રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ નમ્રમુનિ મ.સા.ના સાંનિધ્યે બે આત્માઓની દીક્ષા આજ્ઞા સંપન્ન
અબતક, રાજકોટ
સંસારની ક્ષણભંગુરતા અને આત્મસત્યની શાશ્ર્વવતા અનુભવીને શાશ્ર્વવતની દિશામાં, રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના ચરણ શરણમાં આગામી 20 ફેબ્રુઆરી, 2022ના જ્યારે સાત મુમુક્ષુ આત્માઓ સંયમ ગ્રહણ કરવા તત્પર બન્યાં છ ત્યારે તેમની સાથે વધુ બે આત્માઓને પ્રભુ પંથે પ્રયાણ કરવાની અનુમતિ આપતો દીક્ષા આજ્ઞા અર્પણ વિધિનો ઉજવાએલો અવસર સહુના હૃદયમાં ત્યાગ ધર્મનો જયકાર ગુંજાવી ગયો હતો.
જામનગરના વતની હાલ ઘાટકોપર નિવાસી રત્નકુક્ષિણી માતા દર્શનાબેન કલ્પેશભાઈ દડિયાના પુત્રી મુમુક્ષુ રીયાબેન તેમજ કચ્છના વતની હાલ ડોંબિવલી નિવાસી રત્નકુક્ષિણી માતા ઈમ્પલબેન મહેશભાઈ પનપારિયાના પુત્રી મુમુક્ષુ પાયલબેનના ભવ્ય ભાવિનું સર્જન કરતાં આ અવસરમાં દેશના ખૂણે ખૂણેથી તેમજ વિદેશના હજારો ભાવિકોએ પ્રત્યક્ષ અને લાઈવના માધ્યમને જોડાઈને ભાવભીની અનુમોદના કરી હતી.મુમુક્ષુ આત્માઓના અહોભાવભીના પ્રવેશ વધામણા અને પરમ ગુરૂદેવના બ્રહ્મનાદે પ્રગટતાં ઉવસગ્ગહંર સ્તોત્રના નાદ સાથે જ આ અવસરે અંતરદ્રષ્ટિ ઉજાગર કરતાં વચનો ફરમાવીને પરમ ગુરૂદેવે સમજાવ્યું હતું કે, સ્વાર્થ જ્યારે છૂટે છે ત્યારે સંયમનું સર્જન થતું હોય છે. સ્વપ્નાઓ દેખાડે પણ કદી પૂરા ન થવા દે એવા આ અસાર સંસારની વ્યર્થતા સમજાય તે મુમુક્ષુ હોય છે.
પરમ ગુરૂદેવના આ વચનોને સાથે જ જાણે મુમુક્ષુ દીકરીઓના અનંત કલ્યાણના અમિટ દસ્તાવેજ સ્વરૂપ દીક્ષા આજ્ઞા પત્ર પર જે ક્ષણે માતા પિતાએ કેસર છાંટણે ભાવભીના હ્રદયે દીક્ષા મંજૂરીના હસ્તાક્ષર કર્યા અને અત્યંત અહોભાવપૂર્વક માતા-પિતા દ્વારા પરમ ગુરૂદેવના ચરણ શરણમાં અર્પણ કરવામાં આવેલા દીક્ષા આજ્ઞા પત્રના અનન્ય દ્રશ્યો સહુની આંખના ખૂણા અહોભાવથી ભીંજવી ગયા.ઘાટકોપર પારસધામના ભાવિકોના હસ્તે મુમુક્ષુ આત્માઓને રજત શ્રીફળ અર્પણ કરતાં વંદનીય દ્રશ્યોના સર્જન સાથે નવ-નવ આત્માઓનો ભાગવતી જૈન દીક્ષા મહોત્સવ આગામી 20 ફેબ્રુઆરી 2022ના મુંબઈ ઘાટકોપરની ધન્ય ધરા પર સમસ્ત ઘાટકોપર સ્થાનકવાસી જૈન સંઘો દ્વારા આયોજિત પારસધામ સ્થાનકવાસી જૈન સંઘના આંગણે ઉદઘોષિત કરવામાં આવતાં સર્વત્ર હર્ષનાદ છવાયો હતો.