વડોદરામાં આત્મીય યુવા મહોત્સવની ભવ્ય-દિવ્ય ઉજવણી
હ્રદયમાં શાંતિ કરવી હોય, ખરેખર સુખી થવું હોય તો ભગવાન સ્વામિનારાયણનાં અને આપણા પ્રાણાધાર હરિપ્રસાદ સ્વામીજીનાં અનુપમ જીવનમાં ડૂબવું પડશે. ભગવાનના સંબંધવાળા પાસે આપણે કાંઇ નથી એવું માનીને જીવવું પડશે. દાસત્વની યાત્રા પર ચાલવું પડશે. કોઈનો સ્વભાવ જોવો નથી. કોઈનો અભાવ લેવો નથી. સ્વામીજી સહુનો મહિમા સમજતા એવો મહિમા આપણે સમજવો પડશે. ભગવાનનો નિશ્ચય ભગવાન થકી થાય. સ્વામીજી જે પરાવાણી બોલીને ગયા છે એ આપણાં જીવનમાં સાકાર થવાની છે. જે સાકાર થાય એવું જ હંમેશા બોલ્યા છે. એવી વાત પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામીજી મહારાજે કરી હતી. તેઓશ્રી બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજના 89 મા પ્રાગટ્ય પર્વ નિમિત્તે ઉજવાયેલ આત્મીય યુવા મહોત્સવમાં આશીર્વચન આપી રહ્યા હતા.
પ્રેમસ્વરૂપ સ્વામીજી મહારાજે કહ્યું હતું કે, હરિપ્રસાદ સ્વામીજી મહારાજ કહેતા તેમ આપણે નિર્વિચાર અને નિર્વિક્લ્પપણે ત્રીસ મિનિટ ભજન કરતાં થવું છે. એ વચનમાં વિશ્વાસ રાખીને ભજન શરૂ કરવું છે. સ્વામીજીની સ્મૃતિએ સહિત ભજન કરવું છે. ભગવાન શ્રી સ્વામિનારાયણનાં લીલાચરિત્રો અને ભગવાનના ધારક સત્પુરુષની વાણીમાં વિશ્વાસ રાખીને આગળ વધવું છે. ભગવાનની કૃપામાં શ્રધ્ધા અને વિશ્વાસ રાખીને ભક્તિમાર્ગમાં ચાલવું છે . પ્રભુના રાજીપાનું પાત્ર બનવું છે. નકારાત્મક વાતોથી દૂર રહેવું છે. સફેદમાં કાળું નથી શોધવું. કાળામાં સફેદ શોધવું છે. સ્વામીજી કહેતા તેમ ‘સહજાનંદ’ સિવાય બીજો આકાર નહીં દેખાય તો ‘જ્યાં જુએ ત્યાં રામજી’ની અવસ્થામાં સ્વામીજી આપણને લઈ જશે.
આત્મીય યુવા મહોત્સવમાં યુવાનોને સંબોધન કરતાં અનુપમ મિશનના અધિષ્ઠાતા સંતભગવંત જસભાઈએ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ સાથેના સંસ્મરણોની વાત કરી હતી. તેઓએ ઉમેર્યું હતું કે, ભગવાન સર્વોપરી છે. કર્તાહર્તા છે, સદા સાકાર અને પ્રગટ છે. તેમાં જોડાવું તે આપણી ભક્તિ છે. સંબંધવાળાની મહાત્મ્યયુક્ત સેવા કરવી તે આપણી સાધના છે.
પ્રાસંગિક ઉદબોધનમાં પૂ.ત્યાગવલ્લભ સ્વામીએ કહ્યું હતું કે, જીવનમાં પ્રગતિ માટે ગુરુનું શરણ અને પ્રભુનાં ચરણ હોવાં જોઈએ. એ ચરણના પ્રભાવથી જીવનની દરેક સફર યાત્રા બને છે અને દરેક કર્મ પૂજા બની રહે છે. હરિપ્રસાદ સ્વામીજી મહારાજે પોતે પ્રભુમય જીવન જીવીને આદર્શ રચેલો. એ માર્ગે સહુએ ચાલવાનું છે. હરિપ્રસાદ સ્વામીજી મહારાજ હવે પોતાનું કાર્ય પ્રેમસ્વરૂપ સ્વામીજી દ્વારા કરી રહ્યા છે એ વાતમાં વિશ્વાસ અને શ્રધ્ધા રાખીને આગળ વધીશું તો દરેક કાર્યમાં સ્વામીજીની શક્તિ મળશે.
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, જળસંપતિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, મિસીસાગા-કેનેડાના સાંસદ સુશ્રી નીના ટંગરી, બ્રેમ્પટન દક્ષિણ- કેનેડાનાં સાંસદ સુશ્રી સોનિયા સિદ્ધુ, મિસીસાગા મેલ્ટનના સાંસદ શ્રી દિપક આનંદ, મિલ્ટનના સાંસદ આદમ વાન કોવાર્ડન, બ્રેમ્પટન ઉત્તરના સાંસદ સુશ્રી રૂબી સહોતા, ઑન્ટારિઓના પ્રીમિયર ડગ ફોર્ડ સહિતના મહાનુભાવોએ આ પ્રસંગે શુભેચ્છા સંદેશ પાઠવીને હરિપ્રસાદ સ્વામીજી મહારાજનાં યુગકાર્યને ભાવાંજલિ અર્પી હતી.
આ પ્રસંગે પૂજ્ય શ્રુતિપ્રકાશ સ્વામી, શ્રી ગોરધનભાઈ લીંબાણી, શ્રી શૈલેશભાઈ પટેલ, અને શ્રી અક્ષય ખત્રી પ્રાસંગિક ઉદબોધન કર્યાં હતાં, મહોત્સવના અંતમાં મહાઆરતી કરવામાં આવી હતી. આ મહોત્સવમાં પૂજ્ય સંતવલ્લભ સ્વામી, પૂજ્ય ભરતભાઇ, પૂજ્ય હિંમત સ્વામી, શ્રી સતિષભાઇ ચતવાણી, શ્રી જગતભાઈ કિલ્લાવાળા, મુંબઈના જાણીતા ધારાશાસ્ત્રી શ્રી એસ. કે. શ્રીવાસ્તવ, ધારાસભ્યો, પૂર્વ મંત્રીઓ ઉપરાંત યુ. એસ., કેનેડા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલીયા સહિતના દેશો તેમજ ભારતના વિવિધ રાજ્યોમાંથી મળીને એક લાખ ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન ગુણગ્રાહક સ્વામીએ કર્યું હતું.