રાજકોટવાસીઓએ વિકાસને નજર સમક્ષ રાખી પ્રચંડ જનાદેશ આપ્યો છે, વિકાસયાત્રાને વધુ વેગવંતી બનાવાશે: કોર્પોરેશનના નવનિયુક્ત પદાધિકારીઓ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
રાજકોટવાસીઓએ ભાજપની વિકાસલક્ષી રાજનીતિનો સહર્ષ સ્વીકાર કરી પ્રચંડ બહુમતિ સાથે ફરી શાસન ધુરા ભાજપના હાથમાં સોંપી છે. શહેરીજનોની તમામ આશાઓ અને અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે અમે પરિશ્રમની પરાકાષ્ટા સર્જી દઈશુ. સંગઠનની તાકાત અને ટીમ વર્ક સાથે શ્રેષ્ઠ રાજકોટને સ્માર્ટ રાજકોટ બનાવીશુ તેવો કોલ આજે ‘અબતક’ મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાતે આવેલા મેયર ડો.પ્રદિપભાઈ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટે.ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસક પક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળાએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ ટકોર કરી છે કે, જાજરમાન જીતથી તમારી જવાબદારી વધી છે: વિરોધ પક્ષની જરૂરિયાત જ ન રહે તેવું ટનાટન શાસન આપીશુ: મેયર
મેયર ડો.પ્રદિપભાઈ ડવે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણી સત્તારૂઢ થયા બાદ તેઓએ રાજકોટની ખુબજ ચિંતા કરી છે અને રાજકોટને અનેક પ્રોજેકટની ભેટ આપી છે જેમાં એઈમ્સ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, નવી હોસ્પિટલ, બસ પોર્ટ, રેસકોર્સ-2 અને અનેક અંડરબ્રિજ અને ઓવરબ્રીજ માટે કરોડો રૂપિયાની ફાળવણી કરી છે. સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ આજે મેટ્રો સિટી તરીકે ડેવલોપ થઈ રહ્યું છે. ત્યારે રાજકોટવાસીઓએ ફરી એક વખત ભાજપની વિકાસલક્ષી રાજનીતિનો સ્વીકાર કરી મહાપાલિકાની ધુરા ભાજપને સોંપી છે ત્યારે શહેરીજનોની તમામ અપેક્ષાઓ અને આશાઓ પરિપૂર્ણ કરવા માટે અમે સતત પ્રયત્નશીલ રહીશુ. તાજેતરમાં સ્ટેન્ડિંગ કમીટી દ્વારા મંજૂર કરવામાં આવેલા બજેટમાં જે પ્રોજેકટની જાહેરાત કરવામાં આવી છે તે નિયત સમય મર્યાદામાં પૂર્ણ થાય તે માટે સતત પ્રયત્ન કરતા રહીશું અને ફોલોઅપ પણ લેશું.
આજી રિવરફ્રન્ટ પ્રોજેકટ ઝડપથી સાકાર થાય તે માટે એક અધિકારીની જવાબદારી આગામી દિવસોમાં ફિક્સ કરાશે, આ પ્રોજેકટ મારા કાર્યકાળમાં પૂર્ણ થાય તેવા તમામ પ્રયાસો કરાશે: મેયર
‘અબતક’ની શુભેચ્છા મુલાકાત વેળાએ મેયર ડો.પ્રદિપભાઈ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસક પક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળા ઉપરાંત શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, ભાજપના અનુસુચિત જાતિ મોરચાના વિશેષ આમંત્રીત સભ્ય ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ અને જીતુભાઈ કોઠારી ઉપસ્થિત રહ્યાં હતા.
રાજકોટવાસીઓની આશા-અપેક્ષાઓ પૂર્ણ કરવા પરિશ્રમની પરાકાષ્ટા સર્જી દઈશુ: નવનિયુક્ત પદાધિકારીઓનો કોલ
પ્રશ્ર્ન: પ્રચંડ જનાદેશના બદલામાં શહેરી જનોને શું મળશે?
જવાબ: રાજકોટ મહાનગરપાલિકાની નવમી સામાન્ય ચૂંટણીમાં બેઠકની દ્રષ્ટિએ ભાજપનો સૌથી મોટો વિજય થયો છે. હવે રાજકોટવાસીઓને આ પ્રચંડ જનાદેશના બદલામાં શું આપશો તેવા સવાલના જવાબમાં નવનિયુક્ત પદાધિકારીઓએ જણાવ્યું કે, રાજકોટવાસીઓની આશા અને અપેક્ષાઓ પરિપૂર્ણ થાય તે માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું. બજેટમાં પણ જે કામોની જાહેરાત કરવામાં આવી છે તે તમામ કામો સમયસર પૂર્ણ થાય તે દિશામાં કાર્ય કરવામાં આવશે.
પ્રશ્ર્ન: મહાપાલિકાની જવાબદારી હવે લાઈટ, પાણી અને રોડ-રસ્તા પુરતી નથી રહી, આવામાં ભવિષ્યનું પ્લાનીંગ શું?
