‘રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી નીકળી’ કવિ શ્રી.ઝવેરચંદ મેઘાણીની આ ઉક્તિને બે દિવસ પહેલાં સાક્ષાત જોઈ. તાજેતરમાં પુલવામામાં થયેલા આતંકી હુમલામાં દેશના ૪૨થી વધુ જવાનો શહિદ થયા. આ દિવસ ’કાળદિવસ’ તરીકે ભારતના ઇતિહાસમાં સદાયને માટે લખાઈ જશે.

ભારત પર આતંકી હુમલાઓ એ જાણેકે પાકિસ્તાનની મનપસંદ રમત થઈ ગઈ છે. જે ઘટના બની છે એ અત્યંત દુ:ખદ છે . શહિદ થનાર દેશના વીર જવાનોના પરિવાર વિશે વિચારતાં જ કંપારી છૂટી જાય એવો માહોલ સર્જાયો છે.

જે બન્યું એ તો અત્યંત દુ:ખદ અને નિંદનીય છે જ પરંતુ એ આઘાતના પ્રત્યાઘાતો જે સોશ્યલમીડિયા પર દેખાઈ રહ્યા છે એ તો આથી પણ વધુ શરમજનક અને ધૃણાસ્પદ છે. દેશનાં ચિંતિત અને જવાબદાર નાગરિક તરીકે દરેક વ્યક્તિ પોતાની વ્યથા અને પોતાનો આક્રોશ બતાવી રહી છે એ સમજી શકાય એવી વાત છે પરંતુ શું આ યોગ્ય સમય છે રાજકારણ કે કોઈ પક્ષની તરફેણ કે વિરોધ કરીને બળતામાં ઘી હોમવાનો?

જે ઘટના બની એમાં સરકારનો કે કોઈ પક્ષનો  હાથ છે કે નથી ની ચર્ચા માટે આખી જિંદગી પડી છે. આસમય મૃતકનાં પરિવારની સાથે રહી એમને સાંત્વન આપવાનો છે, એમના માટે આપણાંથી શક્ય તમામ મદદ કરવાનો છે. જનતા આમ પણ આ સિવાય કશું કરી શકે એમ નથી તો આવા સમયે સરકારની ’સામે’ નહિ, ’સાથે’ રહી એમનામાં વિશ્વાસ મુકવો એ જ દરેક નાગરિકને અપીલ છે. કદાચ આ સરકારનું કે કોઈ પણ પક્ષનું ષડયંત્ર હશે તો પણ જે રાજકારણીને કે જે પક્ષને છાંટા ઉડે છે એ માનવતા ખાતર નહિ તો પણ પોતાના સ્વાર્થ ખાતર (પોતાની સીટ બચાવવા)પણ આ ઘટના માટે ઘટતું કરશેજ.

કાયદો,સંવિધાન કે નીતિ-નિયમો એ દેશમા શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે હોય છે પરંતુ જ્યારે આવા જ કાયદાઓ કે નિયમોથી દેશનું  હિત જોખમાય, દેશના રક્ષકના મોત માટે ક્યાંક જવાબદાર બને- ત્યારે કાયદાથી સુરક્ષકર્મીના હાથ-પગ બાંધી દેવા એ કોઈ રીતે વ્યાજબી નથી. જ્યારે મોત માથે ભમતું હોય ત્યારે પોતાનો જીવ બચાવવા અને બદલો લેવા બાબતે કાયદા કાનૂનમાં છૂટછાટ આવશ્યક છે.  સરકારે પોતાનો વિશ્વાસ સ્થાપવા માટે જલ્દીથી જલ્દી આ ઘટના પર એક્શન લેવા જોઈએ અને જનતાએ સરકાર પર ભરોસો રાખી એને  સાથ આપવો જોઈએ  શહીદોના પરિવારના દુ:ખને, દેશની આટલી મોટી આપત્તિને સોશ્યલમીડિયા પર તમાશો બનાવવાથી સમસ્યાનો ઉકેલ નહિ જ આવે. જો આ ઘટના રાજકારણમાં રમાતી રમતનો  હિસ્સો હોય તો એને યાદ રાખી દેશની રક્ષા માટે શહીદી વ્હોરનાર દરેક જવાનને અશ્રુભીની આંખે હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.