ઈસ્લામ અમન શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપે છે, આતંકવાદીઓ માટે ઈસ્લામમાં કોઈ સ્થાન નથી તેવા સુર વ્યકત કરાયો
જમ્મુ-કાશ્મીરના અનંતનાગ નજીક અમરનાથનાં દર્શન કરીને પરત ફરી રહેલા ગુજરાતી યાત્રિકો પર થયેલા આતંકવાદીઓના હુમલાની ઠેર-ઠેર રોષ ઠલવાઈ રહ્યો છે. જેમાં મુસ્લિમ બીરાદરોએ આ ઘટનાને વખોડી કાઢીને આક્રોષ વ્યકત કર્યો હતો.
યુનુસ જુણેજારાજકોટ શહેર કોંગ્રેસ માઈનોરીટી ચેરમેન યુનુસ જુણેજાએ જણાવ્યું હતું કે, મુસ્લીમ સમાજ તેમજ માઈનોરીટી ડીપાર્ટમેન્ટ તેમજ મુસ્લીમ સમાજના આગેવાનો તરફથી અમે યાત્રાળુ સાથે દુ:ખના ભાગીદાર બનીએ છીએ અને તેમની આત્માને શાંતિ તેમજ તેમના સગા, સ્નેહીઓને હિંમત આપે અને ઘાયલો જલ્દીથી સ્વસ્થ બને તેવી દુવા કરીએ છીએ.
કોઈ પ્યાસાને પાણી પીવડાવવું તેનું નામ ઈસ્લામ છે, કોઈ મુખ્યાને જમાડવું તેનુ નામ ઈસ્લામ છે, કોઈ આંધળાને સાચો રસ્તો દેખાડવો તેનું નામ ઈસ્લામ છે, કોઈના દુ:ખ, દર્દમાં ભાગીદાર બનીને તેનું દુ:ખ દુર કરવા તેનું નામ ઈસ્લામ છે. કોઈ નિર્દોષોને મારવા તેનું નામ ઈસ્લામ છે જ નહીં, આવા આતંકવાદીઓને ઈસ્લામમાં કોઈ સ્થાન છે જ નહીં, આવા આતંકીઓને કોઈ જ ધર્મ હોતો નથી. ઈસ્લામ અમન, ચેન, શાંતિ અને ભાઈચારાનો સંદેશો આપનારો મજહબ છે. આવા કાયર આતંકીઓ જે દેશની સ્થિરતામાં વિઘ્ન નાંખતા હોય તેનો અમો રાજકોટ શહેર કોંગ્રેસ માઈનોરીટી ડીપાર્ટમેન્ટમાં ચેરમેન યુનુસ જુણેજા, વાઈસ ચેરમેન ઈમરાન પરમાર, મકસુદ ચાવડા, યુસુફ સોપારીવાલા તેમજ મુસ્લીમ અગ્રણીઓ સખત શબ્દોમાં વિરોધ કરીને વખોડીએ છીએ.
શાહમદાર, જામનગરીમુસ્લીમ સમાજના અગ્રણી હારુનભાઈ શાહમદાર તથા રઝાકભાઈ જામનગરીએ જણાવ્યું કે, આતંકવાદી પ્રવૃતિને મુસ્લીમ સમાજ શખ્સ શબ્દોમાં વખોડે છે આ કાયરતાને જરાય સાંખી લેવામાં નહીં આવે. આ અવસાન પામેલ યાત્રાળુઓના આત્માને શાંતિ મળે તે માટે મુસ્લીમ સમાજ દ્વારા એક શોક સભાની મીટીંગ રાખેલ જેમાં અમરનાથના મૃતક યાત્રાળુઓને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી.
આતંકવાદીઓ દ્વારા થયેલ અંધાધુધ ગોળીબાર ચાલુ હતો તે દરમ્યાન ઓમ ટ્રાવેલ્સના ડ્રાઈવર સલીમ અને હર્ષે હિંમત દાખવીને આ રામ-રહીમની જોડીએ વીરતા બતાવી અને આતંકવાદીઓનો સામનો કરી અને બીજા ૪૫ યાત્રાળુઓના જીવ બચાવી અને સીધી બસ એરફોસ કેમ્પમાં લઈ અને આબાદ બચાવ કરેલ છે. તેમની આ બહાદુરીપૂર્વકની પ્રસંશનીય કામગીરીને મુસ્લીમ સમાજ સહર્ષ વધાવે છે અને તેમને સલામ કરે છે. આવા બહાદુર વ્યક્તિઓની આપણા દેશને ખુબજ જરૂર છે.
અમન સોશ્યલ ગ્રુપ અમરનાથ યાત્રીઓ ઉપર થયેલાં આતંકવાદી હુમલામાં ૭ ગુજરાતી યાત્રીકોનો ભોગ લેવાયો તે ઘટનાને મુસ્લીમ સમાજ દુ:ખજનક ગણી શખ્ત શબ્દોમાં વખોડે છે. પાકિસ્તાન પ્રેરીત આ આતંકી હુમલો યાત્રીઓ ઉપર નહીં પણ માનવતા ઉપર થયો છે. માનવતા ના દુશ્મનોનું કૃત્ય ઈસ્લામ ધર્મ ઉપર કલંક સમાન છે. કેમકે ઈસ્લામ અમન-શાંતિ ભાઈચારાનો સંદેશ આપે છે. એક નિર્દોષ વ્યક્તિની કતલ કરવી સમગ્ર સુટિની કતલ કરવી સમાન છે. ભોગ બનનારા યાત્રીઓની આત્માને ઈશ્ર્વર શાંતિ આપે અને ઘાયલોને ઈશ્ર્વર શીફાએ કામીલા આપે તેમજ તેમના પરિવારજનો ઉપર આવી પડેલ અણધારી આફત સહન કરવાની ઈશ્ર્વર શક્તિ આપે તેમ અમન સોસીયલ ગ્રુપ પ્રમુખ યુસુફભાઈ કટારીયાની યાદીમાં જણાવાયું છે