- એટીએસ, કોસ્ટગાર્ડ અને એનસીબીએ મધદરિયે સંયુક્ત ઓપરેશન હાથ ધરી 86 કિલો હેરોઇનનો જથ્થો કર્યો’તો કબ્જે
આંતરરાષ્ટ્રીય મેરીટાઈમ બાઉન્ડ્રી લાઈન પરથી આશરે 10 દિવસ પૂર્વે ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને રૂ. 600 કરોડની કિંમતનો 86 કિલો હેરોઇનનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોરબંદરના દરિયાકાંઠેથી 180 નોટિકલ માઈલ દૂરથી ’અલ-રઝા’ નામની પાકિસ્તાની બોટમાંથી હેરોઇનના જથ્થા સાથે 14 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ આ સમગ્ર પ્રકરણમાં ઊંડી તપાસ હાથ ધરવામાં આવતા આખા ડ્રગ્સ પ્રકરણનો પ્લાન તામિલનાડુનો શખ્સ જે હાલ શ્રીલંકાની જેલમાં છે તેણે ઘડ્યાનું ખુલવા પામ્યું છે. હવે આ શખ્સનો શ્રીલંકાની જેલમાંથી કબ્જો લઇ ગુજરાત લાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
આશરે 10 દિવસ પહેલા ગુજરાતના દરિયાકાંઠેથી રૂ. 600 કરોડની કિંમતની 86 કિલો હેરોઈન સાથેની પાકિસ્તાની બોટ ઝડપાયા બાદ તપાસમાં જાણવા મળ્યું છે કે શ્રીલંકાની જેલમાં બંધ તમિલનાડુના શખ્સે આખો પ્લાન ઘડ્યાનું સામે આવ્યુ છે.
ગત 26 એપ્રિલના રોજ ભારતીય કોસ્ટ ગાર્ડ (આઈસીજી)એ ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ) અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) સાથે મળીને બોટને અટકાવ્યા બાદ જપ્તી કરી હતી અને તેના પાકિસ્તાનના 14 સભ્યોના ક્રૂની ધરપકડ કરી હતી.
ઓપરેશનમાં ડ્રગ્સથી ભરેલી પાકિસ્તાની બોટ ’અલ રઝા’ના કેપ્ટન નાસિર હુસૈન(ઉ.વ.62)એ ઓપરેશનનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો ત્યારે અધિકારીઓ દ્વારા ચલાવવામાં આવેલી ગોળીથી તેના હાથમાં ઇજા પહોંચી હતી.
હવે આ તપાસમાં જાણવા મળ્યું છે કે, તમિલનાડુના એક ડ્રગ કાર્ટેલ ચીફ જે લાંબા સમયથી શ્રીલંકાની જેલમાં બંધ છે. તેણે જેલની અંદરથી દાણચોરીની યોજના બનાવી હતી. ભારતીય એજન્સીઓ આ કેસમાં વધુ લીડ મેળવવા માટે પૂછપરછ માટે વ્યક્તિની કસ્ટડીમાં લેવાની શક્યતા છે, તેવું એનસીબીના એક અધિકારીએ જણાવ્યું હતું.
પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાંથી હુસૈન અને તેના 13 સહયોગીઓની હેરોઈનના ક્ધસાઈનમેન્ટ સાથે ધરપકડ કરવામાં આવી હતી. જે પાકિસ્તાન સ્થિત ડ્રગ માફિયાઓ દ્વારા 78 પેકેટ સ્વરૂપે બોટમાં લોડ કરવામાં આવ્યા હતા. આ ક્ધસાઈનમેન્ટ શ્રીલંકા પહોંચાડવાનું હતું.
આ ઓપરેશન ગુજરાત એટીએસને મળેલા ઈનપુટ બાદ પાર પાડવામાં આવ્યું હતું. કરાચીની બોટ પોરબંદરના દરિયાકાંઠેથી ઈન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડ્રી લાઈનના 180 નોટિકલ માઈલ (330કિમી) દૂર ઓપરેશન માટે ત્રણેય એજન્સીઓની સંયુક્ત ટીમ બનાવવામાં આવી હતી. બાદમાં તપાસ એનસીબીને સોંપવામાં આવી હતી.
મધદરિયેથી ઝડપાયેલા હેરોઇન બાદ 27 એપ્રિલના રોજ ગુજરાત એટીએસએ ગાંધીનગર, અમરેલી અને રાજસ્થાનના સિરોહીમાં એક-એક લેબમાંથી રૂ. 230 કરોડની કિંમતનો મેફેડ્રોન જપ્ત કર્યો હતો. આ કેસમાં 13 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
એટીએસ અને કોસ્ટગાર્ડના અધિકારીઓએ 29 એપ્રિલના રોજ ગુજરાતના દરિયાકાંઠેથી ભારતીય માછીમારીની બોટમાંથી રૂ. 60.5 કરોડની કિંમતનું 173 કિલો હાશિશ (કેનાબીસ રેઝિન) જપ્ત કર્યો હતો અને પાંચ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.
ડ્રગ્સ પ્રકરણમાં પાકિસ્તાન કનેક્શનની તપાસ પર ધ્યાન કેન્દ્રિત
ડ્રગ્સનો જથ્થો પાકિસ્તાની બોટ અલરઝામાંથી ઝડપાયો હતો અને તેની સાથે 14 પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં આ ડ્રગ્સનો જથ્થો કરાચીના બંદરેથી લોડ કરવામાં આવ્યો હતો અને પાકિસ્તાની ડ્રગ્સ માફિયા હાજી અસ્લમ ઉર્ફે બાબુ બ્લોચએ મોકલ્યાનો ખુલાસો થયો હતો ત્યારે હવે ડ્રગ્સ પ્રકરણમાં પાકિસ્તાની કનેક્શનના તમામ પુરાવાઓ એકત્રિત કરવા તરફ તપાસ એજન્સીએ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલા 14 પાકિસ્તાની શખ્સો
નાસીર હુશેન, મહંમદ સિદ્દીક, અમીર હુસેન, સલલ ગુલામ નબી, અમન ગુલામ નબી, બઘલખાન, અબ્દુલ રાશીદ, લાલ બખ્સ, ચાકરખાન, કાદિર બખ્સ, અબ્દુલ શમાદ, એમ હકીમ, નૂર મહમદ, મહંમદ હુશેન ખાન નામના 14 પાકિસ્તાની નાગરિકો ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયા છે. આ તમામ શખ્સો પાકિસ્તાનના બ્લોચીસ્તાનના રહેવાસી છે.