એસ્ટેટ શાખા સાથે રાખી મેયરે જાહેર માર્ગો પરના
દબાણોને દૂર કરી રસ્તો ખુલ્લો કરાવ્યો
જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં અનેક ફેરિયા- પથારાવાળાઓ દ્વારા મોટાપાયે દબાણ કરાતું હોવાથી વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. જે બાબતે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા, ટ્રાફિક પોલીસ અને સીટી એ ડિવિઝનના પોલીસ વિભાગ દ્વારા અનેક વખત કવાયતો કરવામાં આવે છે. છતાં પણ દબાણો યથાવત રહેતા હોવાથી મેયર દ્વારા આજે એસ્ટેટ શાખાની ટીમને સાથે રાખીને સાફ-સુફી હાથ ધરવામાં આવી હતી, ત્યારે ભારે નાસભાગ મચી ગઈ હતી.
નગરના મેયર બીનાબેન કોઠારી દ્વારા તાજેતરમાં બર્ધન ચોક વિસ્તારમાં પથારાવાળાઓ તેમજ કેટલાક દુકાનદારો વગેરેને માર્ગ પર પોતાનો માલ સામાન નહીં રાખવા અને દબાણ નહીં કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી હતી, અને પ્રત્યેક દુકાને દુકાને તેમજ દરેક પથારા વાળાઓને સહી સલામત રહેવા માટેની કડક સુચના આપી હતી, ત્યારે પણ એસ્ટેટ શાખા સાથે જોડાઈ હતી.
પરંતુ પખવાડિયાનો સમય વીતી ગયા પછી પણ જેમની તેમ સ્થિતિ હતી, અને કોઈપણ પ્રકારનું દબાણ દૂર થયું ન હતું, અથવા તો પથારા વાળાઓ ખસ્યા ન હોવાથી આજે નગરના મેયર બીનાબેન કોઠારી, એસ્ટેટ અધિકારી નીતિન દીક્ષિત તથા અન્ય એસ્ટેટ શાખાના કર્મચારીઓને સાથે રાખીને ફરીથી મોડી સાંજે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી. આ ઝુંબેશને લઈને અનેક પથરાવાળાઓમાં નાશ ભાગ મચી ગઈ હતી. ખુદ મેયર મેદાને ઉતર્યા હતા, અને પથારા વાળાઓને તેમજ રેકડીવાળા વગેરેને દૂર કરાવી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.
ઉપરાંત કેટલાક દુકાનદારો, કે જેઓએ પોતાનો માલ સામાન ફુટપાથ પર અથવા રસ્તા પર રાખ્યો હતો, તેઓને પણ રસ્તો ખાલી કરવા સૂચના અપાઇ હતી, અને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.આવેળાએ તેઓની સાથે શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા પણ જોડાયા હતા. કેટલા સમય સુધી મેયર ની આ ઝુંબેશ કારગત રહે છે, તે જોવાનું રહેશે.