બે કલાક માર્કેટમાં ફેરણી અને રેંકડી ધારકો અને વેપારીઓ સાથે બેઠક: મવડી ચોકડી સુધી 45 લાખના ખર્ચે પેવીંગ બ્લોક નખાશે, બ્લોકની બહાર ઉભેલી રેંકડીઓ જપ્ત કરી લેવાશે
રોજ દોઢ લાખથી વધુ વાહન જ્યાંથી પસાર થાય છે અને 5 લાખથી વધુ લોકો માટે માથાના દુ:ખાવારૂપ બની ગયેલી મવડી-વિશ્ર્વેશ્ર્વર શાકમાર્કેટ રોડને કાયમી ધોરણે નાગચુડ જેવા ટ્રાફિકજામની સમસ્યામાંથી મુક્તિ મળે તે માટે ખુદ મેયર ડો.પ્રદિપ ડવે મુદ્દો હાથ પર લીધો છે. આજે સવારે તેઓએ વિશ્ર્વેશ્ર્વર શાકમાર્કેટ ખાતે 2 કલાક સુધી ફેરણી કરી હતી. વેપારીઓ અને રેંકડી ધારકો સાથે બેઠક યોજી હતી. મવડી ચોકડી સુધી રોડની ડાબીબાજુ 45 લાખના ખર્ચે પેવીંગ બ્લોક નાખવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આગામી દિવસોમાં જો પેવીંગ બ્લોકની બહાર રેકડી ઉભી હશે તો તેને જપ્ત કરી લેવામાં આવશે તેવી તાકીદ પણ રેંકડી ધારકોને કરી દેવામાં આવી છે.
આ અંગે વધુ માહિતી આપતા મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું હતું કે, વિશ્ર્વેશ્ર્વર માર્કેટમાં રોડ પર સળંગ ત્રણ-ત્રણ રેંકડીઓ ઉભી રહી જતીહોવાના કારણે ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે. હવે શેરી-ગલીઓમાં પણ રેંકડીઓ ઉભી રહેવા લાગી છે જેના કારણે દિન-પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. આ રોડને ટ્રાફિક મુક્ત બનાવવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વિશ્ર્વેશ્ર્વર મંદિર ચોકથી મવડી ચોકડી સુધી રોડની ડાબીબાજુ 45 લાખના ખર્ચે પેવીંગ બ્લોક નાખવામાં આવશે. બ્લોક નાખ્યા બાદ આડસ પણ ઉભી કરાશે જેની બહાર જો રેંકડી હશે તો તે જપ્ત કરી લેવામાં આવશે.
તેઓએ ઉમેર્યું હતું કે, મવડી રોડ પર આવેલ વિશ્ર્વેશ્ર્વર મહાદેવના મંદિરથી મવડી ચોકડી તરફ જતા રસ્તા પર શાકભાજી, ફ્રુટ વિગેરેના વેંચાણ માટે ઉભા રહેતા રેંકડીઓના કારણે ટ્રાફિક સમસ્યા ખુબજ રહે છે. હાલમાં, આ મુખ્યમાર્ગ પર 1,50,000 વાહનોની અવરજવર રહે છે. આ તમામ લોકોને અવરજવર માટે ખુબજ હાલાકી ભોગવવી પડે છે. આ રસ્તો 150 ફુટ રીંગ રોડ, મવડી ગામ તેમજ આગળ પાળ, રાવકી માટે જતા લોકો માટે આ રસ્તો મહત્વનો હોય જેથી આ સમસ્યાના નિવારણ માટે વિસ્તારના રહેવાસીઓ તરફથી અવારનવાર રજુઆત કરવામાં આવેલ છે.
રેંકડીઓ ઉભી રાખી ધંધો કરતા ધંધાર્થીઓની રોજીરોટી જળવાઈ રહે અને ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે આજરોજ મેયર ડો.પ્રદિપ ડવએ સ્થળ મુલાકાત લીધેલ. સ્થળ મુલાકાત દરમ્યાન મેયર ડો.પ્રદિપ ડવએ તમામ રેંકડીઓવાળાની રોજીરોટી જળવાઈ રહે તે માટે વ્યવસ્થિત ઉભા રહેવા સમજાવવામાં આવેલ. આ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પેવિંગ બ્લોક નાંખી આપવામાં આવશે. આ પેવિંગ બ્લોકમાં જ શાકભાજીનો ધંધો કરતા રેંકડીઓવાળાએ ઉભું રહેવાનું અને તમામ રેંકડીઓવાળાને ગંદકી ન થાય તે માટે ડસ્ટબીન રાખવાની રહેશે. આ વ્યવસ્થાથી ટ્રાફિકની સમસ્યા ઘણી હળવી થઇ જશે. તેમજ સ્વચ્છતા પણ જળવાઈ રહેશે.
રેંકડીઓવાળાને ધંધાર્થીઓની સુવિધા માટે આજરોજ પેવિંગ બ્લોકની કામગીરીનો પણ શુભારંભ કરવામાં આવેલ. જે કોઈ રેંકડીઓવાળા પેવિંગ બ્લોકની બહાર રોડ પર જો કોઈ રેંકડીધારકો ઉભા રહેશે તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેંકડી જપ્ત કરવામાં આવશે તેવી તાકીદ કરવામાં આવી.