર્ષ મીડિયા અને એન્ટરટેન્મેન્ટ ક્ષેત્ર સાથે અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે.