રાઈડનું ગુંચવાયેલું કોકડું ઉકેલવા તંત્ર આકરા પાણીએ
તંત્ર બીજા રાજ્યના ધંધાર્થીઓના સંપર્કમાં: ભાવ તો નહીં જ વધારવતા તંત્ર મક્કમ: એક દિવસનો વધારો આપવામાં આવે તેવી શકયતા
રાજકોટના લોકમેળામાં યાંત્રિક રાઈડનું કોકડું હજુ ગુંચવાયેલું છે. હવે તંત્રએ આ કોકડું ઉકેલવા કાલે ફરી હરાજી ગોઠવી છે. આ હરાજીમાં જે ભાગ નહિ લ્યે તેની ડિપોઝીટ જપ્ત કરી લેવાશે. બીજી તરફ તંત્ર હાલ બીજા રાજ્યના ધંધાર્થીઓના સંપર્કમાં હોવાનું પણ ખૂદ જિલ્લા કલેકટરે જણાવ્યું છે. હાલની સ્થિતિ જોતા એવી શક્યતા દર્શાઈ રહી છે કે તંત્ર રાઈડ સંચાલકોની માંગ પ્રમાણે એક દિવસનો સમય વધારો આપી શકે છે પણ ભાવમાં વધારો ન આપવા તંત્ર મક્કમ છે.
રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી તા.5 થી 9 સપ્ટેમ્બર સુધી રસરંગ લોક મેળો યોજાવાનો છે. આ મેળા માટે વિવિધ કેટેગરીના સ્ટોલ અને પ્લોટની હરાજી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ એકમાત્ર યાંત્રિક રાઇડના 44 પ્લોટની હરાજીનું કોકડું હરાજીના દિવસથી જ ગૂંચવાયેલી હાલતમાં છે. જે હાલ સુધી યથાવત રહ્યું છે. તંત્ર દ્વારા બે થી ત્રણ વખત આ મામલે બેઠક યોજાઈ ઘીના ઠામમાં ઘી પાડવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ યાંત્રિક રાઈડ સંચાલકો આ મામલે તંત્રને દાદ ન દઈ તંત્રને દબાવવાના પ્રયાસો કરી રહ્યા છે.
હરાજીના દિવસે સાઈડ સંચાલકોએ ઉપસ્થિત રહી પોતાની માંગણીઓનું લીસ્ટ આપી આ માંગણી પૂરી થશે તો જ હરાજીમાં ભાગ લેશે તેવું સ્પષ્ટપણે જણાવીને હરાજીનો બહિષ્કાર કરી દીધો હતો. ત્યારબાદથી તંત્ર તેની પાછળ લાગ્યું છે પણ રાઈડ સંચાલકો તંત્રને દાદ દેવાની પણ તસ્દી લેતા નથી. રાઈડ સંચાલકોએ માંગણી કરી છે કે રાઈડની ટિકિટના દર રૂપિયા 40 થી વધારીને 50 કરી આપવામાં આવે. ઉપરાંત તારીખ 6 ના રોજ રવિવાર હોય તે દિવસે પણ મેળો ચાલુ રાખી મેળાના કુલ દિવસો પાંચની બદલે છ કરી આપવામાં આવે. આ ઉપરાંત રાત્રિના 12:00 વાગ્યા સુધી મેળો ચાલુ રાખવાની છૂટ આપવામાં આવે. બીજી તરફ પાથરણાવાળા જે હેરાનગતિ કરે છે તેને મેળામાં પ્રવેશ આપવામાં ન આવે. આમ આ માંગણીઓ મૂકીને રાઈડ સંચાલકો હરાજીથી દુર રહ્યા છે.
જિલ્લા કલેક્ટર પ્રભાવ જોશી એ જણાવ્યું કે મેળાને વધુ આકર્ષક બનાવવા માટે રાઈડ જરૂરી હોય રાઈડ સંચાલકો સાથે બેઠક કરી વચ્ચેનો રસ્તો કાઢવામાં આવશે. આ ઉપરાંત તેઓએ એમ પણ સ્પષ્ટ કહ્યું કે બીજા રાજ્યના રાઇડના ધંધાર્થીઓ સાથે પણ તંત્ર સંપર્કમાં છે. જિલ્લા કલેકટરની આ વાત ઉપરથી એવું જણાઈ આવે છે કે જો સ્થાનિક રાઈડ સંચાલકો સમાધાનકારી વલણ નહીં અપનાવે તો તંત્ર બહારના રાજ્યના ધંધાર્થીઓને મેળામાં ભાગ લેવા માટે બોલાવશે. આ ઉપરાંત હાલની પરિસ્થિતિ પ્રમાણે એવું પણ જણાઈ રહ્યું છે કે તંત્ર મેળાને પાંચ દિવસની બદલે છ દિવસનો કરી આપે. આ ઉપરાંત પાથરણા વાળાનો જે પ્રશ્ન છે તે પણ તંત્ર દૂર કરી આપશે. બીજી તરફ ભાવ વધારો અને રાત્રીનો સમય વધારો તંત્ર કોઈ પણ રીતે આપશે નહિ તેવું જાણવા મળી રહ્યું છે.
લોકમેળા અમલીકરણ સમિતિ તરફથી નાયબ કલેકટર રાજકોટ શહેર-1 કે.જી.ચૌધરીએ જણાવ્યું છે કે “રસરંગ લોકમેળા” માં કેટેગરી ઈ, એફ, જી-1 અને જી-2 યાંત્રિક પ્લોટની જાહેર હરરાજી આવતી કાલે 18 ઓગસ્ટે બપોરે 3.00 વાગ્યે, મીટીંગ હોલ, પ્રથમ માળ, નાયબ કલેકટર રાજકોટ શહેર-1 ની કચેરી, જૂની કલેકટર કચેરી કમ્પાઉન્ડ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે. જેની સર્વે અરજદાર માગણીદાર તેમજ હિત સંબંધ ધરાવનારાઓએ નોંધ લેવાની રહેશે. જે અરજદારો કે માગણીદારોએ હરરાજીમાં ભાગ લેવા માટે ડીપોઝિટની રકમ જમા કરાવી હશે, તેઓ આ હરરાજીમાં ભાગ નહીં લે તો તેઓની ડીપોઝિટની રકમ જપ્ત કરવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેમજ લોકમેળાના ફોર્મની શરત નંબર-8 ની જોગવાઈઓ મુજબ ખાસ કિસ્સામાં હરરાજી કર્યા વગર પ્લોટનો નિકાલ કરવામાં આવશે, જેની સંબંધિત સર્વેને નોંધ લેવાની રહેશે.