જવાબ: સામાન્ય રીતે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની જવાબદારી લાઈટ-પાણી અને રસ્તા પુરતી રહેતી હોય છે પરંતુ સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં મહાપાલિકાની જવાબદારી આ પ્રાથમિક કાર્યોથી સવિશેષ હોવાનું મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું હતું. સાથે સાથે ઉમેર્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણી સત્તારૂઢ થયા ત્યારથી તેઓએ રાજકોટની ખુબ ચિંતા કરી છે. એઈમ્સ, એરપોર્ટ, બસપોર્ટ જેવી સુવિધાઓ આપી છે અને રાજકોટનું ડેવલોપમેન્ટ મેટ્રો સિટીની માફક થાય તે રીતે હાલ વિકાસ કામો થઈ રહ્યાં છે.
પ્રશ્ર્ન: લોકશાહીમાં વિરોધ પક્ષ મહત્વનો હોય છે?, કોર્પોરેશનમાં વિપક્ષ રહ્યો જ નથી તો હવે શું?
જવાબ: રાજકોટવાસીઓએ ભાજપની વિકાસની રાજનીતિને સહર્ષ સ્વીકારી છે અને પ્રચંડ જનાદેશ આપ્યો છે. કોંગ્રેસને શહેરીજનોને લાયક વિપક્ષ પણ ગણ્યો નથી, રાજકોટવાસીઓને વિરોધ પક્ષની આવશ્યકતા જ ન રહે તે પ્રકારનું ટનાટન શાસન આપવામાં આવશે તેવી બાહેધરી મેયર ડો.પ્રદિપભાઈ ડવ દ્વારા આપવામાં આવી છે.
પ્રશ્ર્ન: જૂના રાજકોટ અને મેટ્રો સિટીનો સમન્વય થાય તે માટેનું પ્લાનીંગ શું?
જવાબ: એક તરફ જૂનું રાજકોટ છે તો બીજી તરફ મેટ્રો સિટી તરફ જેટ ગતિએ આગળ વધી રહેલું રાજકોટ છે. આવામાં બંન્નેનો સમન્વય થાય તે માટે મહાપાલિકાની જવાબદારી ખુબજ મહત્વની બની જાય છે. શહેરમાં સતત વકરી રહેલી ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે આંતરીક પરિવહનની સેવાને વધુ સુદ્રઢ બનાવવામાં આવશે. સાથે સાથે રાજકોટ પ્રદુષણ મુક્ત બને તે માટે આગામી દિવસોમાં શહેરના રાજમાર્ગો પર ઈલેકટ્રીક બસ પણ દોડતી નજરે પડશે.
પ્રશ્ર્ન: સંગઠનનો અનુભવ હવે સત્તામાં કામ લાગશે?
જવાબ: મેયર ડો.પ્રદિપભાઈ ડવે પાસે સત્તાનો કોઈ અનુભવ નથી પરંતુ તેઓ સંગઠનમાં છેલ્લા એક દશકાથી કાર્યરત છે. આવામાં શું સંગઠનનો અનુભવ શાસન ચલાવવામાં કામે લાગશે તેના જવાબમાં મેયરે જણાવ્યું હતું કે, ભાજપ સંગઠન થકી જ સત્તા હાસલ કરે છે અને અહીં સત્તાને સેવાનું માધ્યમ ગણવામાં આવે છે. અને ચૂંટાયેલા લોકોને પ્રજાની અપેક્ષાને પરિપૂર્ણ કરવા કઈ રીતે કાર્યો કરવા તે અંગે ભાજપમાં અભ્યાસ વર્ક યોજાતા હોય છે તે ચોક્કસ શાસન ચલાવવા માટે ઉપયોગી થશે.
પ્રશ્ર્ન: આજી રિવર ફ્રન્ટ પ્રોજેકટ ક્યારે સાકાર થશે?
જવાબ: મેયર ડો.પ્રદિપભાઈ ડવે જણાવ્યું હતું કે, આજી રિવર ફ્રન્ટ માટે રાજ્ય સરકાર દ્વારા 1180 કરોડની માતબર જોગવાઈ કરવામાં આવી છે. રામનાથ મહાદેવ મંદિરનો પણ ર્જીણોધ્ધાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રોજેકટ મારા ડ્રીમ પ્રોજેકટમા નો એક છે. આજી રિવર ફ્રન્ટનો પ્રોજેકટ મારા અઢી વર્ષના કાર્યકાળમાં સાકાર થાય તે દિશામાં કામગીરી કરવામાં આવશે. આ માટે એક અધિકારીની જવાબદારી ફિક્સ કરાશે અને સમયાંતરે પ્રોજેકટની કામગીરી ક્યાં પહોંચી, કેટલું ફંડ વાપરવામાં આવ્યું તેનું ફોલોઅપ લેવામાં આવશે. ટૂંકમાં આજી રિવર ફ્રન્ટ પ્રોજેકટ સાકાર થાય તેવા તમામ પ્રયાસો કરવામાં આવશે.
પ્રશ્ર્ન: સરકાર જોઈએ તેટલું પાણી આપે છે પરંતુ વ્યવસ્થાનો અભાવ કેમ?
જવાબ: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજકોટને જોઈએ તેટલું પાણી આપવામાં આવે છે છતાં પાણી કાપ કેમ લાદવામાં આવે છે તેવા સવાલનો જવાબ આપતા મેયર ડો.પ્રદિપભાઈ ડવે જણાવ્યું હતું કે, સૌની યોજના અંતર્ગત રાજકોટને જોઈએ તેટલા નર્મદાના નીર મળે છે પરંતુ થોડી-ઘણી વ્યવસ્થાના અભાવના કારણે ટેકનીકલ ક્ષતિના કારણે પાણીકાપ લાદવાની ફરજ પડે છે. લોકોને નિયમીત પાણી મળી રહે તે માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત જે રીતે રાજકોટનો વિકાસ થઈ રહ્યો છે તે જોતા આગામી 30 વર્ષના લાંબાગાળાના આયોજનને ધ્યાને રાખી આજી ડેમ અને ન્યારી ડેમ ખાતે 150 એમએલડીની ક્ષમતાના નવા વોટર ફિલ્ટર પ્લાન્ટ બનાવવાની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે. સાથે સાથે સ્ટોરેજ વધે તે દિશામાં પણ આગામી દિવસોમાં કાર્યવાહી કરવામાં આવશે.
પ્રશ્ર્ન: ટીપી સ્કીમો ઝડપથી ફાઈનલ થાય તેવા પ્રયાસો થશે?
જવાબ: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલી ટીપી સ્કીમોને મુખ્યમંત્રી દ્વારા તાજેતરમાં ખુબજ ઝડપથી મંજૂરી આપવામાં આવી રહી છે. રૈયા, વાવડી અને મોરબી રોડ પરની ડ્રાફટ ટીપી સ્કીમોને બહાલી આપી દેવામાં આવી છે. હવે સરકારમાં જે ટીપી સ્કીમ પેન્ડીંગ છે તે ઝડપથી ફાઈનલ કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે અને નવા ભળેલા વિસ્તારોમાં વિકાસને અનુરૂપ નવી ટીપી સ્કીમો બનાવવા માટેની કામગીરી પણ હાથ પર લેવામાં આવશે.
પ્રશ્ર્ન: અમદાવાદ અને સુરત જેવું ઈન્ફાસ્ટ્રકચર રાજકોટમાં ક્યારે ઉભુ થશે?
જવાબ: રાજ્યના અન્ય મહાનગરોની જેવા કે અમદાવાદ અને સુરત જેવું ઈન્ફાસ્ટ્રકચર રાજકોટમાં નથી તે વાસ્તવિકતા છે. આવું ઈન્ફાસ્ટ્રકચર ઉભુ કરવા માટે મહાપાલિકાનું કોઈ આયોજન છે ખરૂ તેવા સવાલના જવાબમાં મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું કે, રાજકોટનું ડેવલોપમેન્ટ હવે મેટ્રો સિટી તરીકે થઈ રહ્યું છે. શહેરમાં ઝડપથી ટીપી સ્કીમો ફાઈનલ થાય અને ઈન્ફાસ્ટ્રકચર ઉભુ થાય તે દિશામાં ચોકકસ આગામી દિવસોમાં કામગીરી હાથ ધરવામાં આવશે.
પ્રશ્ર્ન: ફાયર સેફટી સહિતના નિયમોના કારણે રિયલ એસ્ટેટ ક્ષેત્રનો વિકાસ રૂંધાય રહ્યો છે?
જવાબ: જીડીસીઆરમાં વારંવાર કરવામાં આવતા ફેરફાર અને ફાયર સેફટીના નિયમોના કારણે હવે રિયલ એસ્ટેટ ક્ષેત્રનો વિકાસ રૂંધાય રહ્યો છે. આ માટે કોઈ ખાસ પ્લાનીંગ કરવામાં આવ્યું છે તેવા સવાલના જવાબ આપતા નવનિયુક્ત પદાધિકારીઓએ જણાવ્યું હતું કે, રાજકોટમાં લોકોને એફોર્ડેબલ હાઉસીંગ મળી રહે તે માટે મહાપાલિકા દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ફાયર સેફટીના નિયમમાં હાઈકોર્ટના આદેશનું પાલન કરવામાં આવી રહ્યું છે.
પ્રશ્ર્ન: રાજકોટને સ્લમ ફ્રી કેવી રીતે બનાવશો?
જવાબ: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે, 2022 સુધીમાં તમામ લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે મહાપાલિકા દ્વારા શહેરમાં જે વિસ્તારમાં ઝુંપડપટ્ટી છે તેને હટાવવામાં આવે તો ત્યાં જ લાભાર્થીને આવાસ આપવામાં આવી રહ્યું છે. આટલું જ નહીં તમામ લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે હજ્જારોની સંખ્યામાં આવાસો બનાવવામાં આવ્યા છે અને હજુ પણ આવાસો બની રહ્યાં છે. ઝુંપડપટ્ટી મુક્ત રાજકોટ બની રહે તેવું અમારૂ સ્વપ્ન છે.